ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ 19મી નવેમ્બર 2016 થી 457 વિસા ધારકો માટે ઓસ્ટ્રેલિયામાં તેમના રોજગારની મુદત પૂર્ણ થતા નવા રોજગાર કે નોકરી શોધવાની સમય મર્યાદા 90 દિવસ થી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે.
457વિસા શ્રેણીનો ઉપયોગ યોગ્ય રીતે થાય, વિદેશથી આવતા કામદારો ઓસ્ટ્રેલિયન કામદારોના બદલે નહિ, પણ તેમના વિકલ્પ તરીકે કામ કરે તે નિશ્ચિત કરવા આ બદલાવ અમલમાં લાવવામાં આવ્યો છે.
આ ફેરફારથી એકજ નોકરીદાતા માટે કામ કરવાની પરવાનગી ધરાવતા અને અનૌપચારિક રોજગાર વ્યવસ્થામાં દાખલ થતા બેરોજગારીના લાભોથી વંચિત રહેતા 457 વિસા ધારક કામદારની પરિસ્થિતિ માં સુધારો થશે.
ઇમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શન મંત્રી પીટર ડટ્ટનનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન સરકાર ઓસ્ટ્રેલિયન કામદારોને પ્રાધાન્ય મળે તેવા બદલાવ માટે પ્રતિબદ્ધ છે. આ સાથે સરકાર ઈચ્છે છે કે હંગામી વિસા ધારકોનું શોષણ પણ અટકે.
" આ બદલાવ વિદેશી કામદારો તરફથી પેદા થતી સ્પર્ધાત્મક પરિસ્થિતિ ને હળવી બનાવવા છે, જેથી સક્રિય રીતે કામની શોધ કરી રહેલ ઓસ્ટ્રેલિયન કામદારોને કામ મળી રહે." - શ્રી ડટ્ટન
તેઓએ ઉમેર્યું હતું કે સરકાર 457 વિસા ધારકોના યોગદાનની કદર કરે છે પણ , જયારે ઓસ્ટ્રેલિયન કામદારો કામ કરવા તૈયાર છે અને જે - તે કામ કરવા સક્ષમ છે ત્યારે ઓસ્ટ્રેલિયન કામદારોને પ્રાથમિકતા આપવી એ સરકારની નીતિ છે.
457 વિસા શ્રેણી હેઠળના સમયમર્યાદાના બદલાવને 19 મી નવેમ્બર 2016 થી અમલમાં આવશે.