ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી વર્યુઅલ મિટીંગમાં બંને દેશો વચ્ચે વેપાર - ઉદ્યોગ, શિક્ષણ તથા ટેક્નોલોજીની દિશામાં વિવિધ કરાર તથા ભાગીદારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા તથા ભારતે રક્ષા, સાયન્સ અને ટેક્નોલોજી તથા શિક્ષણની બાબતોમાં ભાગીદારી સાથે પ્રગતિ કરી છે અને ઓસ્ટ્રેલિયા કોવિડ મહામારી બાદ ભારત સાથે વધુ કરાર કરવા કટિબદ્ધ છે.
મંગળવારે ઓસ્ટ્રેલિયાના કેબિનેટ કક્ષાના મંત્રીઓ દ્વારા ભારત સાથે વિવિધ બાબતો પર કરાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત - ઓસ્ટ્રેલિયાના શિક્ષણ, ડિગ્રીને માન્યતા માટે ટાસ્કફોર્સ
એક્ટીંગ મિનિસ્ટર ફોર એજ્યુકેશન એન્ડ યુથ સ્ટુઅર્ટ રોબર્ટે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ ક્ષેત્રમાં વધુ ભાગીદારી થાય તે માટે ટાસ્કફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ટાસ્કફોર્સ દ્વારા બંને દેશના ગ્રેજ્યુએટને ડિગ્રી તથા ક્વોલિફિકેશનની માન્યતા પ્રાપ્ત થશે. જેના દ્વારા તેઓ એકબીજાના દેશની શિક્ષણ સંસ્થાઓમાં સરળતાથી અભ્યાસ કરી ડિગ્રી પ્રાપ્ત કરી શકશે.
તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશની ડિગ્રીની માન્યતા દ્વારા ઓસ્ટ્રેલિયા તથા ભારત વ્યવસાયિક ક્ષેત્રે વિવિધ સર્વિસમાં પ્રગતિ લાવી શકશે.

ભારત સાથેના વૈપારિક સંબંધોમાં ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયનો ફાળો મહત્વપૂર્ણ - ડાન તેહાન
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાય દ્વારા દેશના વિકાસમાં આપવામાં આવતા ફાળાને બિરદાવવા માટે સરકાર દ્વારા 'Australia’s Indian Diaspora, a national asset' રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા - ભારત વચ્ચે વેપાર-ઉદ્યોગની બાબતોમાં વિકાસ થાય અને બંને દેશો આસાનીથી વેપાર કરી શકે તેમાં ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય મહત્વનો ભાગ ભજવે છે તેમ ઓસ્ટ્રેલિયન ટ્રેડ મિનિસ્ટર ડાન તેહાને જણાવ્યું હતું.
તેમણે પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેતો ભારતીય સમુદાય યુવાન છે તથા તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે STEM સેક્ટર્સમાં પણ પ્રગતિ કરી છે.
તેમણે ઇન્ડિયન ઇકોનોમીક સ્ટ્રેટેજી ટુ 2035 ને પ્રસ્તુત કરતી વખતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના યોગદાનને બિરદાવી દેશમાં ભારતીય મૂળના વ્યવસાયિકોની વધી રહેલી સંખ્યાને બિરદાવી હતી.
ડાન તેહાને વિવિધ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતની મહત્વની નાણાકિય સંસ્થાઓ સાથે 16.9 મિલિયન ડોલર તથા ઓસ્ટ્રેલિયા ભારતમાં વધુ વૈપારિક સંબંધો સ્થાપી શકે તે માટે 8.9 મિલિયન ડોલરનું રોકાણ કરશે.

સ્પેસ, સાયન્સ - ટેક્નોલોજીમાં ભારત સાથે ભાગીદારી
વર્તમાન મોરિસન સરકારે ઓસ્ટ્રેલિયાના વેપાર તથા રીસર્ચ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને સ્પેસ, સાયન્સ તથા ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ તક પ્રાપ્ત થાય તે માટે ભારત સાથે 42 મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
આ પહેલ અંતર્ગત ઓસ્ટ્રેલિયાના વેપાર તથા રીસર્ચ સાથે સંકળાયેલા વ્યવસાયિકો ભારતીય સ્પેસ ક્ષેત્ર સાથે મળીને કાર્ય કરી શકે તે માટે 25 મિલિયન ડોલર ફાળવવામાં આવશે. ઓસ્ટ્રેલિયા - ભારત ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ચેલેન્જ માટે 9.5 મિલિયન તથા ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા સ્ટ્રેટીજીક રીસર્ચ ફંડ માટે 7.9 મિલિયન ડોલરનું રોકાણ કરવાની ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી છે.
ઇન્ટરનેશનલ સ્પેસ ઇન્વેસ્ટમેન્ટ (ISI) દ્વારા ઓસ્ટ્રેલિયા ભારતના ગંગાયાન મિશનને સહયોગ આપશે અને ઓસ્ટ્રેલિયાના સ્પેસ સાથે સંકળાયેલી સંસ્થા ઇન્ડિયન સ્પેસ રીસર્સ ઓર્ગેનાઇઝેશન (ISRO) સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કાર્ય કરી શકશે.

