ડેરી ફાર્મર્સના 1 લીટર અને 3 લીટર ફૂલ ક્રીમ દૂધને સુપરમાર્કેટ્સમાંથી પરત લેવાની પ્રક્રિયા બાદ શુક્રવારે 7-Eleven કંપનીના 2 લીટર ફૂલ ક્રીમ દૂધને પાછું લેવામાં આવી રહ્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સ ફૂડ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં આવેલા 7-Eleven સ્ટોર્સમાં 24મી ફેબ્રુઆરી 2020 સુધી વાપરી શકાય તેવા 7-Eleven ફૂલ ક્રીમ મિલ્ક 2 લીટરને પાછું ખેંચવામાં આવી રહ્યું છે.
બેક્ટેરિયાની શંકા
7-Elevenના બે લીટર ફૂલ ક્રીમ મિલ્કના જથ્થામાં E. coli બેક્ટેરિયા મિશ્ચિત થયા હોવાની આશંકા બાદ દૂધના જથ્થાને પરત લેવાઇ રહ્યો છે.
ફૂડ ઓથોરિટીના જણાવ્યા મુજબ, સંક્રમિત દૂધ પીવાથી બિમારી થઇ શકે છે. તેથી જ ગ્રાહકોએ આ દૂધના જથ્થાને ન વાપરવો અને તેને 7-Eleven સ્ટોરમાં પરત જમા કરાવી દેવો. ગ્રાહકોને દૂધ પરત કરવા બદલ રીફંડ આપવામાં આવશે.
આ ઉપરાંત, જો કોઇ ગ્રાહકે દૂધનો વપરાશ કર્યો હોય અને બિમારીના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે.
અગાઉ પણ દૂધનો જથ્થો પરત લેવાયો હતો
7-Eleven, ડેરી ફાર્મ્સના Coles, Woolworths અને IGA સ્ટોર્સમાં મોકલવામાં આવેલા જથ્થાને પરત લેવાની ઘટના પ્રથમ વખત નથી બની. અગાઉ પણ જુલાઇ 2019માં E. coli બેક્ટેરિયા મિશ્ચિત થયા હોવાની આશંકા વચ્ચે Coles ખાતે મોકલવામાં આવેલી ઉત્પાદનોને પરત લેવાયા હતા.
જૂન 2019માં પણ ન્યૂ સાઉથ વેલ્સના વિવિધ સ્ટોર્સમાં રહેલા દૂધના જથ્થામાં કેમિકલ મિશ્રિત થયું હોવાનું જાણ થતા તેને પરત લેવાયું હતું.
દૂધ અંગે કોઇ પણ માહિતી કે સલાહ લેવી હોય તો 7-Eleven નો 1800 655 160 પર સંપર્ક કરી શકાય છે.
Share

