ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની લીગ મેચમાં એક અનોખો બનાવ બન્યો હતો. એકબીજાના કટ્ટર હરીફ એવા સ્ટિવ સ્મિથ અને વિરાટ કોહલી વચ્ચે બનેલી ઘટનાએ તમામ ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
ઘટના પ્રમાણે, ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી ચૂકેલો સ્ટિવ સ્મિથ ભારતીય ટીમની બેટિંગ વખતે જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં રહેલા ભારતીય પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.
બેટિંગ કરી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે તેની ખબર પડી ત્યારે તેણે પ્રેક્ષકોને હુરિયો ન બોલાવીને, સ્મિથને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું.
કોહલીએ પોતાના બંને હાથ ઉંચા કર્યા અને પ્રેક્ષકોને સ્મિથને પ્રોત્સાહિત કરવાની વિનંતી કરી હતી. કોહલીનો આ ઇશારો સ્મિથે પણ નીહાળ્યો અને જ્યારે હાર્દિક પંડ્યાની વિકેટ પછી ઓસ્ટ્રેલિયન ટીમ ભેગી થઇને તેની ઉજવણી કરી રહી હતી ત્યારે તે વિરાટ કોહલી પાસે ગયો અને તેનો આભાર માન્યો હતો.
કોહલીની પ્રશંસા થઇ
વિરાટ કોહલીના આ વલણની ક્રિકેટપ્રેમીઓમાં ભારે પ્રશંસા થઇ રહી છે.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ જ્યારે વિરાટ કોહલીને ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે સ્મિથ સાથે જે પ્રકારનું વર્તન થયું તે અસ્વિકાર્ય હતું.
"મને લાગે છે કે ભૂતકાળમાં જે થયું, તે થઇ ગયું. સ્મિથ હવે ટીમમાં પરત ફર્યો છે અને તે દેશનું પ્રતિનીધીત્વ કરી રહ્યો છે. આઇપીએલમાં પણ મેં તેની સાથેનું વર્તન જોયું હતું."
"દરેક વખતે તેની પર આ પ્રકારની ટીપ્પણી કરવી યોગ્ય નથી," તેમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું.
વિરાટે ઉમેર્યું હતું કે, "તે શાંતિથી ફિલ્ડીંગ કરી રહ્યો હતો, જો હું તેની જગ્યાએ ફિલ્ડીંગ કરતો હોત અને મારી સાથે આ પ્રકારનું વર્તન થયું હોત તો મને પણ તે ન ગમ્યુ હોત."