ચૂ્ંટણી પ્રચારના અંતિમ તબક્કામાં લેબર પાર્ટીએ જાહેરાત કરી છે કે, જો તેમનો પક્ષ ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો તે સિડનીના આરટામન ખાતે આવેલા SBS હેડક્વાર્ટર્સને ખસેડીને પશ્ચિમ સિડનીમાં સ્થાયી કરવા અંગે અભ્યાસ હાથ ધરશે.
સોમવારે લેબર પાર્ટી તરફથી એન્થની અલ્બાનીસ, ટોની બર્ક, જેસન ક્લેર અને મિશેલ રોલેન્ડે આ અંગે સંયુક્ત નિવેદન આપ્યું હતું.
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, “પશ્ચિમ સિડનીમાં વિવિધ સમાજના લોકો રહેતા હોવાથી તે સિડનીના બહુસાંસ્કૃતિક વિસ્તાર તરીકે ઉભરી રહ્યું છે. અને SBS પણ ઓસ્ટ્રેલિયાની વિવિધ સંસ્કૃતિ માટે કાર્ય કરતી સંસ્થા છે.”
લેબર પાર્ટીના નિવેદનમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે, “વર્તમાન સમયમાં પશ્ચિમ સિડનીમાં માળખાગત સુવિધા તથા નોકરીના પ્રમાણમાં સામ્યતા જોવા મળતી નથી. તેથી જ, SBS ના સ્થળાંતરથી પશ્ચિમ સિડનીના બહુસાંસ્કૃતિક સમાજનો વિકાસ થાય અને વિસ્તારની માળખાગત સુવિધા, નોકરીના પ્રમાણમાં રહેલો ભેદ ઓછો થશે કે તેમ તેનો અભ્યાસ કરવામાં આવશે.”
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પોલ કીટીંગે લગભગ 25 વર્ષ અગાઉ સિડનીના આરટામન વિસ્તારમાં SBS બિલ્ડીંગ શરૂ કર્યું હતું. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે ટેલિવિઝન નેટવર્ક્સ અને મુખ્યધારાના SBSના એક જ ઇમારતમાં કાર્ય કરવાથી વિવિધ સામાજિક તથા આર્થિક બાબતોમાં ફાયદો થશે.
લેબર પાર્ટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, SBSને ઓસ્ટ્રેલિયાના સમાચારો પ્રસિદ્ધ કરવા માટે 20 મિલિયન ડોલર તથા અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઓસ્ટ્રેલિયન્સ પણ વધુ સારી રીતે SBSના માધ્યમોનો ઉપયોગ કરી શકે તે માટે 2 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની ફાળવણી અંગે પણ અભ્યાસ કરાશે.
બીજી તરફ, વેસ્ટર્ન સિડની લીડરશીપ ડાયલોગે લેબર પક્ષના નિવેદન બાદ તેમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે SBS ના સ્થળાંતરથી પશ્ચિમ સિડનીનો વિકાસ થશે.
ચેરમેન ક્રિસ્ટોફર બ્રાઉને જણાવ્યું હતું કે, SBSને ખસેડવા અંગે છેલ્લા પાંચ વર્ષથી વિચારણા ચાલી રહી હતી. પરતું, વિપક્ષે તે અંગે ગંભીરતાથી પગલાં લેવાનો નિર્ણય લીધો તે આવકાર્ય છે.
SBSને ખસેડવાના પ્રસ્તાવથી પશ્ચિમ સિડનીમાં ઘણી તકોનું નિર્માણ થશે, જે વિકસી રહેલા પશ્ચિમ સિડની માટે એક ભેટ સમાન છે, તેમ ક્રિસ્ટોફર બ્રાઉને ઉમેર્યું હતું.
વેસ્ટર્ન સિડની બિઝનેસ ચેમ્બરના એક્સિક્યુટીવ ડીરેક્ટર, ડેવિડ બોર્ગરે લેબરની જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે, SBS ના પશ્ચિમ સિડનીમાં સ્થળાંતરથી વિસ્તારને ફાયદો થવા ઉપરાંત, SBSને પણ બહુસાંસ્કૃતિક સમાજનો લાભ મળશે અને બ્રોડકાસ્ટર્સ તેમના સમાજના લોકો સાથે સહેલાઇથી વાર્તાલાપ કરી શકશે.






