સાઉદી અરેબિયાના ઓઇલ ક્ષેત્રો પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના વાહનચાલકોને પેટ્રોલની વધતી કિંમતનો સામનો કરવો પડી શકે છે.
અરામ્કોની માલિકી હેઠળના ઓઇલના ક્ષેત્રો પર થયેલા હુમલા બાદ ઓઇલના પુરવઠામાં પાંચ ટકા જેટલો વૈશ્વિક ઘટાડો થઇ શકે છે. વિશેષજ્ઞોના મત પ્રમાણે ઓઇલના હોલસેલ બેરલ કિંમતમાં પણ લગભગ 50 ટકા જેટલો વધારો નોંધાઇ શકે છે.
મોટલી ફૂલ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર સ્કોટ ફિલીપે જણાવ્યું હતું કે ગ્રાહકોને ઇંધણની વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ટૂંકાગાળામાં જ ઓસ્ટ્રેલિયાના પેટ્રોલ પમ્પ પર ઇંધણની કિંમતમાં વધારો થયેલો જોવા મળી શકે છે.
બીજી તરફ, કેન્દ્રીય એનર્જી મિનિસ્ટર એન્ગુસ ટેલરે એબીસીને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે હાલમાં ઓઇલનો ઘણો પુરવઠો ઉપલબ્ધ હોવાથી ઓસ્ટ્રેલિયામાં પર તાત્કાલિક ધોરણે કોઇ અસર પડે તેમ લાગતું નથી.
સોમવારે ઓઇલની પ્રતિ બેરલ કિંમતમાં 12 ડોલર જેટલો વધારો જોવા મળ્યો હતો.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઓઇલના પુરવઠામાં પડી રહેલી અછતના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે.
સ્કોટ ફિલીપે આ અંગે જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ઓઇલના વૈશ્વિક સપ્લાય પર અસર થઇ શકે છે અને ત્યારે ઓસ્ટ્રેલિયાના પેટ્રોલ પમ્પ પર તેની કિંમતમાં વધારો જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયા પાસે 28 દિવસ પૂરતો જથ્થો
ઓસ્ટ્રેલિયા પાસે પેટ્રોલ અને ક્રૂડ ઓઇલનો 28 દિવસ સુધી ચાલે તેટલો પૂરવઠો છે. જોકે તે 90 દિવસના સપ્લાયના આંતરરાષ્ટ્રીય કરારથી ઘણો ઓછો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓસ્ટ્રેલિયાએ અમેરિકા સાથે મળીને દેશમાં પેટ્રોલિયમ સ્ત્રોતોનો જથ્થો વધારવા અંગે ચર્ચા કરી હતી.
જોકે, લેબર પાર્ટીએ સરકારના આ નિર્ણયની નિંદા કરી યોગ્ય પગલાં લેવા અંગે કહ્યું હતું.
Share


