સિડનીમાં નોધર્ન બિચીસ વિસ્તાર સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના 30 નવા કેસ નોંધાયા છે.
જેમાંથી 28 કેસ એવલોન સાથે સંકળાયેલા છે જ્યારે અન્ય 2 કેસના સંક્રમણનું કારણ જાણી શકાયું નથી.
છેલ્લા બે દિવસમાં નોધર્ન બિચીસ વિસ્તારમાં કોરોનાવાઇરસના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને વિવિધ નિયંત્રણો અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
- ગ્રેટર સિડની તથા બ્લૂ માઉન્ટેન્સ અને સેન્ટ્રલ કોસ્ટ સહિતના વિસ્તારોમાં બુધવાર સુધી ઘરમાં 10 લોકોથી વધારેની પરવાનગી નહીં
- નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ગ્રેટર સિડનીમાં ઇન્ડોર સ્થળો પર દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ અમલમાં રહેશે.
- કોઇ પણ સ્થળે 300 ગ્રાહકોની સંખ્યાની મર્યાદા
- લગ્નમાં 20 લોકોની હાજરી સિવાય ડાન્સિંગ પર પ્રતિબંધ
- ધાર્મિક સ્થળો પર 5 લોકોને સુધી ગીત ગાવાની પરવાનગી
- કોઇ પણ વ્યક્તિ 8મી ડીસેમ્બર બાદ Avalon Parade પર આવેલા Anytime Fitness ની મુલાકાતે ગઇ હોય તો તેણે તાત્કાલિકપણે આઇસોલેટ થઇને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવો પડશે.
રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે, વર્તમાન પ્રતિબંધો આગામી કેટલાક સમય સુધી અમલમાં રહી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય બુધવારે લેવામાં આવશે.
વિક્ટોરીયાએ ગ્રેટર સિડની, સેન્ટ્રલ કોસ્ટને રેડ ઝોનમાં મૂક્યું
વિક્ટોરીયન સરકારે સમગ્ર ગ્રેટર સિડની અને સેન્ટ્રલ કોસ્ટને રવિવાર 20મી ડીસેમ્બર રાત્રીના 11.59 વાગ્યાથી રેડ ઝોનમાં મૂક્યું છે.
આ ઉપરાંત, નોધર્ન બિચીસને હોટ ઝોનની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. મતલબ, સિડનીના આ વિસ્તારો સહિત ગ્રેટર સિડનીની મુલાકાતે ગયેલા લોકોને મેલ્બર્ન અથવા વિક્ટોરીયાના કોઇ પણ વિસ્તારમાં પ્રવેશ મળશે નહીં.
ગ્રેટર સિડનીની મુલાકાતે ગયેલા વિક્ટોરીયાના રહેવાસીઓ જો સોમવારે રાજ્યમાં પરત ફરવા માંગતા હશે તો તેમણે પરમીટ મેળવવી જરૂરી છે. જો સોમવારે મધ્યરાત્રી બાદ પરત ફરશે તો તેમણે 24 કલાકની અંદર ટેસ્ટ કરાવીને ઘરે જ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે.
Share

