બાલકનામા ભારતનું - વિશ્વનું એકમાત્ર એવું અખબાર છે જેને ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકો દ્વારા ચલાવવામાં આવે છે. આ અખબારના માધ્યમ થી બાળકો પોતાના વિચારો અને પોતાની સમસ્યાને સમાજ સમક્ષ રજુ કરે છે. આ અખબારની શરૂઆત બિનસરકારી સંસ્થા ચેતના વડે કરવામાં આવી છે. બાલકનામા અખબાર શરુ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રહી તેની વિકાસ યાત્રા તે અંગે જણાવતા ચેતના સંસ્થાના ડિરેક્ટર સંજય ગુપ્તાએ જણાવ્યું કે,
"એન જી ઓ ચેતના જે દિલ્લી અને આસપાસના વિસ્તારમાં બાળકોના સશક્તિકરણ માટે કામ કરે છે. વર્ષ 2002 માં એ વિચાર આવ્યો કે જે બાળકો બેઘર છે, નિરાધાર છે અને કોઈપણ કારણોસર પોતાના ગામ , શાળા છોડી દિલ્લી જેવા શહેરમાં આવે છે અને સડરપર રહેવા મજબુર છે તો આવા બાળકો માટે ચેતના સંસ્થા શરુ થઇ અને સંસ્થા વડે એમ પણ નક્કી કરવામાં આવ્યું કે આ સંસ્થા આ બાળકોનો અવાજ પણ બનશે. અને આ અવાજ એવી રીતે બનશે કે આ બાળકો પોતેજ પોતાનો આવાજ (પોતાના હક્ક) માટે ઉપાડી શકે. આ માટે "બઢતે કદમ" નામક કામકાજી બાળકોનું સંગઠન બનાવવામાં આવ્યું. આ સંગઠન વડે એ ચિંતા વ્યક્ત કરવામાં આવી કે મીડિયા એ સશક્ત માધ્યમ છે સમાજમાં બદલાવ લાવવા માટે સશક્ત માધ્યમ છે, પણ જે મુખ્ય પ્રવાહના સંચાર માધ્યમો છે તે કામકાજી બાળકોની સમસ્યાને લઈને ખાસ રસ નથી લેતું. સમાચારપત્રો કે અન્ય માધ્યમોમાં પણ ઝૂંપડપટ્ટીના બાળકો અંગે કોઈ ખાસ વાત કરવામાં નહોતી આવતી. તો આ સમસ્યાના સમાધાન તરીકે આ કામકાજી બાળકોએ પોતાનુંજ અખબાર બહાર પાડવાનું નક્કી કર્યું અને વર્ષ 2003માં " બાલકનામા"નો જન્મ થયો. "
વર્ષ 2003માં જયારે આ અખબારની શરૂઆત થઇ ત્યારે આ અખબાર સાથે 35 જેટલા બાળકો જોડાયેલ હતા. આજે આ અખબાર સાથે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોના 10 હજારથી વધુ બાળકો જોડાયેલા છે. આઠ પાનાનું આ અખબાર મુખ્યત્વે હિન્દીમાં પ્રકાશિત થાય છે, પણ સમયની મંગના લીધે આ અખબારની અંગ્રેજી આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. આ અખબારની સરક્યુલેશનની વાત કરીએ તો હિન્દી આવૃત્તિની સર્ક્યુલેશન પાંચ હજાર થી વધુ અને અંગ્રેજી આવૃત્તિની ત્રણ હજારથી વધુ.

આ અખબારની તમામ ખબરો - સમાચારો - ઘટનાઓ બાળકો વડે એક્ઠી કરવામાં આવે છે. આ અખબારમાં મોટાભાગે બાળકોના અધિકાર, બાળસુરક્ષા કે બાળકોને લગતી મહત્વની જાણકારી - નોંધ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ અખબારના માધ્યમથી બાળકો જે-તે વિષય પર કે ઘટનાનો સ્વાનુભવ રજુ કરે છે.
બાલકનામા અખબાર સાથે કોઈપણ બાળક જોડાઈ શકે છે. અહીં બાળક પહેલા રિપોર્ટર બને છે, પછી સહતંત્રી અને ત્યારબાદ તંત્રી તરીકેની ભૂમિકા ભજવે છે. જયારે બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને બાલકનામા અખબારના સલાહકારની ભૂમિકા આપવામાં આવે છે.

