હાઇલાઇટ્સ
- હાલમાં 1600થી પણ વધારે ઓસ્ટ્રેલિયન્સ ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહ્યા છે.
- કોરોનાવાઇરસની મહામારીના કારણે કીડની ટ્રાન્સપ્લાન્ટને સ્થગિત કરવામાં આવ્યું છે જ્યારે અન્ય ટ્રાન્સપ્લાન્ટને જો સખત જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જ મંજૂરી આપવામાં આવે છે.
- અંગદાન માટે પૂરતી સહેમતી હોવી જરૂરી છે.
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે DonateLife Week યોજાય છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં અંગદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ વર્ષે 26મી જુલાઇથી 2જી ઓગસ્ટ એટલે કે એક અઠવાડિયા સુધી કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.
ડો હેલન ઓડેમ ઓસ્ટ્રેલિયન ઓર્ગન ડોનર રજીસ્ટર ચલાવતા ઓર્ગન એન્ડ ટીશ્યુ ઓથોરિટી (OTA) ના નેશનલ મેડિકલ ડીરેક્ટર છે.
તેઓ જણાવે છે કે, મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સ અંગદાતા બનવાની ઇચ્છા પ્રગટ કરે છે પરંતુ, તેમાંથી ઘણા લોકોએ તે માટેના જરૂરી પગલાં લેતા નથી.
અંગદાતા કેવી રીતે બની શકાય
સૌ પ્રથમ DonateLife વેબસાઇટ પર મેડિકેર નંબર આપીને online form ભરીને અંગદાન માટે રજીસ્ટર કરી શકાય છે.
બીજા પગલાંમાં તમે તમારા નજીકના સંબંધીઓને તમારા અંગદાતા બનવા વિશેના નિર્ણય અંગે જાણ કરો. તમારા પરિવારજન અથવા તો સંબંધીએ હોસ્પિટલને અંગદાન કરવાની ઇચ્છાને સમર્થન આપવું જરૂરી છે. જેથી, તેમને તમારા આ નિર્ણયની જાણ રહે.
જો તમારા પરિવારજનને તમારી ઇચ્છા વિશે જાણ નહીં હોય તો તેઓ અંગદાનની અરજીનો અસ્વીકાર કરે છે.
અંગદાન કરવા જેવા વિષય અંગે પરિવાર સાથે વાત કરવી થોડી મુશ્કેલ ચોક્કસ છે પરંતુ જે જરૂરી પણ છે. જો પરિવારજનોને તમારા આ નિર્ણય વિશે જાણ હોય તો તેઓ પરવાનગી આપે તેવી શક્યતાઓ વધી જાય છે.
જો તમને અંગદાન વિશે તમારા પરિવારજનો સાથે વાત કરવામાં અસમંજસ હોય તો OTA એક ફેક્ટશીટ ઉપલબ્ધ કરાવે છે. જેમાં અંગ્રેજી, એમ્હારીક, નેપાળી, પશ્તો અને ટીગ્રીન્યા ભાષામાં કેટલીક માહિતી આપવામાં આવી છે.

કોરોનાવાઇરસની અસર
વર્ષ 2019માં, 548 અંગદાતાનો લાભ ઓસ્ટ્રેલિયાના 1444 લોકોને મળ્યો હતો. આ ઉપરાંત, આંખ અને અન્ય અંગોના દાન દ્વારા 12,000 લોકોના જીવનમાં સુધારો આવ્યો હતો.
વર્તમાન સમયમાં, 1600 જેટલા ઓસ્ટ્રેલિયન્સ અંગદાન પ્રાપ્ત થાય તેની રાહ જોઇ રહ્યા છે જ્યારે, ડાયાલિસીસની મદદ મેળવતા 12,000થી પણ વધારે લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે.
જોકે, હાલમાં કોરોનાવાઇરસના સમયમાં દર્દીના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા ઓછી કરી દેવામાં આવી છે. 25મી માર્ચ 2020થી, કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે.
ટ્રાન્સપ્લાન્ટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ, ક્રિસ થોમસ જણાવે છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન શરૂ કરવા કે કેમ તેની દરેક અઠવાડિયે સમીક્ષા કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં આ ઓપરેશનથી થતા ફાયદા કરતા તેનું જોખમ વધુ છે.
તેઓ વિવિધ આડઅસરો અંગે પણ માહિતી આપતા જણાવે છે કે કોઇ દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે અને તેની રોગપ્રતિકારક શક્તિ ફરીથી વિકસી રહી હોય તે સમયે જો તેનામાં કોરોનાવાઇરસનું નિદાન થાય તો તેના માટે જોખમી બની શકે છે.

ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રિન્સિપલ કમિટી જણાવે છે કે કોરોનાવાઇરસના સમયમાં આઇસીયુની સેવાની વધુ જરૂરિયાત ઉભી થઇ હોવાના કારણે જીવિત વ્યક્તિ દ્વારા કરવામાં આવતા દાનને પણ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે.
લિવર, હાર્ટ, ફેંફસા, પીડિયાટ્રીક અને મલ્ટી – ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યથાવત જ છે પરંતુ તેમાં ફક્ત ખૂબ જ જરૂરિયાત હોય તેવા કેસને જ મંજૂરી આપવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન્સ અંગદાનને હજી પણ સમર્થન આપે તે જરૂરી છે.
થોમસ જણાવે છે કે જે લોકો હ્દય, લિવર કે ફેંફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહ્યા છે તેમને આશા સાથે આત્મવિશ્વાસ અપાવવાની પણ જરૂર છે કે એક વખત કોરોનાવાઇરસની મહામારી સમાપ્ત થઇ જશે ત્યાર બાદ તમામ ઓપરેશન રાબેતા મુજબ શરૂ થઇ જશે.

માન્યતા અને ગેરસમજણ
ઘણી વખત, માન્યતા અને ગેરસમજણના કારણે લોકો અંગદાન કરતા અચકાય છે અને સાથી ઓસ્ટ્રેલિયન્સ નવજીવન મેળવવાથી વંચિત રહી જાય છે. અહીં, અંગદાન વિશે પ્રવર્તી રહેલી પાંચ માન્યતાઓની જાણકારી આપવામાં આવી છે.
માન્યતા – અંગદાન મારા ધર્મની વિરુદ્ધ છે
હકીકત – ઓસ્ટ્રેલિયામાં ખ્રિસ્તી, ઇસ્લામ, બૌદ્ધ, હિન્દુ જેવા મોટાભાગના ધર્મો અંગદાનને સમર્થન આપે છે અને તેને માનવતાનું કાર્ય ગણે છે. આ ઉપરાંત, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને માન આપીને જ તમામ પ્રક્રિયા કરવામાં આવે છે.
માન્યતા – એક વખત મેં અંગદાતા તરીકે નામ નોંધાવ્યું તો હું જાતે જ મારા મૃત્યુ બાદ અંગદાતા બની જઇશ
હકીકત – જો તમે ઓસ્ટ્રેલિયન ઓર્ગન ડોનર રજીસ્ટર પર નામ નોંધાવ્યું છે તેમ છતાં પણ તમારે પરિવારજનો સાથે ચર્ચા કરવી જરૂરી છે. તેમની મંજૂરી વિના અંગદાન થઇ શકશે નહીં. આ ઉપરાંત, દર્દી હોસ્પિટલ આઇસીયુમાં મૃત્યુ પામવો જોઇએ જેથી તેના અંગોનું સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે દાન થઇ શકે. અગાઉથી જ કોઇ બિમારી હોવાથી, હોસ્પિટલમાં મૃત્યુ પામતા લગભગ 2 ટકા લોકોના અંગોનું જ દાન થાય છે. જોકે, આંખ અને અન્ય અંગોનું દાન થઇ શકે છે.
માન્યતા – જો ડોક્ટરને ખબર પડે કે હું રજીસ્ટર અંગદાતા છું તો તેઓ મારું જીવન બચાવવાનો પ્રયત્ન નહીં કરે
હકીકત – ના તે સત્ય નથી. તમારું જીવન બચાવવું જ આરોગ્ય અધિકારીની પ્રાથમિકતા હોય છે. તેમની પ્રથમ ફરજ તમારા પ્રત્યે છે. જ્યારે મૃત્યુ ટાળી ન શકાય ત્યારે જ અંગદાન અંગે વિચારણા કરાય છે.
માન્યતા – મારા શરીરનું માન જળવાશે નહીં
હકીકત – અંગદાતાના શરીરને હંમેશાં માન સન્માન આપવામાં આવે છે. અને, પરિવારજનો તેને નિહાળી પણ શકે છે. અંગદાન કરવાથી શરીરનું માન જળવાશે નહીં તે ખોટું છે. અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા અંગદાનની પ્રક્રિયા કરાય છે.
માન્યતા – મને અગાઉથી કોઇ બિમારી છે, હું અંગદાતા ન બની શકું.
હકીકત – કોઇ પણ વ્યક્તિએ તેની ઉંમર, શારીરિક તકલીફ કે જીવન જીવવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને અંગદાન કરવાથી અચકાવું ન જોઇએ. તમારા કેટલાક અંગો અંગદાન માટે યોગ્ય હોય તેવી પણ શક્યતા છે. તમે કેવી રીતે અન્ય વ્યક્તિને નવજીવન પૂરું પાડી શકો છો તે સ્વાસ્થ્ય નિષ્ણાતોને નક્કી કરવા દો.
ઓસ્ટ્રેલિયન ઓર્ગન ડોનર રજીસ્ટર સાથે જોડાવવા કે વધુ માહિતી માટે donatelife.gov.au ની મુલાકાત લો.

