ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે મેક્સિકો, ફિલિપિન્સ અને પાકિસ્તાનથી અમુક ફળોની આયાત કરવામાં આવે છે. આ સૂચીમાં ટૂંક સમયમાંજ ભારતનું નામ સામેલ થવા જઈ રહ્યું છે.
સૌપ્રથમ વખત બદલાયેલ પ્રોટોકોલના કારણે ભારતીય કેરી (આંબા) ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ થશે. ઓસ્ટ્રેલિયા અને ભારતમાં કેરીની ઋતુ અલગઅલગ સમયે છે તો ઓસ્ટ્રેલિયામાં લોકો કેરીના સ્વાદનો આંનદ ઓસ્ટ્રેલિયાની કેરીની ઋતુ સિવાય પણ માણી શકશે.
એ બી સી સાથે વાત કરતા ઓસ્ટ્રેલિયન મેંગો ઇન્ડસ્ટ્રી એશોસિયેશનના રોબર્ટ ગ્રેએ જણાવ્યું હતું કે, વિદેશોથી ફળ આયાત કરવામાટે ઓસ્ટ્રેલિયન બજારો ખુલ્લી છે, પણ નિકાસકર્તા દેશોએ એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે નિકાસ કરાતા ફળો કોઈપણ જાતની બીમારી , પેસ્ટ્રીસાઇડથી મુક્ત હોય.
ભારતીય હાપુસ કેરી માટે પ્રસિદ્ધ રત્નાગીરી ખાતે કેરીની ખેતી કરતા પ્રકાશ સાંબલે નિકાસકર્તા કમ્પની સાથે પોતાની લગભગ 500 કિલો ઓસ્ટ્રેલિયા નિકાસ કરશે. તેઓ 10 વર્ષથી અમેરિકા અને યુરોપના વિવિધ દેશોમાં પોતાની રત્નાગીરી હાપુસની નિકાસ કરે છે.
એસ બી એસ ગુજરાતી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ આ નવી તકનો પૂરો લાભ લેવા ઈચ્છે છે. તેઓ કુદરતી ખાતર અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ફળો ઉગાડે છે. ઓસ્ટ્રેલિયાની વીકીરણીય પ્રક્રિયામાંથી ફળોને પસાર કરવાની માંગ અંગે તેઓ કહે છે કે તેઓ કોઈપણ દેશમાં ફળ નિકાસ કરતા પહેલા આ પ્રક્રિયા કરે જ છે. તેમના માટે કોઈ નવી વાત નથી.

Source: Prakash Sable
ભારતીય નિકાસકર્તા કમ્પની કે બી એક્સપોર્ટ્સના મુખ્ય કાર્યકારી અધિકારી કૌશલ ખાખરનું કહેવું છે કે શરૂઆતમાં ભારતની હાપુસ અને કેસરની નિકાસ કરવામાં આવશે. આ માટે હવાઇમાર્ગનો ઉપયોગ કરવામાં આવશે.