ક્રિકેટના કોચિંગમાં નવી ટેક્નોલોજી તથા પદ્ધતિઓનો વિકાસ થઇ શકે તે માટે દુનિયાના ક્રિકેટના સુપરપાવર બે બોર્ડ્સ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) તથા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) એ 2017માં ભાગીદારી કરીને ક્રિકેટના કોચ માટે વિવિધ લેવલના કોચિંગ કેમ્પ્સ તથા કોર્સ શરૂ કર્યો હતો.
ક્રિકેટ કોચિંગની નવી સ્કીલ્સ તથા ટેક્નિક્સનો વિકાસ થાય તે માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા 14થી 20 જૂન 2018 દરમિયાન બ્રિસબેનના બુપા (BUPA) નેશનલ ક્રિકેટ સેન્ટર ખાતે આ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ દેશોમાંથી 20 ખેલાડીઓ - કોચની પસંદગી
શિતાંશુના જણાવ્યા પ્રમાણે, "આ કોર્સમાં 20 કોચ તથા ખેલાડીઓએ ભાગ લીધો હતો, તેમાંથી 17 ઉમેદવાર ઓસ્ટ્રેલિયાના હતા જ્યારે બાકીના શ્રીલંકા, ઇંગ્લેન્ડ તથા ભારતમાંથી હતા.
SBS Gujarati સાથે વાતચીત દરમિયાન શિતાંશુએ જણાવ્યું હતું કે, "ગુજરાત લાયન્સ ટીમ સાથેના મારા કાર્યકાળ દરમિયાન હું ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલાઉન્ડર બ્રેડ હોજ સાથે કામ કરતો હતો. તેણે મને ઓસ્ટ્રેલિયામાં હાઇ પર્ફોર્મન્સ લેવલ-3નો કોર્સ કરવાની સલાહ આપી હતી."
"મેં ઘણા સમય અગાઉ લેવલ 1 અને 2નો કોર્સ કર્યો હતો પરંતુ હવે ક્રિકેટમાં ઝડપથી નવી ટેક્નિક્સ તથા પદ્ધતિઓ બદલાતી રહે છે. હાઇ પર્ફોર્મન્સ લેવલ - 3નો કોર્સ બંને દેશો વચ્ચેની ભાગીદારી અંતર્ગત ન આવતો હોવા છતાં પણ મેં આ કોર્સ કરવાનું નક્કી કર્યું હતું."

Sitanshu Kotak with former Australian all-rounder Brad Hodge during his Australian visit. Source: Sitanshu Kotak
"મને લાગે છે કે જો હું મારી અંદર અલગ પ્રકારની નવી સ્કીલ્સ તથા ટેક્નિક્સ વિકસાવું તો તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ખેલાડીઓને તેમની ક્રિકેટની સ્કીલ્સ નિખારવામાં મદદ મળી શકે."
કોર્સમાં ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ઇન્ડ્રસ્ટ્રીના ટોચના લોકો દ્વારા સેમિનાર, લેક્ચર્સ તથા ગ્રાઉન્ડ પર વિવિધ પ્રકારની સ્કીલ્સ શીખવવામાં આવી હતી.
"ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એલિટ કોચિંગ મેનેજરે થીયરી તથા પ્રેક્ટિકલ સેશન્સનું આયોજન કર્યું હતું. જેમાં અમારે સાઇકોલોજીસ્ટ સાથે એક સત્ર હતો અને અમે બાયો - મિકેનિક્સ પણ શીખ્યા.
"હું ઘણું શીખ્યો, રમતમાં સામાન્ય ફેરફાર કરીને પણ તમે ઘણું મોટું પરિણામ મેળવી શકો છો તેની મને જાણકારી પ્રાપ્ત થઇ હતી. "
ભારત તથા ઓસ્ટ્રેલિયન કોચિંગ સ્ટાઇલ તદ્દન અલગ
"ભારત તથા ઓસ્ટ્રેલિયાની કોચિંગ સ્ટાઇલ તદ્દન અલગ છે. ભારતમાં, બેટ્સમેનને શરૂઆતથી જ તમામ પ્રકારની બેટિંગ ટેક્નિક્સ શીખવવામાં આવે છે. જેથી તેની પોતાની રીતે વિચારવાની ક્ષમતા ઓછી થતી જાય છે."
"બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં મારી ટ્રેનિંગ દરમિયાન મને શીખવા મળ્યું કે બેટ્સમેનને વધારે છૂટ આપવી જોઇએ. જેથી તે પોતાની અંદર રહેલી સ્કીલ્સ અને પ્રતિભા નિખારી શકે, ભારે રોમાંચક મેચ હોય કે રમત દરમિયાન અત્યંત ગંભીર પરિસ્થિતિ હોય તેની માનસિક શક્તિ માટે તે મદદરૂપ થાય છે."
મેગ લેનિંગ, વિલાની તથા વોજીસે પણ આ કોર્સમાં ભાગ લીધો
હાઇ પર્ફોર્મન્સ લેવલ - 3ના કોર્સ દ્વારા કોચિંગની અનેક નવી પદ્ધતિઓની માહિતી મળતી હોવાથી આ કોર્સમાં ઓસ્ટ્રેલિયાની વર્તમાન વિમેન્સ ટીમની કેપ્ટન મેગ લેનિંગે પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત એલિસ વિલાની અને મેન્સ ક્રિકેટ ટીમના ખેલડી એડમ વોજીસ અને ભૂતપૂર્વ બોલર ક્લિન્ટ મેકેયે પણ પોતાની કોચિંગ અંગેની સમજણને વધારે નિખારી હતી.
"હું કોચિંગમાં નવા અભિગમ વિશે શીખ્યો અને તેને મારા કોચિંગ દરમિયાન અમલમાં લાવીશ. આ ઉપરાંત હું તમામ ફેરફાર અને નવા અભિગમનો એક રીપોર્ટ બનાવીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સમક્ષ રજૂ પણ કરીશ," તેમ શિતાંશુએ જણાવ્યું હતું.
Share

