ભારતીય ક્રિકેટ ટીમે એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ઇતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવીને ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. એડિલેડ ટેસ્ટ જીતવાની સાથે જ ભારતે 10 વર્ષના લાંબા અંતર બાદ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચમાં તેની જ ધરતી પર હરાવવાની સિદ્ધી નોંધાવી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ મેચના પાંચમાં દિવસે 291 રન કરીને આઉટ થઇ ગઇ હતી. આ પ્રથમ વખત બન્યું છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં શ્રેણીની પ્રથમ મેચમાં વિજય મેળવ્યો હોય. અગાઉ ભારત 11 વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમ્યું છે અને તેમાં 9 વખત તેનો પ્રથમ મેચમાં પરાજય થયો છે અને બે મેચ ડ્રો રહી છે.
Image
કોહલી પ્રથમ એશિયન કેપ્ટન
એડિલેડ ટેસ્ટ મેચ જીતવાની સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતનારો પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે. આ ઉપરાંત, ભારત એક જ વર્ષમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા તથા ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતનારો પ્રથમ એશિયન દેશ બન્યો છે.
5 દેશમાં કોહલીએ વિજય અપાવ્યો
વિરાટ કોહલીએ પાંચ દેશમાં કેપ્ટન તરીકે ભારતને ટેસ્ટ મેચમાં વિજય અપાવ્યો છે. તેણે રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી હતી. ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 7 તથા ધોનીએ 6 દેશમાં ભારતને ટેસ્ટ વિજય અપાવ્યો હતો.
પ્રથમ ટેસ્ટ મેચમાં નોંધાયેલા કેટલાક રેકોર્ડ્સ...
- ભારતના વિકેટકીપર રીષભ પંતે મેચમાં 11 કેટ ઝડપ્યાં હતા, જે એક જ મેચમાં કોઇ પણ વિકેટકીપર દ્વારા પકડવામાં આવેલા રેકોર્ડની બરાબરી હતી.
- એક જ મેચમાં 11 કેચ પકડીને પંતે મેચમાં ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ કર્યો છે તેણે રીદ્ધીમાન સાહાના 10 તથા ધોનીના એક જ મેચમાં 9 કેચના રેકોર્ડને તોડ્યો હતો.
- ઓસ્ટ્રેલિયાના તમામ બેટ્સમેન એક જ ઇનિંગ્સમાં ઓછામાં ઓછા 35 કે તેથી વધારે બોલ રમ્યા.
- વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચમાં 1000 રન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સિદ્ધી મેળવનારો તે ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. કોહલી અગાઉ સચિન, દ્રવિડ તથા લક્ષ્મણ જ આ સિદ્ધી મેળવી શક્યા છે.
- કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ 6 વખત નથાન લાયનની બોલિંગમાં આઉટ થયો છે. તેને ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડે 5-5 વખત આઉટ કર્યો છે.
Image
એક જ ટેસ્ટ માં 35 કેચ આઉટ
અત્યાર સુધીના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું છે કે મેચની કુલ 40 વિકેટમાંથી 35 વિકેટ કેચ આઉટ દ્વારા પડી હોય. ભારતે 18 વિકેટ, તો ઓસ્ટ્રેલિયાએ 17 વિકેટ કેચ આઉટ થઇને ગુમાવી હતી.
Share


