પર્થની ઇલ્લુમિનન્સ સોલ્યૂશન નામની કંપની ટેક્નોલાજીના સમન્વય દ્વારા સામાજિક સમસ્યાઓના ઉકેલ ઉપર કામ કરે છે. આ કંપની ટેક્નોલોજીના ઉપયોગથી ડિસેબિલિટી ક્ષેત્ર અને એબોરિજિનલ સમાજને વિવિધ ક્ષેત્રમાં મદદરૂપ થાય છે.
મૂળ ગુજરાતી અને છેલ્લા કેટલાક વર્ષોથી પર્થમાં સ્થાયી થયેલા નિલેશ મકવાણા કંપનીના સીઇઓ છે. જ્યારે તેમના પત્ની લેને મકવાણા ગ્રાફીક ડીઝાઇનર તરીકે કામ કરે છે. લેને મૂળ નોર્વેના છે પરંતુ તેઓ થોડું – ઘણું ગુજરાતી બોલી અને સમજી શકે છે.
વિવિધ ક્ષેત્રે કંપનીનું યોગદાન, એવોર્ડ્સ મેળવ્યા
ગયા વર્ષે કંપનીએ NDIS (નેશનલ ડીસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમ) માટે એક સોફ્ટવેર બનાવ્યું હતું. જેમાં કામ કરતા સ્વયંસેવક અને ગ્રાહકોને રોજીંદા કાર્ય કરવામાં સરળતા રહે છે. સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવક દિવ્યાંગ વ્યક્તિને સર્વિસ આપતા હોય ત્યારે જે-તે દિવ્યાંગ વ્યક્તિના તમામ રેકોર્ડ્સ સોફ્ટરવેર પર ડીઝીટલી સચવાય તે માટે કંપનીએ એક મોબાઇલ એપ્લિકેશન બનાવી છે.
આ ઉપરાંત, એબઓરિજીનલ ટાઇટલ એક્ટ માટે પણ તેમણે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. એબઓરિજીનલ ટાઇટલ એક્ટ નેટીવ ટાઇટલ ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટને માઇનિંગ કંપની કે સરકાર દ્વારા રોયલ્ટી મળે છે.

Source: Supplied
આ ટ્રસ્ટ સમાજમાં કોઈ અભ્યાસ માટે કે સારવાર માટે,અથવા કોઈના મૃત્યુ સમયે અંતિમ ક્રિયા માટે નાણાકિય સહાય કરતું હોય છે. આ કામ એ.ડી.એમ.એસ (Aboriginal Trust Management System) કરે છે. એના માટે પણ આ કંપનીએ સહાય કરી છે.
આ ઉપરાંત એબઓરિજીનલ સમાજમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ શીખવાડી ડિજીટલ સાક્ષરતા પણ આપે છે.
ગત વર્ષે આ કંપનીને વિવિધ સામાજીક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપવા બદલ આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક ક્ષેત્રે એમ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
નિલેશ મકવાણાની આગેવાનીમાં કંપનીને તાજેતરમાં માઈક્રોસોફટ દ્વારા "ગ્લોબલ પાર્ટનર ઓફ ઘી યર ફોર સોશિયલ ઈમ્પેક્ટ ૨૦૧૯" પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાના હસ્તે મળ્યો હતો.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન કમ્પ્યુટર સોસાયટી દ્વારા નવેમ્બર ૨૦૧૯ માં "ડિજિટલ ડિસરુપ્ટર ઓફ ઘી ઈયર" અને બેલ્મોન્ટ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દવારા "રાઇઝીંગ સ્ટાર એવોર્ડ ફોર ડાઇવર્સિટી" પ્રાપ્ત થયો છે.
ભવિષ્યમાં વધુ યોગદાન આપવા માટે કટિબદ્ધ
કંપનીના સીઇઓ નિલેશ મકવાણાએ SBS Gujarati સાથેની પોતાની વાતચીતમાં એવોર્ડ મેળવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કંપની વિવિધ સામાજિક સંસ્થાઓને વધુ યોગદાન આપવા માટે કટિબદ્ધ છે. જુદા - જુદા સામાજિક મુદ્દાઓને આવરી લેતા સોફ્ટવેર બનાવવા બદલ કંપની અન્ય ત્રણ એવોર્ડ માટે પણ ફાઇનલિસ્ટ થઇ છે.
Share


