શિક્ષણ અને લર્નિંગ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન અને પ્રતિબદ્ધતા બદલ દર વર્ષે શૈક્ષણિક સંસ્થાનોને ગ્લોબલ ટીચિંગ એક્સસેલન્સ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયન યુનિવર્સીટીઓમાંથી આ સન્માન વોલોન્ગોન્ગ યુનિવર્સીટીને મળ્યું છે, જયારે અન્ય બે યુનિવર્સીટીઓ ફાઇનાલિસ્ટની યાદીમાં સ્થાન પામી હતી.
યુનિવર્સીટી ઓફ વોલોન્ગોન્ગ (UOW)ના નાયબ ઉપકુલપતિ (એકેડેમિક) પ્રોફેસર જૉ ચિચારો એ જણાવ્યું કે, "યુનિવર્સીટી ઓફ વોલોન્ગોન્ગ (UOW) ઓસ્ટ્રેલિયાની એકમાત્ર યુનિવર્સીટી છે, જે સતત બે વર્ષથી શોર્ટલિસ્ટ થતી હતી, પણ આ વર્ષે અમે લક્ષ હાંસલ કરી લીધું."
આ એવોર્ડ માટેની નિર્ણાયક પેનલે UOW અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે, "અભ્યાસના શીખવા અને શીખવાડવાના સતત પ્રયાસ કરવા બદલ અને શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રોત્સાહન આપવાના, સહકારભર્યા વાતાવરણ બદલ (આ એવોર્ડ આપવામાં આવે છે). "
યુનિવર્સીટી તરફથી પ્રોફેસર જૉ ચિચારોએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. SBS Gujarati સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, "( શ્રેષ્ઠતા) UOW ના DNAમાં, તેમના વારસામાં છે. આ યુનિવર્સીટીની શરૂઆત સ્થાનિક સમુદાયને મદદ કરવા માટે કરવામાં આવી હતી. અમારા સ્થાનિક ઉદ્યોગો સાથેના સંબંધો ખુબ મજબૂત છે, સાથે સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે પણ ઓપન ડોર સંબંધ છે- જેથી કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે મદદ માટે સ્ટાફના સભ્યનો સમ્પર્ક કરી શકે. " તેઓ ઉમેરે છે કે, " આ પ્રથા વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણનો અનુભવ કરાવવાનો એક પ્રયાસ છે. યુનિવર્સીટી ઓફ વોલોન્ગોન્ગ પાસે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે, તો આ બધા પરિબળોના કારણે આ સિદ્ધિ હાંસલ થઇ છે. "

