માર્ડી ગ્રા એટલે કે ફેટ ટ્યુઝડે (Fat Tuesday) એક પારંપરિક ઉજવણી છે. જેમાં ક્રિશ્ચિયન ધર્મમાં શરૂ થતા ઉપવાસ અગાઉ વિવિધ પ્રકારની વાનગીઓ આરોગવામાં આવે છે.
દુનિયાના વિવિધ દેશોમાં માર્ડી ગ્રા તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેમાં બ્રાઝિલના રિયો-ડી-જાનેરો તથા અમેરિકાના ન્યૂ ઓર્લેન્સમાં ઉજવાતો આ તહેવાર ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ સિડની આ તહેવાર ઉજવાની રીત અલગ છે.આ પ્રસંગે LGBTIQ+ ની સંસ્કૃતિ તથા તેમની લડતને યાદ કરવામાં આવે છે.
Image
સિડનીમાં માર્ડી ગ્રાનો ઉદભવ
માર્ડી ગ્રાનો ઓસ્ટ્રેલિયામાં ઉદભવ દેશમાં ચાલી રહેલી સામાજિક ક્રાંતિ દરમિયાન થયો હતો. ગે લોકોના હકો માટેના આંદોલન વખતે 1969માં અમેરિકામાં સ્ટોનવેલ રાયટ્સ થયા હતા અને તેની યાદમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 24મી જૂન 1978ના રોજ શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી પરંતુ તેનો હિંસાત્મક અંત આવ્યો હતો.
આ રેલીમાં પોલીસ તથા સમલૈંગિક લોકોના હકો માટે લડતા પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ 75 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના ઘણા મહિનાઓ સુધી ચાલી અને અંતે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે ધરપકડ કરવાના કાયદાને રદ કરવો પડ્યો હતો.
સિડની માર્ડી ગ્રાની ઉજવણીનું કેન્ર્દ
ત્યારબાદના વર્ષે લગભગ 3000 લોકોએ સિડનીમાં યોજાયેલી પરેડમાં ભાગ લીધો હતો અને એ પછીના સમયમાં આ પરેડ લોકોમાં વધુ પ્રખ્યાત થતી ગઇ. 41 વર્ષ અગાઉ બનેલી ઘટનાએ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરને માર્ડી ગ્રાનું મુખ્ય કેન્દ્ર બનાવી દીધું છે.
Image
પ્રવાસીઓમાં માર્ડી ગ્રાનું આકર્ષણ
વર્તમાન સમયમાં માર્ડી ગ્રાની ઉજવણી સમયે વિશ્વભરમાંથી હજારો લોકો સિડની આવે છે. ન્યૂ સાઉથ વેલ્સની સરકારના માનવા પ્રમાણે આ ઉજવણીના કારણે 38 મિલિયન ડોલર જેટલી રકમનો અર્થતંત્રમાં ઉમેરો થાય છે.
સધર્ન ક્રોસ યુનિવર્સિટીમાં ટુરિઝમ વિભાગના પ્રોફેસર કેવિન માર્કવેલના જણાવ્યા પ્રમાણે, સિડનીમાં યોજાતી L-G-B-T-I-Q+ પરેડ અન્ય દેશોમાં થતી પરેડ કરતા અલગ છે.
"સિડનીની પરેડ રાત્રિના સમયે યોજાય છે જ્યારે અમેરિકાની પરેડ દિવસ દરમિયાન થાય છે. રાત્રિના સમયે યોજાતી પરેડ વધુ આકર્ષક લાગે છે અને તેની એક અલગ જ ચમક છે. પરેડમાં થતી લાઇટ્સ અને મ્યુઝિકના કારણે તેના આકર્ષણમાં વધારો થાય છે."
પ્રો.માર્કવેલના જણાવ્યા મુજબ, સિડનીમાં યોજાતી માર્ડી ગ્રા પરેડ ખૂબ જ લોકપ્રિય થતા અન્ય શહેરો પણ આ પ્રકારની પરેડનું આયોજન કરી રહ્યા છે.
પરેડની સાથે યોજાતી ફેસ્ટિવલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેના કારણે અન્ય શહેરો પણ આ પ્રકારની પરેડનું આયોજન કરી રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા નાના શહેરો પણ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની અલગ માર્ડી ગ્રા પરેડનું આયોજન કરે છે. જેમાં પરેડ બાદ પાર્ટીનો પણ સમાવેશ થાય છે.
Image
આ વર્ષની થીમ – નીડર
સિડનીમાં યોજાનારા માર્ડી ગ્રા ફેસ્ટિવલનો આ વર્ષનો થીમ નીડર "fearless" નક્કી કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલા વીડિયો પ્રમાણે, સિડનીના લોર્ડ મેયર ક્લોવર મૂરેએ જણાવ્યું હતું કે થીમ L-G-B-T-I-Q+ સમાજના લોકોને તેમની સાથે તથા ભેદભાવ સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે.
તે LGBTIQ+ સમાજના લોકોને પોતાનો અવાજ બુલંદ કરી તેમની સામે થતા ભેદભાવનો વિરોધ કરવા પ્રોત્સાહિત કરે છે. વર્તમાન સમયમાં ઘણા LGBTIQ+ સમાજના લોકો એકલતા અનુભવે છે પરંતુ માર્ડી ગ્રા તેમને ડર એક બાજુએ મૂકીને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે.
2014થી સિડની માર્ડી ગ્રા પરેડનું SBS પર પ્રસારણ કરવામાં આવે છે. 2014 અગાઉ SBS માર્ડી ગ્રા સિઝનની ઉજવણી ફોક્સટેલની વર્લ્ડ મુવિસ ચેનલ પર LGBTIQ+ ફિલ્મ્સ દર્શાવીને કરતું હતું.