કોરોનાવાઇરસ બાદ ભવિષ્યમાં થનારી મુસાફરીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સરકારે ઓસ્ટ્રેલિયા ઊતરાણ કરતા મુસાફરોને આપવામાં આવતા પેસેન્જર કાર્ડ આગામી સમયમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. અને તેના સ્થાને ડિજિટલ સિસ્ટમ દ્વારા તેમની વિગતો નોંધવામાં આવશે.
કોરોનાવાઇરસ બાદ ફરીથી જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થશે ત્યારે આ યોજના અમલમાં મૂકાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં હવાઇ મુસાફરી અથવા જહાજ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવેશ કરતા મુસાફરોને એક કાર્ડ આપવામાં આવે છે જેમાં તેમણે વિગતો ભરવાની હોય છે. પરંતુ, આ પદ્ધતિ આગામી સમયમાં બંધ કરવામાં આવશે. અને તેનું સ્થાન ડિજિટલ પેસેન્જર ડીક્લેરેશન લેશે.
ઇમિગ્રેશન મંત્રી એલન ટજે આ અંગે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવેશ કરતા મુસાફરો તેમની વિગતો મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરમાં નોંધી શકશે.
કોરોનાવાઇરસની મહામારી બાદ ડિજિટલ માધ્યમ પર નોંધવામાં આવેલી વિગતોનો યોગ્ય રેકોર્ડ રાખવામાં સરળતા રહેશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

A sample incoming passenger card Source: abf.gov.au
ડિજિટલ પેસેન્જર્સ ડીક્લેરેશન એપ્લિકેશન સપ્ટેમ્બર 2021માં અમલમાં મૂકવાની યોજના છે. તેમાં પેસેન્જરની વિસા વિશેની માહિતીનો પણ સમાવેશ કરાશે.
કેવી છે વર્તમાન પ્રક્રિયા?
હાલમાં, ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા દેશમાં પ્રવેશતા નાગરિકો અને અન્ય વિસાધારકોની વ્યક્તિગત માહિતી, કસ્ટમ અને બાયોસિક્યોરિટીની માહિતી એક પીળા રંગના ફોર્મ દ્વારા નોંધવામાં આવે છે. અને, તે વિગતો ઇમિગ્રેશન અધિકારી તેમના કમ્પ્યુટરમાં નોંધે છે.
આપવામાં આવેલી માહિતીમાં અધિકારીને કોઇ મૂંઝવણ હોય તો તે મુસાફર પાસેથી વધુ વિગતો માંગે છે.
ડિજિટલ પેસેન્જર ડીક્લેરેશન અંતર્ગત લેપટોપ કે ટેલબેલમાં માહિતી નોંધી શકાશે અને તેમાં કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ થઇ જાય પછી જો મુસાફરે તે લીધી હોય તો તે સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકાશે.
વર્તમાન પેસેન્જર કાર્ડને સ્થાને ડિજિટલ માધ્યમ દ્વારા નોંધવામાં આવેલી માહિતી મુસાફર કોઇ પણ સમયે તપાસી શકશે. સરકારે કોરોનાવાઇરસના પ્રતિસાદના ભાગરૂપે મુસાફરીમાં વધુ સરળતા રહે તે માટે આ યોજના અમલમાં મૂકી હોવાનું જણાવ્યું છે.
Share

