ભારત અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં રમાયેલી મેચમાં ભારતનો આસાન વિજય થયો હતો. રવિવારે ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પોતાની અજેય લીડ જાળવી રાખી છે.
ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે 7 મેચ રમી છે અને તમામ મેચમાં ભારતનો વિજય થયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે માન્ચેસ્ટરમાં રમાયેલી મેચની કેટલીક હાઇલાઇટ્સ પર નજર.
પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતે 50 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 336 રન કર્યા હતા. જેમાં રોહિત શર્માના 140 રન તથા કેપ્ટન વિરાટ કોહલીએ 77 રનનું યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાનને જવાબમાં 35 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 166 રન કર્યા ત્યારે વરસાદ પડ્યો અને પાકિસ્તાનને 30 બોલમાં 136 રન એટલે કે 302 રન કરવાનો નવો લક્ષ્યાંક મળ્યો.
નિર્ધારિત 40 ઓવરના અંતે પાકિસ્તાને 6 વિકેટે 212 રન કર્યા હતા અને ભારત ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે મેચ 89 રનથી જીતી ગયું હતું.
રોહિત શર્માના શાનદાર 140, કોહલીના 77 રન
ભારતીય ઓપનર રોહિત શર્માએ શાનદાર 140 રનની ઇનિંગ્સ રમીને ટીમના જંગી લક્ષ્યાંકનો પાયો નાખ્યો હતો. આ ઉપરાંત, કેપ્ટન વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે પણ અનુક્રમે 77 અને 57 રન કર્યા હતા.
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝનું 'બગાસું' ચર્ચાનો વિષય
ભારતની ફિલ્ડીંગ વખતે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે જેમ કે મેચમાં ટીમના વિજયની આશા છોડી દીધી હોય તેમ ફિલ્ડીંગ દરમિયાન બે વખત બગાસું ખાતા સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા કરવામાં આવી હતી.
વિરાટ કોહલી નોટઆઉટ, છતાં મેદાન છોડ્યું
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાકિસ્તાનના બોલર મોહમ્મદ આમિરની બોલિંગમાં આઉટ ન હોવા છતાં પણ તેણે મેદાન છોડી દીધું હતું અને ત્યાર બાદ રીપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટથી ઘણા અંતરથી પસાર થઇ ગયો હતો.
વિજય શંકરની પ્રથમ બોલ પર જ વિકેટ
ભારત તરફથી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા વિજય શંકરે ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થતાં તેની બાકી રહેલી ઓવરના બે બોલ પૂરા કરવા માટે બોલિંગ કરી હતી. તેણે વર્લ્ડ કપમાં પોતાની બોલિંગના પ્રથમ બોલ પર જ વિકેટ લેવાની સિદ્ધી મેળવી હતી. આ કારનામું કરનારો વિજય શંકર ભારતનો પ્રથમ બોલર બની ગયો છે.
કુલદીપનો 'સ્પિન' બોલ્ડ
એક સમયે પાકિસ્તાનના બેટ્સમેને બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવીને મેચમાં પોતાની પકડ મજબૂત કરી હતી ત્યારે ભારતીય સ્પિનર કુલદીપ યાદવે પાકિસ્તાનના બાબર આઝમને ક્લિન બોલ્ડ કરીને ભારતને મેચમાં પુનરાગમન કરાવ્યું હતું.

India's Hardik Pandya leaps in the air to celebrate the dismissal of Pakistan's Shoaib Malik during the Cricket World Cup match between India and Pakistan Source: AAP Image/AP Photo/Aijaz Rahi
હાર્દિક પંડ્યાની બે બોલમાં બે વિકેટ
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના મિડલ ઓર્ડરના બેટ્સમેનો સામે શાનદાર બોલિંગ કરીને સતત બે બોલમાં મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિકને આઉટ કરીને મેચમાં ભારતના વિજયને મજબૂત કર્યો હતો.
પાકિસ્તાનમાં વળતી લડતનો અભાવ
પાકિસ્તાનની ક્રિકેટ ટીમે સમગ્ર મેચમાં ભારત સામે કોઇ પણ સમયે લડત આપી હોય તેમ દેખાતું નહોતું. તેમની નળબી બોલિંગનો ભારતીય બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત, ફિલ્ડીંગમાં પણ કેટલીક ભૂલો કરતાં તેની ચૂકવણી પાકિસ્તાને મેચ ગુમાવીને કરવી પડી હતી.