Source: Supplied
"આ યુનિવર્સીટીની શરૂઆત સ્થાનિક સમુદાયને મદદ કરવા માટે કરવામાં આવી હતી. અમારા સ્થાનિક ઉદ્યોગો સાથેના સંબંધો ખુબ મજબૂત છે સાથે સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે પણ ઓપન ડોર સંબંધ છે જેથી કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે મદદ માટે સ્ટાફના સભ્યનો સમ્પર્ક કરી શકે. "- પ્રોફેસર જૉ ચિચારો
SBS Gujarati સાથે વાતચીત દરમિયાન શ્રી ચિચારોએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુનિવર્સીટીના રાજદૂત સમાન છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વોલોન્ગોન્ગ યુનિવર્સીટી પર પસંદગી ઉતારે છે તેની પાછળનું કારણ છે - શિક્ષણની ગુણવત્તા અને નોકરી મેળવવાનો દર. શ્રી ચિચારોએ કહ્યું કે, "ગ્રેજ્યુએટ્સના (જ્ઞાનના ) સંદર્ભમાં, નોકરીદાતાઓ મુજબ અમે વિશ્વની 0.1% યુનિવર્સીટીઓમાં છીએ."
UOW ના વિદ્યાર્થીઓ શું કહે છે?
યુનિવર્સીટી ઓફ વોલોન્ગોન્ગમાં બાયોમેડિકલનો અભ્યાસ કરતા ગીતીકા મેદિરાલા જણાવે છે કે, એવોર્ડ મેળવવાના સમાચારથી તેઓને બિલકુલ જ આશ્ચર્ય નથી થતું. તેઓ જણાવે છે કે, "અમારા યુનિવર્સીટીના અધ્યાપકો પોતાના વિષય પ્રત્યે ખુબ જ પ્રતિબદ્ધ છે, તેઓ હંમેશા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને શીખવાડે છે. તેઓ અમારી ધ્યાન રાખે છે. મને સૌથી વધુ નવાઈ એ લાગે છે કે તેઓ વ્યક્તિ સાથે બેસીને તેમને સમજાવે છે, તેમની મૂંઝવણ દૂર કરે છે. તેઓ જે અસાઈન્મેન્ટ આપે છે તે પણ સાચા પ્રશ્નોને એડ્રેસ કરતા હોય છે, તેના માટે ખાસ વિચારવું પડે છે. "
ગીતીકા જણાવે છે કે અહીં અભ્યાસ દરમિયાન તેઓ ખુબ નવું શીખ્યા છે, જરૂરી કૌશલ કેળવી શક્યા છે. તેઓ હવે વધુ આત્મવિશ્વાસ સાથે નોકરી શોધવા જઈ શકે છે. "અહીં બધું જ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેથી આપ પણ સમય સાથે તાલ મેળવી શકો. "

Source: Supplied
UOW માં બહુસાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવે છે. ગીતીકા જણાવે છે કે, "અહીં ખાસ શિષ્યવૃત્તિઓ છે, ગ્લોબલ કમ્યુનિકેશન કાર્યક્રમ છે, જેથી અમે સામુદાયિક વિવિધતા ધરાવતા મિત્રો બનાવી શકીએ, આ ઉપરાંત વિવિધ ક્લબ અને સોસાયટી સાથે જોડાઈ પોતાના રસને કેળવી શકીએ ."
અહીં ખાસ શિષ્યવૃત્તિઓ છે, ગ્લોબલ કમ્યુનિકેશન કાર્યક્રમ છે, જેથી અમે સામુદાયિક વિવિધતા ધરાવતા મિત્રો બનાવી શકીએ, આ ઉપરાંત વિવિધ ક્લબ અને સોસાયટી સાથે જોડાઈ પોતાના રસને કેળવી શકીએ.
પોતાના નિર્ણય અને અનુભવને શ્રેષ્ઠ જણાવતા UOW ખાતે બેચલર ઓફ એન્જીનીયરીંગ મેકેનિકલ મટિરિયલના શામરોન પ્રસાદ જણાવે છે કે, "અહીં વર્ગખંડ શિક્ષણ કરતા પ્રેક્ટિકલ સ્કિલ્સ કેળવવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જે આજના સમય માટે અતિ મહત્વનું છે."
શામરોન જણાવે છે કે UOW તેમની પહેલી પસંદ ન હતી, તેઓ પોતાની પસંદગીની યુનિવર્સીટીમાં સ્થાન ન મેળવી શક્યા એટલે તેઓએ અહીં અભ્યાસ કરવાનું સ્વીકાર્યું, પણ હવે તેઓ પોતાના નિર્ણય થી ખુબ ખુશ છે. તેઓ જણાવે છે કે, " મારી યોજના અહીં એક વર્ષ અભ્યાસ કરીને પોતાની પસંદની યુનિવર્સીટીમાં ટ્રાન્સફર લઇ લેવાની હતી, પણ હજુ હું અહીં છું. અહીંના શાંત અને મળતાવળા વાતાવરણ અને મારા અભ્યાસક્ર્મના કારણે હવે અહીં જ અભ્યાસ પૂર્ણ કરવાની મારી ઈચ્છા છે. "

Source: Supplied