ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું વાવાઝોડું "વાયુ" ગુરુવારે સવારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે અથડાય તેવી શક્યતા છે. અને, તે લગભગ 24 કલાક જેટલા સમય સુધી ગુજરાતને ધમરોળે તેમ મનાઇ રહ્યું છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, વાયુ વાવાઝોડાની દિશા થોડી બદલાઇ છે પરંતુ તે 13 અને 14મી જૂન આ બંને દિવસ સુધી વાયુ વાવાઝોડાનો ભય રહે તેમ છે. 13મી તારીખે ભારતીય સમય પ્રમાણે લગભગ બપોરે 2થી 3 વાગ્યાની આસપાસ વાયુ વાવાઝોડું લગભગ 165 કિમીથી વધુની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાશે.
Image
વાવાઝોડાની દિશા બદલાઇ
હવામાન ખાતાની છેલ્લી માહિતી પ્રમાણે, વાયુ વાવાઝોડાની દિશા થોડી બદલાઇ છે. તે હવે પોરબંદરથી દ્વારકા સુધીના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. પરંતુ સૌરાષ્ટ્રના અન્ય જીલ્લા જેમ કે જૂનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર જેવા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાઇ દેવાયું છે અને સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 9 નંબરનું સિગ્નલ (અત્યંત ભયજનક ચેતવણી) જારી કરી દેવામાં આવી છે.
સુરક્ષાની તૈયારીઓ
ગુજરાત સરકારે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ સુરક્ષાની તૈયારીઓ પ્રારંભ કરી દીધી છે અને અત્યાર સુધીમાં લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ 10 હજાર જેટલા પ્રવાસીઓને સુરક્ષિત સ્થાને મોકલી દેવાયા છે.
- સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડને ગુરુવારે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
- સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી 70 ટ્રેનો રદ, 30 ટ્રેનોના રુટ ટૂંકાવાયા,
- પોરબંદર, દીવ, કંડલાની વિમાની સેવા 13 જૂન સુધી બંધ કરાઇ
- વાવાઝોડા સંભવિત જિલ્લાઓમાં બસ સેવા રદ
Image
રાહત-બચાવ કામગીરી
સરકારે વાવાઝોડાની તિવ્રતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી પ્રારંભી દીધી છે. અને વાવાઝોડા સમયે કોઇ મોટી દુર્ઘટના ન બને તે માટે NDRF ની 33, SDRFની 11 ટુકડી, BSF અને SRP ની અનુક્રમે 2 તથા 14 કંપનીઓને તહેનાત કરી દેવામાં આવી છે.
વાવાઝોડા વખતે બચાવ કામગીરી માટે 9 હેલીકોપ્ટર તૈયાર રખાયા અને1200થી વધુ રાહત કેમ્પ ઉભા કરાયા.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વિવિધ સ્તરો પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને રાહત-બચાવ કામગીરીની માહિતી મેળવી હતી. બુધવારે યોજાયેલી મીટિંગમાં મુખ્યમંત્રી રુપાણી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટરો સાથે મીટિંગ કરીને વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં લોકોને યોગ્ય સુરક્ષા મળી રહે તે માટે સૂચના આપી હતી.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં હોવાની અને તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.





