૧૮ જાન્યુઆરી થી ત્રણ દિવસ માટે વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમીટનો ગાંધીનગરમાં પ્રારંભ થઇ રહ્યો છે.આમ તો વડાપ્રધાન મોદી ગુરુવાર એટલે કે ૧૭ જાન્યુઆરી થી જ કેટલાક મહત્વના ઉદ્દઘાટનો માટે અમદાવાદ અને ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ગાંધીનગરના હેલિપેડ પર તેમણે ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો.
વાઇબ્રન્ટ સમીટને લીધે પાટનગર ગાંધીનગરને નાવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે.મહાત્મા મંદિર, દાંડી કુટિરથી માંડી સરકારી ઇમારતને રંગીન લાઈટથી શુશોભીત કરાઈ છે. ગાંધીનગરના રસ્તાની બંને બાજુ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર દેશોના રાષ્ટ્ર ધ્વજ ફરકતા જોઈ શકાય છે.

Indian Prime Minister Narendra Modi after inaugurating Global trade show in Gandhinagar, India, Thursday, Jan. 17, 2019. Photo-Ajit Solanki) Source: AP
વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આ વખતે ૩૦,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૬,૦૦૦ થી વધુ કંપનીઓ ઉપરાંત ૧૧૫ દેશોમાંથી ડેલીગેશન વાઇબ્રન્ટ ગુજરાતનો હિસ્સો બની રહ્યા છે જેમાં ૧૫ પાર્ટનર કન્ટ્રીનો પણ સમાવેશ થાય છે.
સાયન્સ સિટીમાં યોજનારા ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી સેમિનાર , શોપિંગ ફેસ્ટિવલ અને રિવરફ્રન્ટ પરના આફ્રિકા ડેની ઉજવણી આકર્ષણ જમાવશે.૪૫ ગ્લોબલ સીઈઓ સાથે તેમજ જુદા જુદા દેશોના વડાઓ સાથે વડાપ્રધાન મોદી વન ટુ વન બેઠક અલાયદી લોન્જ માં કરશે.ગ્લોબલ બાયર સેલર મીટનું પણ આયોજન કરાયું છે.
વિદેશી મહાનુભાવોની સુરક્ષાના પગલે ડ્રોન તેમજ અન્ય ઉપકરણો પર પ્રતિબંધ મૂક્યો છે. ૩,૫૦૦ પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત છે.
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓ જેવા કે રિલાયન્સના મુકેશ અંબાણી, ટાટા સન્સના ચંદ્રશેખરન, આદિત્ય ગ્રુપના કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, ગોદરેજના અદિ ગોદરેજ, સૂઝલોનના તુલસી ટાંટિ, કેડીલા હેલ્થ કેરના પંકજ પટેલ, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા, કોટક મહિન્દ્રા ના ઉદય કોટક, આઇટીસીના સંજીવ પુરી તેમજ એસબીઆઇ ચેરમેન રજનીશકુમાર, ઓએન જીસીના ચેરમેન શશી શંકર ની હાજરી રહેશે.
વિરોધ પક્ષોએ રફેલ વિમાન સોદામાં અનિલ અંબાણીને પેટા ઓર્ડર અપાવીને મોદી સરકારે ફાયદો કરાવી આપ્યો છે તેવો વિવાદ સર્જાયો હોઈ અનિલ અંબાણીને આમંત્રણ આપવાનું ટાળ્યું છે. પાકિસ્તાનનું ડેલીગેશન પણ ભાગ નથી લઇ રહ્યું.
વાઇબ્રન્ટ સમિટમાં થતા એમઓયુ પૈકી ૩૦ ટકા જ ખરા અર્થમાં આગળ જતાં રૂપાંતરિત થાય છે તેવા આંકડાકીય પુરાવા સાથે વિરોધ પક્ષો વાઇબ્રન્ટ ગુજરાતને સ્ટંટ અને સરકારી તિજોરીના કરોડો રૂપિયાના આંધણ અને તાયફા તરીકે તેની ટીકા કરી રહ્યા છે.
વાઇબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજાતી હોય છે.
Share

