"બમ બમ ભોલે"ના જયનાદ સાથે નીકળતી અમરનાથની યાત્રા ફરી રક્તરંજિત બની છે. છેલ્લે 2002માં અમરનાથ યાત્રા આતંકીઓનું નિશાન બની હતી જયારે યાત્રાળુઓના કેમ્પ પર આતંકીઓ ત્રાટક્યા હતા અને આઠ જણ ને ઠાર માર્યા હતા.આ વખતે કેમ્પને બદલે યાત્રાળુનોની બસ હુમલાનો ભોગ બની છે.
સોમવારે બાબા અમરનાથના દર્શન કરી પાછા ફરી રહેલ ગુજરાતના યાત્રીઓની એક બસ પરના આતંકી હુમલામાં પાંચ મહિલા સહીત કુલ સાત જણ મૃત્યુ પામ્યા હતા તો 19 જણ જખ્મી થયા હતા. દુર્ઘટનામાં જે સાત ના મોત નોંધાયા છે તે દમણ , વલસાડ , દાહણુ તથા સુરતના હતા. મંગળવારે વિશ્વ્ હિન્દૂ પરિષદે દક્ષિણ ગુજરાત માં અનેક સ્થળે બંધનું એલાન આપ્યું હતું , અમરનાથ યાત્રાળુઓ પરના હુમલાની ઘટનાના વિરોધમાં જમ્મુમાં પણ મંગળવારે બંધ પાળવામાં આવ્યો હતો.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દરેક મૃતકના પરિવારજનોને દસ-દસ લાખ રૂપિયા તો પ્રત્યેક ઇજાગ્રસ્તને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બસના મોટાભાગના મુસાફરોને ઉગારી લેનાર ડ્રાઈવર સલીમ શેખને વીરતા પુરસ્કાર આપવા પોતે કેન્દ્ર સરકારને ભલામણ કરશે તેમ જાહેર કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરના તંગ વાતાવરણને ઉશ્કેરવા માટે આતંકીઓ યાત્રાને શિકાર બનાવશે એવી ગુપ્ત બાતમી પોલીસને હતી અને એટલેજ સલામતી બંદોબસ્ત વધુ મજબૂત કરવામાં આવ્યો હતો , તેમ છતાં આતંકીઓ ધાર્યું નિશાન પાર પાડી શક્યા.
અમરનાથ યાત્રાના રૂટ પર ગયા વર્ષ કરતા લગભગ બમણા એટલે કે આશરે ચાલીસ હાજર પોલીસ જવાનો તહેનાત કરવા માં આવ્યા છે. આવા ભારે સલામતી બંદોબસ્ત ધાવતા રસ્તા પર રજીસ્ટ્રેશન વગરની બસને જવા કઈ રીતે દેવાઈ તેની સ્પષ્ટતા થઇ નથી.
અમરનાથ યાત્રાધામ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની આ બસે ટ્રસ્ટના કાર્યાલયમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું. રજીસ્ટ્રેશન કરાવનાર વાહનોને સલામતી દળોના કાફલા સાથેજ કાશ્મીર ખીણપ્રદેશમાં જવા-આવવા દેવામાં આવે છે. વળી યાત્રાળુઓના વાહનો સાંજે સાડા સાત વાગ્યા પહેલા કાશ્મીર વેલીનો સંવેદનશીલ વિસ્તાર છોડી દે તેવી સૂચના પણ દરેક વાહન ચાલાકને આપવામાં આવે છે. એ સંજોગમાં ગુજરાતના યાત્રીઓની બસ સાત્રે સાડા આઠ વાગ્યા સુધી જોખમી એરિયામાં કેમ હતી એ બાબત પણ પ્રશ્ન ઉપસ્થિત કરે છે.
અલબત્ત બસ ના ડ્રાઈવર સલીમ શેખે મંગળવારે એવો ખુલાસો કર્યો હતો કે એક ટાયર પંક્ચર થવાને કારણે બસ રોકવી પડી હતી અને એ ગાળામાં બીજી કેટલીક બસ આગળ નીકળી ગઈ હતી.
આતંકી હુમલાનો ભોગ બનનાર ગુજરાતની બસ માં કુલ છપ્પન યાત્રી હતા. બસના કેટલાક યાત્રાળુઓના જણાવ્યા અનુસાર બે બાજુએ થી અંધાધૂંધ ફાયરિંગ શરૂ થતા ડ્રાઈવર સલીમ શેખે થોડોય સમય વેડફ્યા વગર બસ આગળ મારી મૂકી હતી. આશરે બે એક કિલોમીટર પછી લશ્કરની એક છાવણી અને પોલીસ પેટ્રોલિંગ દેખાતા ડ્રાઈવરે ત્યાં બસ રોકી અને સુરક્ષા જવાનોને ઘટના વિષે વાકેફ કર્યા હતા. સુરક્ષા જવાનોએ બસના મુસાફરોને બહાર કાઢ્યા હતા જેમાંથી સાત જણ મૃત્યુ પામ્યાનું જણાયું હતું
પોલીસે બસ ડ્રાઈવર તથા યાત્રીઓએ આપેલ માહિતીના સ્થળે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કોઈ આતંકી હાથ આવ્યો નહોતો.
મોડી રાત બાદ તમામ મૃતદેહ જમ્મુ લઇ જવામાં આવ્યા હતા. યાત્રાળુઓની ઓળખવિધિ અને પોસ્ટ મોર્ટમ પછી મંગળવારે એક વિશેષ વિમાન દ્વારા મૃતદેહ સુરત લાવવામાં આવ્યા હતા. બધા ઇજાગ્રસ્તોને પણ સુરત લાવવામાં આવ્યા, જ્યાં એમને સારવાર આપવા માં આવી રહી છે.
Share

