ન્યૂ સાઉથ વેલ્સના વોલોન્ગોંગ વિસ્તારના કોનિસ્ટોનમાં એક પ્રોજેક્ટ સાઇટમાં કારીગરો કામ કરી રહ્યા છે. પહેલી નજરે તો તે એક સામાન્ય લાગે તેવી જ પ્રોજેક્ટ સાઇટ છે પરંતુ તેની ખાસિયત એ છે કે તેમાં વિવિધ સામાજિક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો એકસાથે મળીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.
એટલા માટે જ તેને એક મલ્ટીકલ્ચરર પ્રોજેક્ટ સાઇટ કહેવાય છે. તે ઇલાવારા વિસ્તારની મલ્ટીકલ્ચરલ કમ્યુનિટી કાઉન્સિલ દ્વારા ચલાવવામાં આવે છે.
અહીં કાર્ય કરતા લોકો ફક્ત પ્રોજેક્ટમાં એક સાથે કામ જ કરતા નથી પરંતુ એકબીજાના સામાજિક બેકગ્રાઉન્ડ તથા તેમની ભાવનાઓને સમજી તેનો આદર પણ કરે છે.
આવા જ એક વ્યક્તિ છે ચીલીના કાર્લોસ ઓરેલ્લાના.
કાર્લોસ છેલ્લા દોઢ વર્ષથી આ પ્રોજેક્ટ સાઇટ પર આવે છે અને હાર્મની ડેના દિવસે તેઓ તેમના મિત્રો સાથે તેની ઉજવણી પણ કરશે.
Image
એકબીજાની ભાવનાઓનું સન્માન
ઓરેલ્લાના જણાવે છે કે અહીંના સમાજના લોકોએ તેમને આવકાર્યા હતા. વિવિધ સામાજિક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો વચ્ચે મજબૂત સંબંધ છે. અમે એકબીજા સાથે લાગણીઓ અને પોતાનું જ્ઞાન વહેંચીએ છીએ.
આ વર્ષનો હાર્મની ડે પોતાનું 20મું વર્ષ ઉજવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હાર્મની ડે વિશ્વના તમામ સમાજ પ્રત્યે આદરભાવ તથા સદભાવના પ્રકટ કરવા માટે ઉજવાય છે.
મલ્ટિકલ્ચરલ કમ્યુનિટીસ કાઉન્સિલ ઇલાવારાના ચીફ એક્સીક્યુટીવ ક્રિસ લેસીએ જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયન લોકો માટે તેમના બહુસાંસ્કૃતિક સમાજ પ્રત્યે આદર તથા એકતા દર્શાવવાનો સમય છે."
લેસીના માનવા પ્રમાણે, "વર્તમાન હાર્મની ડે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલા બાદ ઘણો મહત્વનો બની ગયો છે. તે જણાવે છે કે તમામ ઓસ્ટ્રેલિયન્સે એકતા દર્શાવી આ દિવસ ઉજવવાની જરૂર છે."
ન્યૂઝીલેન્ડમાં બનેલી ઘટના ક્યારેય ઓસ્ટ્રેલિયન સમાજનું પ્રતિનિધિત્વ કરતી નથી. ઓસ્ટ્રેલિયામાં વિવિધ દેશના, સંસ્કૃતિના, ભાષાના અને જુદી-જુદી પ્રતિભા ધરાવતા લોકો વસી રહ્યા છે. જેઓ પોતાના શ્રમ અને વિચારોથી દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. અને તેનાથી જ ઓસ્ટ્રેલિયા એક મજબૂત રાષ્ટ્ર બન્યું છે.
ઓસ્ટ્રેલિયન મલ્ટિકલ્ચરલ ફાઉન્ડેશન ડાયરેક્ટર હેસ ડેલ્લાલના જણાવ્યા પ્રમાણે, "ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચમાં બનેલી ઘટના બાદ એકબીજાને સહયોગ આપ્યો, મદદ કરી જે ખરેખર હાર્મની ડેનું ઉત્તમ ઉદાહરણ છે."
"ક્રાઇસ્ટચર્ચમાં બનેલી ઘટના બાદ વિક્ટોરિયામાં વિવિધ મસ્જિદોમાં લોકો ભેગા થયા, ઘટનાને વખોડી અને પ્રાર્થના કરી તે ખરેખર સરાહનીય છે. આ ઘટનાએ વિવિધ સમાજના લોકોને એક કર્યા, એકબીજાની ભાવનાઓની કદર કરી અને એ જ હાર્મની ડેનો સંદેશ છે."
ઓસ્ટ્રેલિયામાં 300થી વધુ સંસ્કૃતિ
2016માં ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા કરવામાં આવેલી વસ્તી ગણતરી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં લગભગ જુદા જુદા 300થી પણ વધારે સમાજના લોકો વસી રહ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં 300થી પણ વધારે ભાષાઓ બોલાઇ રહી છે.
21 ટકા જેટલા ઓસ્ટ્રેલિયન્સ ઘરમાં અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે.
અંગ્રેજી અને મેન્ડરીન બાદ ઓસ્ટ્રેલિયામાં અરેબિક, વિયેતનામીસ અને કેન્ટોનીસ ભાષા વપરાય છે.
ઓસ્ટ્રેલિયામાં 52 ટકા લોકો ક્રિશ્ચિયન ધર્મ અનુસરે છે જ્યારે ત્યાર બાદ ઇસ્લામ અને બુદ્ધિઝમ અનુસરાય છે.
ક્રિસ લેસી પોતાના સંદેશમાં જણાવે છે કે તમામ સમાજની ભાવનાઓનું સન્માન, આદર ફક્ત એક જ દિવસ નહીં પરંતુ વર્ષના તમામ દિવસ થવું જોઇએ અને એ જ રાષ્ટ્રની સાચી શક્તિ છે.