18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીમાં લેબર પાર્ટીનો લિબરલ પાર્ટી સામે પરાજય થયો હતો. પરાજયની જવાબદારી સ્વીકારીને લેબર પાર્ટીના નેતા બિલ શોર્ટને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ત્યાર બાદથી જ પાર્ટીના નવા નેતાની નિમણૂક ચર્ચાનો વિષય બની હતી. સોમવારે તે ચર્ચાનો અંત આવ્યો અને એન્થની એલ્બનીઝી લેબર પાર્ટીના નવા નેતા તરીકે પસંદ થયા હતા.
એન્થની એલ્બનીઝીનો ટૂંકો પરિચય
એન્થની એલ્બનીઝી – ‘એલ્બો’ ના નામથી પ્રખ્યાત નેતાનો જન્મ 2જી માર્ચ 1963ના રોજ કેમ્પરડાઉન ખાતે થયો હતો.
એન્થનીનું બાળપણ સિડનીના કેમ્પરડાઉનના પબ્લિક હાઉસિંગમાં વિત્યું હતું અને ત્યાંથી જ તેમણે સમાજમાં રહેલા ઊંચનીચના દુષણ સામે લડવા વિચાર્યું હતું અને 15 વર્ષની ઉંમરે જ ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.
એન્થનીનો ઉછેર તેમની માતાએ કર્યો હતો. તેઓ માનતા હતા કે તેમના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરંતુ, તેઓ જ્યારે યુવાન થયા ત્યારે તેમના માતા-પિતા વચ્ચેના સંબંધો વિશે જાણ થઇ હતી. તેમની માતાનું વર્ષ 2002માં મૃત્યુ થયા બાદ તેમણે પિતાને ઇટાલી જઇ શોધ્યા હતા.

Anthony Albanese and Richard Marles. Source: AAP
રાજકારણમાં પ્રવેશ
યુનિવર્સિટી ઓફ સિડનીમાં બેચલર ઓફ ઇકોનોમીક્સનો અભ્યાસ કરતી વખતે જ તેમણે વિદ્યાર્થીઓના રાજકારણમાં જોડાઇને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના સમાધાનમાં અગત્યનો ભાગ ભજવવાનું શરૂ કરી દીધું હતું.
ગ્રેજ્યુએટ થયા બાદ કોમનવેલ્થ બેન્ક સાથે કામ કરતી વખતે, એન્થનીએ વ્હિટલામ અને હોક સરકારના મંત્રી ટોમ ઉરેન સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2015માં ટોમનું અવસાન થયું ત્યાં સુધી ટોમે જ એક મિત્ર તરીકે એન્થનીની રાજકીય કારકિર્દીમાં અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું મનાય છે.
Image
એન્થની એલ્બાનીઝીની રાજકીય કારકિર્દી પર નજર
1996માં એન્થની મેમ્બર ઓફ ગ્રેન્ડલર તરીકે પસંદ થયા હતા.
નવેમ્બર 2007માં એન્થની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, રીજનલ ડેવલપમેન્ટ એન્ડ લોકલ ગવર્મેન્ટના મંત્રી તથા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સના નેતા બન્યા હતા.
જૂન 2013માં ઉપ-પ્રધાનમંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેમણે મિનિસ્ટર ઓફ બ્રોડબેન્ડ, કમ્યુનિકેશન્સ એન્ડ ડીઝીટલ ઇકોનોમીનો વધારાનો હવાલો સંભાળ્યો હતો.
જુલાઇ 2016માં એન્થની ફરીથી મેમ્બર ઓફ ગ્રેન્ડલર તરીકે ચૂંટાયા હતા. અને ત્યાર બાદ શેડો મિનિસ્ટર ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, સિટીઝ એન્ડ રીજનલ ડેવલપમેન્ટ અને શેડો મિનિસ્ટર ઓફ ટુરિઝમ મંત્રી બન્યા હતા.
કેન્દ્રીય ચૂંટણીમાં લેબર પાર્ટીના પરાજય બાદ બિલ શોર્ટને પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ તેમના સ્થાને નવા નેતાની પાર્ટીએ સોમવારે પસંદગી કરી હતી. લેબર પાર્ટીની સમિતિ ગુરુવારે બેઠક કરશે અને એન્થની એલ્બાનીઝીને તેમનો નવો હોદ્દો આપશે.
Share


