ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થયાના લગભગ 600 દિવસ બાદ સોમવારે 1લી નવેમ્બરે સિડનીના કિંગ્સફોર્ડ સ્મિથ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સામાન્ય ફ્લાઇટ્સનું ઊતરાણ શરૂ થયું છે.
ઉલ્લેખનીય છે કે, 1લી નવેમ્બરથી ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ જો કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવી લીધા હશે તો તેમણે ક્વોરન્ટાઇન કરવું પડશે નહીં.
નવી ગોઠવણ અંતર્ગત, અમેરિકાના લોસ એન્જેલસથી ઉડેલી ફ્લાઇટ સોમવારે સવારે 6 વાગ્યે ઓસ્ટ્રેલિયાના સિડની એરપોર્ટ પર આવી પહોંચી હતી.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે નાઇન નેટવર્કને જણાવ્યું હતું કે, રાજ્ય માટે આ એક ઐતિહાસિક દિવસ છે.
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તેમના નજીકના પરિવારજનો તથા માતા-પિતા જ ઓસ્ટ્રેલિયા આવી શકે છે.
દેશના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતા ઓસ્ટ્રેલિયા આવવા માટે Travel Exemption Portal પર મુસાફરીની મંજૂરી માટે અરજી કરી શકે છે.
રસીના બંને ડોઝ મેળવી લેનારા મુસાફરોએ હોટલ કે ઘરમાં ક્વોરન્ટાઇન કરવાની જરૂર નથી. નવો નિયમ અમલમાં આવ્યા બાદ વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સ હવે ક્રિસમસ અગાઉ ઓસ્ટ્રેલિયા પરત ફરે તેવી શક્યતા છે.
એરલાઇન કંપની ક્વોન્ટાસ સિડનીથી લંડન તથા લોન્સ એન્જેલસની ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. જ્યારે આગામી દિવસોમાં અન્ય શહેરોની પણ ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના છે.
ક્વોન્ટાસના સીઇઓ એલન જોયસે જણાવ્યું હતું કે, માર્ચ 2020માં કોરોનાવાઇરસની મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થયા બાદ મોટી સંખ્યામાં સ્ટાફને છૂટો કરવામાં આવ્યો હતો.
હવે દેશના મોટાભાગના લોકોએ રસી મેળવી લીધી હોવાથી ધારણા કરતાં આંતરરાષ્ટ્રીય સરહદો ઘણી વહેલી ખોલવામાં આવી છે.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો સોમવારથી ગ્રેટર સિડની તથા રાજ્યના રીજનલ વિસ્તારોમાં મુસાફરી કરી શકશે.
આ ઉપરાંત, રસીના બંને ડોઝ મેળવી લેનારા કેનબેરાના રહેવાસીઓ ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયા વચ્ચે પ્રવાસ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં રસીની માહિતી
6 મહિના અગાઉ રસીનો બીજો ડોઝ મેળવનારા ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓ ફાર્મસી, જનરલ પ્રેક્ટીશનર ક્લિનીક્સ તથા રસીકરણ કેન્દ્રો પરથી ત્રીજો ડોઝ મેળવી શકશે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
- વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1471 કેસ તથા 4 મૃત્યુ થયા છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 135 કેસ તથા 4 મૃત્યુ નોંધાયા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
Share


