સ્વિમિંગએ ફિટ અને તંદુરસ્ત રહેવા માટેની સૌથી ઉત્તમ કસરત છે પરંતુ સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે સ્વિમિંગ ફક્ત ઉનાળામાં કે ગરમીના દિવસોમાં જ કરવું જોઇએ. જો આપણે તે ઠંડા વાતાવરણ કે શિયાળાના સમયે કરીશું તો માંદા પડીશું કે આપણા શરીરમાં કોઇ પ્રકારની બિમારી શરૂ થઇ જશે. જોકે તે માન્યતા ખોટી છે.
શિયાળામાં સ્વિમિંગ કરવું હિતાવહ નથી તેવી માન્યતાનો વિજ્ઞાન અને તબીબી નિષ્ણાતો એ છેદ ઉડાડી દીધો છે અને ઓસ્ટ્રેલિયામાં પણ લોકોની માનસિકતા બદલાઈ છે અને તેઓ શિયાળામાં સ્વિમિંગ તરફ વળ્યાં છે.
ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવાના અનેક ફાયદા
શિયાળામાં સ્વિમિંગ કરવાની ઘણા ફાયદા છે. બ્લડપ્રેશર કંટ્રોલથી લઇને કોલેસ્ટ્રોલ લેવલનું નિયમન થાય છે. શિયાળામાં સ્વિમિંગ કરવાના ફાયદા અંગે વધુ વિગતો આપતા પર્થના ડોક્ટર કમલેશ ભટ્ટે જણાવ્યું હતું કે, “સ્વિમિંગ દ્વારા હાઇપર્ટેન્શન તથા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર કંટ્રોલમાં લાવવામાં ફાયદો થાય છે.”
“આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલ નું પણ નિયમન થાય છે તથા તે યોગા જેટલું જ લાભદાયક બની શકે છે."
ઉલ્લેખનીય છે કે સ્વિમિંગ કરવાની કોઇ ચોક્કસ ઉંમર નથી. નાના બાળકથી લઇને વૃદ્ધો પણ સ્વિમિંગ કરી શકે છે.

શિયાળામાં જયારે વાતાવરણ પ્રતિકૂળ હોય ત્યારે શારીરિક પ્રવુતિઓ ઓછી થાય છે અને સ્વિમિંગને લોકો અવગણે છે પરંતુ, રોયલ લાઈફ સેવિંગ સોસાયટી –ઓસ્ટ્રેલિયાના તથા ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓઉલુ ( OULU ) ના એક સર્વે પ્રમાણે સ્વિમિંગથી રોગ પ્રતિકારક શક્તિ અને માનસિક તંદુરસ્તી વધુ સારી રહે છે.
એક્સમાઉથમાં પ્રેક્ટિસ કરતા ડો.શશીભાઈના અભિપ્રાય પ્રમાણે, તરવું એ એક પ્રકારની સારવાર જ કહેવાય, તેના ફાયદા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “તેનાથી શરીરના સાંધામાં ઘસારો પહોંચતો નથી, હિપપેઈન અને બેકપેઈનમાં પણ ફાયદો થાય છે. તેને હાઈડ્રોથેરાપી કહી શકાય જે સૌથી સારી દવા-સારવાર છે.”
“ઇમોશનલ વેલ બીઇંગ માટે આ એક પ્રકારનો વ્યાયામ છે. વળી મોટી ઉંમરે મગજના કોષો માટે ફાયદાકારક છે,” તેમ શશીભાઇએ જણાવ્યું હતું.
હાઇડ્રોથેરાપી વૃદ્ધો માટે ફાયદાકારક
સ્વિમિંગ દ્વારા વૃદ્ધોનો પણ શારીરિક રીતે ઘણા ફાયદા થયા હોવાનું જાણવા મળ્યું છે. શારદાબેન ડાભીને પાંચેક વર્ષ અગાઉ ઢાંકણીનું ઓપરેશન કરાવ્યા બાદ ડોકટરે તેમને હાઈડ્રોથેરાપીની સલાહ આપી હતી તેનાથી ફાયદો થતા તેઓ હવે નિયમિત આ વ્યાયામ કરે છે. આ ઉપરાંત અલ્પાબેન, ભાવનાબેન સહિતની મહિલાઓ હાઈડ્રોથેરાપી દ્વારા કસરત કરે છે અને તેમને ઘણો ફાયદો પહોંચ્યો છે.
વિશાલભાઈ અને અનામિકાબેન તેમના એક વર્ષના દિકરા દેવને નિયમિત સ્વિમિંગ કરવા માટે લઇ જાય છે. તેમના જણાવ્યા પ્રમાણે ઘણા લોકો શિયાળામાં સ્વિમિંગ કરવા માટે આવે છે.
નિષ્ણાતોના મતે શિયાળામાં સ્વિમિંગ કરવાથી શરદી સામે રોગ પ્રતિકારકશક્તિ વધે છે, ચયાપચયની ક્રિયા સુધરે છે. આ ઉપરાંત કેલરી ઝડપથી બળે છે અને રક્તપરિભ્રમણ સારું થાય છે, ફેફસાની કાર્યશક્તિ વધે છે તથા માનસિક સ્ટ્રેસમાં રાહત મળે છે.
સામાન્ય રીતે સ્વિમિંગ માત્ર ઉનાળામાં જ થાય તે માન્યતાને નિષ્ણાતો તથા ડોક્ટર્સે ખોટી પુરવાર કરી છે અને તે તમામ ઉંમરના લોકો દ્વારા શિયાળામાં પણ કરી શકાય તેવી ઉત્તમ કસરત ગણાવી છે.

