ભારતીય લોકસભાની ચૂંટણીના પરિણામોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઉત્સાહમાં છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોમાં ભારે નિરાશા સાંપડી છે. પરંતુ, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો પ્રમાણે, પંજાબમાં એક ઉમેદવાર ચૂંટણીના પરિણામોથી એટલા નિરાશ થયા હતા કે કેમેરા સામે જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યા હતા.
નીતૂ સુટેરાન વાલા પંજાબના જાલંધરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. પરિણામ આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના 9 સભ્યોના પરિવારનું જે મતદાન કેન્દ્ર હતું ત્યાં તેમને ફક્ત પાંચ જ વોટ મળ્યા છે. આ આઘાત તેઓ સહન કરી શક્યા નહીં અને એક ટીવી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યું વખતે રડવા લાગ્યા હતા.
ટેલીવિઝન પત્રકારને ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે, "અમારા પરિવારમાં 9 વોટર્સ છે પરંતુ મને ફક્ત પાંચ જ વોટ મળ્યા છે."
"મારા તમામ પાડોશીઓએ મને વોટ કરવાનું વચન આપ્યું હતું પરંતુ વોટ ન મળતા ઘણી નિરાશા થઇ છે. હું હવે, ભવિષ્યમાં ક્યારેય પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીશ નહીં," તેમ નીતૂ સુટેરાન વાલાએ ઉમેર્યું હતું.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પ્રસારિત કરેલા પરિણામ પ્રમાણે નીતૂને 1,018,998 વોટમાંથી કુલ 856 વોટ મળ્યા છે. તેમના માટે રાહતની બાબત એ રહી હતી કે જાલંધર સીટ પર અન્ય ત્રણ સ્વતંત્ર ઉમેદવારોને નીતૂ કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા.
નીતૂ સુટેરાન વાલા ભલે ચૂંટણી જીતી શક્યાં નહોય પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણા ચર્ચામાં રહ્યા હતા.
Share


