ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ લેબર પક્ષના નેતા એન્થની એલ્બાનિસી દેશના 31મા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે.
તેઓ આ પદ સંભાળનારા બિન-એંગ્લો-સેલ્ટીક (બ્રિટીશ વારસો નહીં ધરાવતા) પ્રથમ નેતા બનશે.
ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ એલ્બાનિસીએ કેન્ટરબરી - હર્લસ્ટોન RSL ખાતે જાહેર સંબોધન કર્યું હતું. જેમાં તેમણે દેશના મૂળ નાગરિકોને સંબોધન કરીને ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ હાર્ટ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
ઇટાલિયન તથા આઇરીશ મૂળના એલ્બાનિસીની આગેવાની હેઠળ લેબર પાર્ટી 9 વર્ષ પછી ફરીથી કેન્દ્રમાં સત્તામાં આવશે.
તેમનું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બનવું દેશમાં સ્થાયી બહુસાંસ્કૃતિક સમાજના લોકો માટે એક સંદેશ સમાન છે.

Labor party supporters react as results begin to come in during the 2022 Federal Election Source: AAP / BIANCA DE MARCHI/AAPIMAGE
એલ્બાનિસીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઇટાલીયન, હિન્દુ તથા લેબનીસ સમુદાયના આગેવાનોને મળીને પ્રચાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, લેબર પક્ષમાં વિવિધ બહુસાંસ્કૃતિક સમુદાયના પ્રશ્નોને હલ કરવાની ક્ષમતા છે.
એલ્બાનિસીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, તેમની જેવી બહુસાંસ્કૃતિક અટક ધરાવતી વ્યક્તિ જો દેશની વડાપ્રધાન બનશે તો ઓસ્ટ્રેલિયામાં તમામ મૂળના લોકોને સફળ થવાની યોગ્ય તક પ્રાપ્ત થાય છે તેવો સંદેશ મળશે.
એલ્બાનિસીએ પોતાના સંબોધનમાં તેમની માતાએ કરેલા સંઘર્ષ અને ત્યાગને યાદ કર્યા હતા.
એલ્બાનિસીનો ઉછેર તેમની માતા મેરિયને કર્યો હતો. તેમનું બાળપણ સિડનીના કેમ્પરડાઉનમાં પબ્લિક હાઉસિંગમાં વિત્યું હતું.

Source: Getty
વર્ષ 2016ની વસ્તી ગણતરી પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં ઇટાલિયન મૂળના લોકોની સંખ્યા એક મિલિયન જેટલી હતી.
ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનની આગેવાની હેઠળની લેબર પાર્ટી 9 વર્ષ બાદ ફરીથી સત્તા મેળવી રહી છે.
છેલ્લે વર્ષ 2013માં કેવિન રડનો ટોની એબટ્ટની આગેવાની હેઠળની લિબરલ પાર્ટી સામે પરાજય થયો હતો. ત્યાર બાદથી ઓસ્ટ્રેલિયામાં લિબરલ ગઠબંધન સત્તામાં હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ્બાનિસીને અભિનંદન પાઠવ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય ચૂંટણીમાં વિજય મેળવનારી લેબર પાર્ટી તથા એન્થની એલ્બાનિસીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા તથા ભારત વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી કરીને સંબંધો વધુ ગાઢ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.