વિક્ટોરીયામાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં હાજરી આપનારી એક વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન થયું છે.
30 વર્ષીય એક વ્યક્તિએ 26મી ડીસેમ્બરે ચેડસ્ટન શોપિંગ સેન્ટર તથા 27મી ડીસેમ્બરે બોક્સિંગ ડે ટેસ્ટમાં હાજરી આપી ત્યારે તેને વાઇરસનો ચેપ લાગ્યો હોય તે અંગે કોઇ માહિતી નથી પરંતુ આરોગ્ય વિભાગના માનવા પ્રમાણે, ચેડસ્ટન અને MCG ની મુલાકાત દરમિયાન તેને વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે.
વિક્ટોરીયામાં નવેમ્બર મહિના બાદ નોંધાયેલો આ પ્રથમ અજાણ્યો કેસ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, જે પ્રેક્ષકો 27મી ડીસેમ્બરના રોજ બપોરના 12.30થી 3.30 વાગ્યા વચ્ચે મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના ગ્રેટ સધર્ન સ્ટેડમાં હાજર હતા તેમણે કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને જ્યાં સુધી ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી આઇસોલેટ થવાનું રહેશે.
બુધવાર બપોર સુધીમાં તેમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
આ ઉપરાંત, ચેડસ્ટન શોપિંગ સેન્ટરમાં 26મી ડીસેમ્બર બોક્સિંગ ડેના રોજ સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધી Culture Kings, Huffer, JD Sports, Jay Jays, H&M, Uniqlo, Myer, Superdry, Footlocker અને Dumplings Plus ની મુલાકાત લેનારા લોકોએ પણ વાઇરસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
કોરોનાવાઇરસનું નિદાન થયું છે તે વ્યક્તિના મોબાઇલ દ્વારા તેની હલનચલનની વિગતો મેળવવામાં આવશે. વિક્ટોરીયાના કોરોનાવાઇરસ ટેસ્ટીંગના વડા જેરોઇન વેઇમરે બંને સ્થળો પર હજારો લોકો તે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
તે વ્યક્તિએ ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયાના વાઇરસનો ભય ધરાવતા કોઇ પણ સ્થળની મુલાકાત લીધી નહોતી.
બીજી તરફ, સિડનીમાં પણ બુધવારે કોરોનાવાઇરસના 4 કેસ નોંધાયા હતા. સિડનીના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધતા હવે વેન્ટવર્થવિલ વિસ્તારના રહેવાસીઓ પર પણ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી મેચ દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
વાઇરસનું જોખમ ધરાવતા સિડનીના વિસ્તારો
- મેય્સ હિલ - સિડની મુરુગન ટેમ્પલ 1લી જાન્યુઆરીના રોજ બપોરે 12.40થી 1.30 દરમિયાન
- પેરામેટા - ભારતીય રેસ્ટોરન્ટ સરવાના ભવન, સોમવાર 28મી ડીસેમ્બર સવારે 10.20થી 10.50 સુધીમાં
- મેરીલેન્ડ - મેરીલેન્ડ RSL, સોમવારે 28મી ડીસેમ્બર સાંજે 4થી 4.45 સુધી
- પેરામેટા - Ollie Webb ક્રિકેટ ગ્રાઉન્ડ, સોમવાર, 28મી ડીસેમ્બર સવારે 7.30થી 11 વાગ્યા સુધી
- પેન્ડલ હીલ - સિડની મરિના ડાઇન ઇન એન્ડ ટેક અવે, રવિવાર 3 જાન્યુઆરી બપોરે 12.30થી 12.50 વાગ્યા સુધી.
ઉપરોક્ત તમામ સ્થળોને ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાવાઇરસનું જોખમ ધરાવતા વિસ્તારોની યાદીમાં મૂક્યા હોવાથી આ સમયગાળા દરમિયાન તે સ્થળોની મુલાકાત લેનારા લોકોને વાઇરસનો ટેસ્ટ કરાવવા તથા જ્યાં સુધી આરોગ્ય વિભાગ દ્વારા તે અંગે કોઇ સલાહ ન આપવામાં આવે ત્યાં સુધી આઇસોલેટ થવાનું જણાવવામાં આવ્યું છે.
- ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
- જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
- સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
- તમારા રાજ્યો અથવા ટેરીટરી - ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, નોર્ધન ટેરીટરી, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને તાસ્મેનિયા દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાંથી વધુ માહિતી મેળવો.
Share


