ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નાગરિકોને ક્વોરન્ટાઇનમાં સમય પસાર કરવાની શરત વગર પેસિફિક દેશોમાં પ્રવાસ કરવાની મંજૂરી મળી શકે છે.
બંને દેશો વચ્ચે પણ મુસાફરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે પરંતુ તે વિશે કોઇ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી.
ઓસ્ટ્રેલિયા – ન્યૂઝીલેન્ડ બાદ પેસિફિકના દેશોમાં મુસાફરી
પેસિફિકના દેશોએ કોરોનાવાઇરસ અટકાવવા માટે લીધેલા પગલાં સફળ રહ્યાં છે અને ત્યાં વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થવાની સ્થિતિમાં છે ત્યારે તે દેશોમાં મુસાફરી શક્ય થાય તેવી શક્યતા છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને અગાઉ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુસાફરી ફરીથી શરૂ કર્યા બાદ પેસિફિક દેશોમાં મુસાફરીને પરવાનગી અપાશે.
Image
ચોક્કસ સમય નક્કી નથી
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા સાથે મુસાફરી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ પેસિફિક દેશો અંગે કોઇ નિર્ણય લેવાશે. જોકે, તેમણે આંતરરાષ્ટ્રીય બોર્ડર શરૂ કરવા અંગે કોઇ ચોક્કસ સમય નક્કી કર્યો નથી.
પ્રવાસન ઉદ્યોગ પર અસર, યુરોપ પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી શરૂ કરશે
કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધિત થતા યુરોપના પ્રવાસન પર અસર પડી રહી છે. તેથી જ, યુરોપિયન યુનિયન આગામી જુલાઇથી વિદેશીઓ માટે તેમની બોર્ડર ખોલવા જઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુરોપમાં કોરોનાવાઇરસની ભયાનક અસર જોવા મળતા લોકડાઉન અમલમાં મૂકવાની ફરજ પડી હતી અને પ્રવાસન ઉદ્યોગ પર નિર્ભર એવા ગ્રીસ અને અન્ય દેશોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

The European Union wants to reopen tourism in a bid to curtail the crippling economic blows dealt by the coronavirus pandemic. Source: AFP
ગ્રીસ યુરોપના દેશો સહિત ઓસ્ટ્રેલિયા, ચીન અને સાઉથ કોરિયાના નાગરિકો માટે તેની બોર્ડર ખોલી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન્સને વિદેશ પ્રવાસની પરવાનગી નહીં
ગ્રીસ અને યુરોપના અન્ય દેશો પ્રવાસન ક્ષેત્રને ગતિ આપવા માટે કેટલાક દેશો માટે તેમની બોર્ડર શરૂ કરવા અંગે વિચાર કરી રહ્યા છે ત્યારે હાલમાં ઓસ્ટ્રેલિયામાં વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ હોવાથી ઓસ્ટ્રેલિયાના નાગરિકો ગ્રીસ કે યુરોપ પ્રવાસ કરી શકશે નહીં.
ઓસ્ટ્રિયા જૂનની મધ્યથી સ્પેન, યુકે, અને જે દેશોમાં ટેસ્ટ જરૂરી છે તે સિવાયના અન્ય દેશોમાં મુસાફરીની પરવાનગી આપી રહ્યું છે જ્યારે જર્મનીમાં પણ યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાં પ્રવાસ કરવાની મંજૂરી મળી ગઇ છે.