ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજથી એડિલેડમાં બોર્ડર - ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાવા જઇ રહી છે.
વન-ડે અને ટી20 શ્રેણી પૂરી થયા બાદ હવે બંને દેશો 4 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. ઓસ્ટ્રેલિયા અને ભારત પ્રથમ વખત ડે-નાઇટ ટેસ્ટમાં એકબીજા સામે ટકરાશે.
આ મેચમાં ગુલાબી રંગના બોલનો ઉપયોગ થશે.
એડિલેડમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની મેચ માટે પ્રેક્ષકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમ ફેન્સ ઇન્ડીયાના સભ્ય વત્સલ દેસાઇએ SBS Gujarati ને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત પ્રથમ વખત વિદેશમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઊતરશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ છેલ્લી ટેસ્ટ મેચ છે. અને તે ટેસ્ટ મેચ પૂરી થયા બાદ વ્યક્તિગત કારણોસર ભારત પરત ફરશે.
ભારતીય ટીમનો જુસ્સો વધારવા માટે જાણિતા ફેન્સ ઇન્ડીયા ગ્રૂપે એડિલેડ ટેસ્ટ માટે પણ ખાસ તૈયારી કરી હોવાનું વત્સલ દેસાઇએ જણાવ્યું હતું.
ટેસ્ટ મેચ દરમિયાન 20 જેટલા ઢોલ - નગારા દ્વારા સ્ટેડિયમની બહાર એક અલગ પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મેલ્બર્ન, સિડની અને એડિલેડથી લગભગ 80થી વધારે સભ્યો ભારતીય ટીમને સમગ્ર ટેસ્ટ મેચ દરમિયાન ચીયર અપ કરશે તેમ ફેન્સ ઇન્ડીયાના અન્ય સભ્ય રાજુલ શર્માએ જણાવ્યું હતું.

ભારતની બીજી ડે-નાઇટ ટેસ્ટ મેચ
ભારતીય ટીમે અત્યાર સુધીમાં એક ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે. વર્ષ 2019માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં ગુલાબી બોલથી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઇ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. ભારતીય ટીમ પ્રથમ વખત વિદેશની ધરતી પર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી રહ્યું છે.
કોરોનાવાઇરસના કારણે સ્ટેડિયમની ક્ષમતાથી 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશની મંજૂરી હોવાથી 20 હજાર પ્રેક્ષકો પ્રથમ દિવસે મેચમાં હાજરી આપે તેવું અનુમાન છે, તેમ વત્સલ દેસાઇએ ઉમેર્યું હતું.
છેલ્લી પાંચ મેચનું પરિણામ
ઓસ્ટ્રેલિયા - તમામ પાંચેય મેચમાં વિજય
ભારત - ત્રણ મેચમાં વિજય, 2 મેચમાં પરાજય

સંભવિત ટીમ -
ઓસ્ટ્રેલિયા - જોઇ બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નશ લબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટીમ પેઇન, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, નથાન લાયન.
ઓસ્ટ્રેલિયન ટીમ ઇજાગ્રસ્ત ડેવિડ વોર્નર વિના પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે.
ભારત - મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.
પિચ અને હવામાન
રમતની શરૂઆતમાં બોલર્સને પિચ તરફથી મદદ મળી શકે તેવી સંભાવના છે. ગુલાબી બોલથી મેચ રમાવાની હોવાથી પિચનો રંગ થોડો લીલો રહેશે પરંતુ તેના કારણે બેટ્સમેનને કોઇ તકલીફ પડે તેવું અનુમાન નથી.
એડિલેડમાં મોટાભાગે હવામાન સ્વચ્છ રહે તેવી શક્યતા છે. મેચની મધ્યમાં ક્યારેક હળવો વરસાદ થાય તેવી સંભાવના છે.
રેકોર્ડ્સ
- ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 7 ડે-નાઇટ ટેસ્ટ મેચમાં 19.23 રનની સરેરાશ સાથે 42 વિકેટ ઝડપી છે. તે એડિલેડની પિચ પર ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે તેવી શક્યતા છે.
- ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 7 ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે અને તમામમાં વિજય મેળવ્યો છે. બીજી તરફ, ભારતે એક ડે-નાઇટ ટેસ્ટ રમી છે જેમાં તેનો પણ વિજય થયો હતો. બંને ટીમ તેમની વિજયી પરંપરા જાળવી રાખવા પ્રયત્ન કરશે.