બાલકનામાના તંત્રી દર મહિનાના અંતમાં પોતાની ટીમની મિટિંગ બોલાવે છે. આ મિટિંગમાં એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. બાલકનામાની તંત્રી ચાંદની સાથે જયારે મારી વાત થઇ ત્યારે તેણીએ તંત્રી તરીકે પોતાની ભૂમિકા અંગે જણાવતા કહ્યું કે
"સૌથી પહેલા તેની તેની કોર ટિમ સાથે મિટિંગ કરે છે, જેમાં જે- તે મહિને ક્યા વિષય પર કામ કરવાનું છે, ક્યા વિસ્તારની મુલાકાત લેવાની છે તે અંગે એક્શન પ્લાન ઘડવામાં આવે છે. આજ મિટિંગ માં બાલકનામાના રિપોર્ટર પોતાની રિપોર્ટ પણ લઈને આવે છે. જેમ મુખ્ય અખબારના તંત્રીની ફરજ છે એ નક્કી કરવું કે કઈ ખબરને ક્યાં સ્થાન આપવું - તેવી જ રીતે બાલકનામાના તંત્રી તરીકે હું નક્કી કરું છું કે કઈ ખબર ક્યા પાના પર છાપવી, કઈ ખબર ખુબ મહત્વની છે, કઈ ખબરની ઊંડી અસર બાળકો પર પડી શકે છે વગેરે. બાલકનામા માટે ઘણી રિપોર્ટ આવે છે જેમની બધીજ છાપવી ઘણી વખત સંભવ નથી તો બચી ગયેલ રિપોર્ટ પેન્ડિંગ રિપોર્ટ તરીકે રાખવામાં આવે છે, સારા રિપોર્ટને મઠારવામાં આવે છે અને ત્યારબાદ તેને ટાઈપ કરવામાં આવે છે. ત્યારબાદ પીડીએફ ફોર્મેટમાં ઢાળીને પ્રુફ રીડ કરાય છે. ત્યારબાદ જે બાળકપર કે બાળક વડે રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે તેનો સંપર્ક કરી ખબરની સત્યાર્થતા ચકાસવામાં આવે છે અને સાથે સાથે ફરી અનુમતિ પણ લેવાય છે. રિપોર્ટર કે બાળકનો - કે ઘટનાનો ફોટો છાપતા પહેલા પણ જે સ્ટેકહોલ્ડર છે તેની પરવાનગી લેવાંમાં આવે છે. ઘણી રિપોર્ટ એવી છે કે જ્યાં બાળકને મદદની જરૂર છે તો આવી ઘટનાઓ અંગે પોલીસને જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત રિપોર્ટરને રિપોર્ટિંગ અંગે સમજાવવું - તાલીમ આપવી."

બાલકનામાની દેશ - વિદેશમાં વધતી નામના અને પ્રસિદ્ધિ પાછળ આ અખબારના રીપોર્ટરોની મહેનત છે. બાલકનામાના સિનિયર રિપોર્ટર શંભુ જણાવે છે કે,
"સૌથી પહેલા હું "બાતૂની રિપોર્ટર " બન્યો એટલેકે જે બાળકો લખી ન શકતા હોય પણ બોલીને રિપોર્ટિંગ કે જાણ કરી શકે તેવા રિપોર્ટર, ત્યારબાદ તેઓને રિપોર્ટર બનવા માટે ખાસ કાર્યશાળા સાથે તાલીમ આપવામાં આવી, અહીં ખબર કેવી રીતે મેળવવી, કેવી રીતે ખબર લખવી જેવા વિષયો પર તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. હું દક્ષિણ દિલ્લીના ગૌતમનગર આસપાસના વિસ્તારમાં રિપોર્ટિંગ કરું છું તો અહીં દરરોજ સાંજે એકવખત મારી ટિમ સાથે હું મિટિંગ કરી ઉપડૅટ મેળવી લઉં છું, આ એક ઇન્ફોર્મલ મિટિંગ સમાન હોય છે. અમારો પ્રયાસ સકારાત્મક કિસ્સાઓને પ્રકાશમાં લાવવાનો છે."
બાલકનામા અખબારની ભવિષ્યની યોજનાઓ શું છે? આ અંગે સંસ્થાના ડિરેક્ટર સંજય ગુપ્તા જણાવે છે કે બાલકનામા અખબારે મેઈન સ્ટ્રીમ મીડિયા માં પોતાની આગવી ઓળખ ઉભી કરવાની છે.
આ અખબાર અંગેનો વિશેષ કાર્યક્મ એસ બી એસ ડેટલાઇન પર આજે જોવાનું ચૂકશો નહિ.
Dateline airs Tuesdays at 9.30pm on SBS. The program is available after broadcast anytime, on your favorite device via SBS On Demand.

