ઓસ્ટ્રેલિયન નાગરિક બનવાના ઘણા ફાયદા છે પરંતુ તે અગાઉ કોણ ઓસ્ટ્રેલિયન સિટીઝન બની શકે તે જાણિએ.
- પર્મેનન્ટ રેસીડેન્ટ તરીકે ચાર વર્ષ કે તેથી વધુ સમય સુધી ઓસ્ટ્રેલિયામાં રહેતી વ્યક્તિ ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે અરજી કરી શકે છે.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવાના અન્ય પ્રકાર પણ છે. દાખલા તરીકે...
- પર્મેનન્ટ રેસીડેન્ટ અથવા ઓસ્ટ્રેલિયન સિટીઝનના ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બાળકો દેશની નાગરિકતા મેળવે છે.
- કોઇ પણ બાળકના માતા કે પિતા ઓસ્ટ્રેલિયન સિટીઝન હોય પરંતુ બાળકનો જન્મ ઓસ્ટ્રેલિયા બહાર થયો હોય તો તેને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બાળક જેટલા જ હકો આપવામાં આવે છે.
- ઓસ્ટ્રેલિયન સિટીઝનના જીવનસાથીને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મળી શકે છે.
Image
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવાના ફાયદા
1. પરેશાની મુક્ત મુસાફરી
પર્મેનન્ટ રેસીડેન્ટ ઓસ્ટ્રેલિયામાં હંમેશાં માટે વસવાટ કરી શકે છે પરંતુ જો તમે વિદેશયાત્રા કરો અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા પરત ફરવું હોય તો તમારે રેસીડેન્ટ રીટર્ન વિસા માટે અરજી કરવી પડે છે. પરંતુ ઓસ્ટ્રેલિયન સિટીઝનને ઓસ્ટ્રેલિયામાં હંમેશાં માટે વસવાટ કર્યા ઉપરાંત દેશમાં દાખલ થતી વખતે કોઇ પણ પ્રકારના વિસા મેળવવા પડતા નથી.
આ ઉપરાંત, લાંબાગાળા માટે ઓસ્ટ્રેલિયા બહાર પણ વસવાટ કરી શકાય છે.
2. વિદેશયાત્રા દરમિયાન ઉત્તમ કોન્સ્યુલરની સહાયતા
જો કોઇ ઓસ્ટ્રેલિયન નાગરિક વિદેશમાં હોય અને તેને અકસ્માત, ઇજા કે અન્ય કોઇ મુશ્કેલી નડે તો ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ કોન્સ્યુલરની સહાયતા પૂરી પાડે છે.

3. કેન્દ્રીય સરકાર અને સરંક્ષણ વિભાગમાં નોકરી
ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્સી ધરાવતી વ્યક્તિને વિવિધ પ્રકારની નોકરી મેળવવાની તક રહેલી છે. પરંતુ, કેટલીક નોકરીઓમાં ઓસ્ટ્રેલિયન નાગરિકતા હોવી જરૂરી બની જાય છે. જેમ કે, ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય સરકાર તથા સરંક્ષણ વિભાગમાં નોકરી મેળવવા માટે ઓસ્ટ્રેલિયન નાગરિકતા હોવી જરૂરી છે.
નોકરી જેમાં ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ જરૂરી
- ઓસ્ટ્રેલિયન ડીફેન્સને લગતી નોકરી
- ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ
- ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ
- ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ
4. ઓસ્ટ્રેલાયાના પ્રધાનમંત્રી પણ બની શકાય
ઓસ્ટ્રેલિયાના નાગરિક તરીકે ઓસ્ટ્રેલિયન રાજકારણમાં પ્રવેશ કરી શકાય છે. ઓસ્ટ્રેલિયન સિટીઝન ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. આ ઉપરાંત, વોટિંગ દ્વારા ચૂંટણીમાં ભાગ પણ લઇ શકે છે.
ઓસ્ટ્રેલિયન સિટીઝન તરીકે કાઉન્સિલથી લઇને કેન્દ્રીય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકાય છે અને વિવિધ હોદ્દા પણ મેળવી શકાય છે.

5. 160 દેશોમાં વિસા વિના મુસાફરી
તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ પર વિશ્વના 160 દેશોમાં વિસા વિના અથવા તો ઓન-અરાઇવલ વિસા હેઠળ મુસાફરી કરી શકાય છે.
6. શિક્ષણ મેળવવા નાણાકિય સહાયતા
ઓસ્ટ્રેલિયન સિટીઝન સ્ટુડન્ટ લોન મેળવી શકે છે. આ ઉપરાંત, કેટલાક કોર્સમાં ફી પણ ઓછી ભરવી પડે છે.

7. દેશનિકાલ સામે રક્ષણ
ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ કે જે ઓસ્ટ્રેલિયન સિટીઝન નથી. તેનો વિવિધ પ્રકારના ગુના હેઠળ દેશનિકાલ થઇ શકે છે.
- જો તેને 12 મહિના કે વધુ સમય માટે જેલની સજા થાય.
- તેમની હાજરીથી દેશની સુરક્ષા સામે ખતરો પેદા કરી શકે.
- જો તેઓ ચારીત્ર્યની પરીક્ષામાં નાપાસ થાય.
જોકે, ઓસ્ટ્રેલિયન નાગરિકનો આ પ્રકારની પરિસ્થિતીમાં દેશનિકાલ કરવામાં આવતો નથી.

