SKIP TO MAIN CONTENT

With 10 days to go, assembly election campaign in full swing in Gujarat.

Gujarat assembly election campaign is in full swing with both Narendra Modi and Rahul Gandhi in Gujarat today.

Indian Prime Minister Narendra Modi speaks during an election campaign rally at Jasdan in Gujarat, India, Monday, Nov. 27, 2017.
Indian Prime Minister Narendra Modi speaks during an election campaign rally at Jasdan in Gujarat, India, Monday, Nov. 27, 2017. Photo/Ajit Solanki Source: AP

3 min read

Published

Updated

By Hiren Mehta



Skip to article content

ગુજરાતમાં આવતા મહિને બે તબક્કે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની મુદ્દત પૂરી થતાં હવે લગભગ તમામ બેઠકો પરના મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજ્યમાં 9 અને 14 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને ઉમેદવારી વિશેનું સસ્પેન્સ પતી ગયા પછી બંને મુખ્ય પક્ષોએ પ્રચારની ગાડી જોરમાં મારી મૂકી છે.

અત્યાર સુધી કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી પ્રચારમાં છવાયેલા હતા તો હવે વારો આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો.

સોમવારે મોદીએ ભૂજથી પ્રચારનાં શ્રીગણેશ કર્યા અને એ પછી જસદણ, અમરેલી નજીક ધારી અને છેલ્લે એક સભા સુરત પાસે સંબોધી. વચ્ચે એક દિવસના અંતરાલ પછી આજે મોદી ઔર ચાર સભા સંબોધવાના છે. મોદીની જેમ કેન્દ્રના અન્ય કેટલાક પ્રધાનો પણ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.

કોંગ્રેસે પણ ફરી એક વાર રાહુલ ગાંધીને પ્રચાર માટે તેડાવ્યા છે.

મોદી હવે ભાજપની અને ખાસ તો પોતાની તરફેણમાં જે હવા ઊભી કરે છે એને કોંગ્રેસના આગેવાનો કઈ રીતે ખાળે છે એ જોવાનું રસપ્રદ રહેશે. આમ પણ મોદી ગુજરાતી અસ્મિતા અને લાગણીના નામે લોકો સાથે તાદાત્મ્ય સાધી શકે છે. બાકી હતું તે, આ વખતે મોદીને ફરી એક મુદ્દો મળી ગયો છે.

યુથ કોંગ્રેસના એક નેતાએ ગયા સપ્તાહે મોદીને "ચાવાળા" તરીકે ઉતારી પાડતું કાર્ટૂન સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. એના પર જામેલી બબાલનો ઉલ્લેખ કરતા હમણાં એક સભામાં મોદીએ કહ્યું...

અમીરોનો પક્ષ બનેલી કોંગ્રેસને ગરીબોનું અપમાન કરવાની આદત છે અને આ અપમાનનો બદલો ગુજરાતની પ્રજા જ લેશે.

એમણે કહ્યું કે કોંગ્રેસે રાજ્યમાં ઉછાળેલા કાદવમાં ભાજપનું કમળ ઊગી નીકળશે.

હવે આ ચૂંટણીને લગતી કેટલીક આંકડાકીય માહિતી મેળવીએ ...

કુલ 182 બેઠક માટેની ચૂંટણીમાં ભાજપે પટેલ અને ઓબીસી એટલે કે ઈતર પછાત વર્ગના મળીને 110 ઉમેદવારોને ટિકિટ આપી છે. એ સામે કોંગ્રેસે આ બે સમુદાયને 104 ટિકિટ ફાળવી છે. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ઉત્તર ગુજરાતના વડગામ મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે નામાંકન ભર્યું છે, જ્યાં કોંગ્રેસ એમને ટેકો આપશે. મતલબ કે કોંગ્રેસે આ બેઠક પર એનો ઉમેદવાર ઊભો રાખ્યો નથી.

કોંગ્રેસે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને રાધનપુરમાંથી ટિકિટ આપી છે તો પાટીદાર અનામત આંદોલન સમિતિના કુલ પાંચ ઉમેદવારો પણ કોંગ્રેસની યાદીમાં સ્થાન પામ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ ભરતસિંહ સોલંકી આ ચૂંટણી નથી લડી રહ્યા જયારે અન્ય અગ્રણી શક્તિસિંહ ગોહિલ કચ્છના માંડવીથી લડવાના છે તો પક્ષના માજી પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પોરબંદરમાં ભાજપના મંત્રી બાબુભાઈ બોખરિયા સામે લડવાના છે.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલ સામે વૉટ કરનારા કોંગ્રેસના 13માંથી સાત બળવાખોરોને ભાજપે ટિકિટ આપી છે જો કે આ બગાવતના સૂત્રધાર એવા શંકરસિંહ વાઘેલા કે એમના દીકરા મહેન્દ્રને ભાજપ આડકતરું સમર્થન આપશે કે બીજી કોઈ રીતે થાળે પાડશે એવી ધારણા ખોટી ઠરી છે.

કોંગ્રેસના ૧૩માંથી સાત બળવાખોરોને ભાજપે ટિકિટ આપી છે.

થોડા વખત પહેલાં ભાજપમાં જોડાયેલા એક જમાનાના કદાવર નેતા નરહરિ અમીનને પણ ભાજપે ટિકિટ નકારી છે અને એ જ રીતે પક્ષમાં પાછા ફરેલા ભૂતપૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાને સુધ્દ્ધાં પક્ષે જાકારો આપ્યો છે. લાંબા સમયથી સત્તાથી દૂર રહેલા ત્રણ માજી પ્રધાન જયનારાયણ વ્યાસ, કૌશિક પટેલ અને તરુણ બારોટને અચાનક પક્ષની ટિકિટ મળી ગઈ છે.

ભાજપની યાદીમાંથી જે નોંધપાત્ર નામ ગાયબ રહ્યા એમાં મુખ્ય છે માજી પ્રધાનો આઈ. કે. જાડેજા અને બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને યુવા મોરચાના નેતા ડૉ. ઋત્વિજ પટેલ.

ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કેટલાક બળવાખોરોએ ઉમેદવારી નોંધાવી છે. જો કે એમાંથી કેટલા છેલ્લે સુધી મેદાનમાં રહે છે એ જોવાનું છે.

છેલ્લે એ ઉલ્લેખ પણ કરી લઈએ કે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલની જગ્યાએ ભાજપ કોને ઉમેદવારી આપે છે એના પર રાજકીય નિરીક્ષકોની ખાસ નજર હતી. અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારમાંથી આનંદીબહેનનાં પુત્રી અનાર પટેલનું નામ બોલાતું હતું, પણ છેવટે ભાજપની ઉમેદવારી આનંદીબહેનના પ્રખર ટેકેદાર ભૂપેન્દ્ર પટેલને ફાળે ગઈ છે.

 


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now