તાજેતરનાં વર્ષોમાં ગુજરાતમાં સૌથી ગમખ્વાર કહી શકાય એવી માર્ગ અકસ્માતની એક ઘટનામાં જાનૈયાઓને લઈ જતી ટ્રક નદીના વેરાન પટમાં ખાબકતાં કુલ ૩૧ જણ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના મંગળવારે સવારે ભાવનગર જિલ્લામાં બની હતી.
ભાવનગરના પાલિતાણા નજીકના ગામેથી કોળી પરિવારના એક યુવાનની જાન રાજકોટ તરફના હાઈવે બાજુ જવા નીકળી હતી. ૬૦ જેટલા જાનૈયાઓ એક ટ્રકમાં સવાર થયા હતા. ટ્રક બોટાદ નજીકની રંઘોળા નદીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કહેવાય છે કે એના ડ્રાઈવરે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજ પરથી નદીના ખાલી પટમાં ખાબકી હતી.
હજી થોડી વાર પહેલાં ટ્રકમાં લગ્નનાં ગીત ગવાઈ રહ્યાં હતાં એની જગ્યાએ બચાવની ચીસો સંભળાવા લાગી હતી. જો કે રાહત કામગીરી શરૂ થાય એ પહેલાં ૩૧ જાનૈયા જાન ગુમાવી ચૂક્યા હતા. જેના લગ્ન લેવાના હતા એ યુવકનાં માતા-પિતાનો પણ મૃતકોમાં સમાવેશ હતો. ટ્રકમાં સવાર પચીસ જણને નાની મોટી ઈજા સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર તરફથી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તમામ મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
વડાપ્રધાન નરેન્દ મોદીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી
Share

