ઓસ્ટ્રેલિયન બિયર કંપનીની બોટલ પર હિન્દુ ભગવાન ગણેશજીના ચિત્રથી વિવાદ ઉભો થયો છે. જોકે, આ વિવાદ વધુ મોટો થતા કંપનીના સહ-સ્થાપકે ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુ સમાજના લોકોને બિયરની બોટલ પરના લેબલને ફરીથી ડિઝાઇન કરવામાં મદદ કરવા વિનંતી કરી છે.
સિડની ખાતે આવેલા બ્રૂકવેલ યુનિયનના સહ-સ્થાપક જેરોન મિચેલે SBS Hindi ને જણાવ્યું હતું કે, હું હિન્દુ સમાજના લોકોને અમારી સાથે મળીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે વિનંતી કરું છું.
આ અપીલ કંપનીની સામે થયેલી વધુ એક પીટીશન બાદ કરવામાં આવી હતી. બિયરની બોટલ પર હિન્દુ ભગવાન ગણેશજીનું ચિત્ર પ્રિન્ટ કરવામાં આવ્યું હોવાથી લોકોની લાગણી દુભાઇ હતી.
કંપનીની વેબસાઇટ પર બિયર વિશે થોડી જાણકારી આપવામાં આવી છે. તથા તેની સાથે "Quality on the inside. Nonsense on the outside" વાક્ય પણ લખવામાં આવ્યું છે.
બિયરની બોટલ પર આ પ્રકારની આકૃતિ છપાયા બાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેમાંથી કેટલાકે ભારતના પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીને આ અંગે પગલા લેવા અનુરોધ કર્યો હતો.
Change.org પર કરવામાં આવેલી પીટીશનમાં લોકોએ કંપનીને હિન્દુ દેવી-દેવતાઓની તથા ધર્મની મજાક ઉડાવવાનું બંધ કરવા જણાવ્યું હતું.
મિચેલે, લેબલ પર લખેલા વાક્યોનો ખોટું તારણ નીકળ્યું હોવાનું જણાવ્યું હતું.
"લેબલ પર લખેલું વાક્ય અમારી જ મજાક છે. તેને કોઇ ભગવાન સાથે કોઇ જ લેવા-દેવા નથી."
પીટીશનમાં લગભગ 3000 જેટલા લોકોએ સહી કરી છે, તેમાં જણાવ્યું છે કે, બ્રૂકવેલ યુનિયનએ હિન્દુ ભગવાન ગણેશજીની મજાક ઉડાવી છે અને જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે. કંપની તાત્કાલિક પોતાની ડિઝાઇન બદલે.
જોકે, આ પ્રથમ વખત નથી કે કંપની પોતાના કોઇ ઉત્પાદન બદલ ટીકાનો સામનો કરી રહી હોય, અગાઉ 2013માં પણ કંપની પર જીંજર બિયરની બોટલ પર ગણેશજી તથા લક્ષ્મીજીના ચિત્રનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
ટીકાનો સામનો કર્યા બાદ કંપનીના સહ-સંસ્થાપક મિચેલે હિન્દુ સમાજના લોકોને તેમની સાથે મિટીંગ કરીને જરૂરી સૂચનો આપવા માટે જણાવ્યું છે.
તેમના જણાવ્યા પ્રમાણે, ફક્ત હિન્દુ સમાજના લોકો જ નહીં કોઇ પણ વ્યક્તિ મિટીંગ માટે આવી શકે છે. ભાગીદારીથી અને તમામના સહયોગથી જો કામ કરવામાં આવશે તો મને લાગે છે કે આ પ્રશ્નું નિરાકરણ લાવી શકાશે.
Share

