સરકારની સ્ટે સ્માર્ટ ઓનલાઇન (Stay Smart Online) વેબસાઈટ સેવા દ્વારા નકલી ઇમેઇલ વિરુદ્ધ લોકોને ચેતવણી આપવામાં આવી છે, આ ઇમેઇલ મેડિકેર દ્વારા મોકલવામાં આવ્યા હોય તેવા લાગે છે.
સ્કેમર્સ દ્વારા myGov જેવીજ અન્ય વેબ સાઈટ બનાવવામાં આવી છે.
આ સાઈટ પરથી મોકલવામાં આવતા ઇમેઇલ વ્યક્તિને myGov ની નકલી વેબસાઈટ પર લઇ જાય છે, અને જો વ્યક્તિ આ વેબસાઇટની URL અંગે જાગૃત ન રહે, તો તે છેતરપિંડીનો ભોગ બની શકે છે. સામાન્યરીતે તમામ સરકારી વેબસાઈટની URL ".gov.au" છે. પણ, આ નકલી સાઈટની URL ".net" છે. આ નકલી વેબસાઈટ પરથી મોકલવામાં આવતા ઇમેઇલની સૂચના પ્રમાણે ઉપયોગકર્તાએ તેમની ઇલેક્ટ્રોનિક ફન્ડ ટ્રાન્સફર વિગતો અપડેટ કરવી જેથી તેમને મેડિકેર લાભો મળી શકે.
વ્યક્તિ આ સાઇટ પર લોગ ઈન કરે તો, તેને તેમના ગુપ્ત પ્રશ્નો પૂછવામાં આવે છે - જે તેમના એકાઉન્ટની ચકાસણી કરે છે. જયારે વ્યક્તિ આ પગલું પૂર્ણ કરે છે ત્યારે તે આ નકલી વેબસાઈટ પર પહોંચે છે અને અહીં તેની બેન્ક એકાઉન્ટની વિગતો માંગવામાં આવે છે.

Source: Screenshot from staysmartonline.gov.au
સ્કેમર્સ દ્વારા સરકારની વેબસાઈટ જેવી જ ડિઝાઇન અને અન્ય વિગતો મુકવામાં આવી છે જેથી વ્યક્તિ સરળતાથી ભ્રમિત થઇ જાય.
સ્ટે સ્માર્ટ ઓનલાઇન વેબસાઈટ પર ચેતવણી મુકવામાં આવી છે કે, આ પ્રકારની કોઈપણ લીંક પર ક્લિક ન કરવું અને કોઈપણ પ્રકારની વિગતો ન ભરવી. આમ કરવાથી સ્કેમર્સને વ્યક્તિની વ્યક્તિગત જાણકારી મળે છે અને તેઓ વ્યક્તિની ઓળખ અને પૈસાની ચોરી કરી શકે છે.

Source: Screenshot from Staysmartonline.gov.au
આવું પ્રથમ વખત નથી બની રહ્યું
ગતવર્ષે પણ સ્કેમર્સ દ્વારા myGov ની વેબસાઇટને લક્ષિત કરવામાં આવી હતી. તેઓએ સરકારની વેબસાઈટ સમાન જ અન્ય વેબસાઈટ બનાવી હતી. અહીં લોકોને તેમના પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો જણાવવા કહેવાયું હતું.
સૌ પહેલાં વ્યક્તિ લીંકના માધ્યમથી નકલી વેબસાઈટ પર પહોંચતી, પછી તેમને તેમના ખાતાની ખરાઈ કરવા ક્રેડિટ કાર્ડની વિગતો પૂછવામાં આવતી અને ત્યારબાદ જયારે વ્યક્તિ ‘Next’ પર ક્લિક કરે ત્યારે તેને સાચી સરકારી વેબસાઈટ પર મકલવામાં આવતી.
કેટલીક ઉપયોગી ટિપ્સ
વેબ સલામતી તજજ્ઞ નિરંજન લીંબાચીયા, KiwiQA સ્થાપક અને સી ઈ ઓ જણાવે છે કે, " હંમેશા ઇમેઇલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની ખાતરી કર્યા બાદ જ કોઈપણ લીંક પર ક્લિક કરવું, કોઈપણ અજાણ દ્વારા મોકલવામાં આવેલ લીંક કે ઈમેઈલને અવગણવું"
- એન્ટી વાયરસ અને માલવેર પ્રોટેક્શનને સક્રિય રાખવું.
- મેઈલબોક્સ ફિલ્ટર સક્રિય રાખવું, આ એક એવી સેવા છે જે મોટાભાગના સેવા પ્રદાતા આપે છે જેથી ફિશિંગ ઇમેઇલ ઇનબૉક્સ સુધી ન પહોંચી શકે.
- કોઈપણ ફોટા કે લીંકને ડાઉનલોડ ન કરવી - ખાસ કરીને જો તે ઈનબોક્સમાં ન હોય.
- સરકાર દ્વારા ક્યારે પણ કોઈ ટેક્સ્ટ કે ઇમેઇલ મોકલવામાં નથી આવતા તે યાદ રાખવું, અને જો આવું થાય કે દેખાય તો સંબંધિત વિભાગનો સંપર્ક કરી ખરાઈ કરવી. પણ આ પ્રકારના ઈમેઈલને અવગણવા.
- ઓસ્ટ્રેલિયામાં મોટાભાગે કોઈપણ સરકારી વિભાગ દ્વારા વ્યક્તિની વ્યક્તિગત અને આર્થિક વિગતો માંગવામાં નથી આવતી તેનું હંમેશા ધ્યાન રાખવું.
- હમણાંજ જવાબ આપો - તે પ્રકારની કોઈપણ જાહેરાત થી બચવું.
- જુદા જુદા એકાઉન્ટસ માટે જુદાજુદા પાસવર્ડ રાખવા.