વરસાદના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચના પાંચમા દિવસની રમત રદ કરાતા મેચ ડ્રોમાં પરિણામી હતી અને આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતી લઇને ઇતિહાસ સર્જી દીધો છે. ભારતે 71 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી છે.
એડિલેડ તથા મેલ્બોર્ન ટેસ્ટ મેચમાં ભારતે વિજય નોંધાવ્યો હતો જ્યારે પર્થ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.
તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનારો વિશ્વનો પાંચમો તથા એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. અગાઉ સિડનીમાં વરસાદના વાતાવરણ વચ્ચે ખરાબ પ્રકાશના કારણે પાંચમા દિવસે એક પણ બોલની રમત શક્ય બની નહોતી અને નિર્ધારિત સમય સુધી મેચ શરૂ ન થતા અમ્પાયરે મેચ ડ્રો કરવાનો નિર્ણય કર્યો હતો.

Virat Kohli gestures to supporters as India celebrate a 2-1 series victory over Australia. Source: AAP Image/Dan Himbrechts
સિડની ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે 622 રન નોંધાવીને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 300 રન કરીને આઉટ થઇ ગયું હતું. ભારતે તેને ફોલોઓન કરતા બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 6 રન કર્યા હતા.
Image
ચેતેશ્વર પૂજારા મેચ ઓફ ધ સિરીઝ
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને તેના શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ તથા મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પૂજારાએ ચાર મેચની શ્રેણીમાં કુલ ત્રણ સદી સાથે 521 રન નોંધાવ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતનારો પાંચમો દેશ
ભારત ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતનારો પાંચમો દેશ બની ગયો છે. ભારત અગાઉ ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યા છે.
Image
12 ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વિજય
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 1947-48થી ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ત્યારથી અત્યાર સુધી તે 12 સિરીઝ રમ્યુ છે પરંતુ આ તેનો સૌ પ્રથમ શ્રેણી વિજય છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં અગાઉ આઠ ટેસ્ટ શ્રેણીમાં પરાજય મેળવ્યો હતો જ્યારે ત્રણ સિરીઝ ડ્રો રહી હતી.
સૌ પ્રથમ વખત ચાર મેચની શ્રેણીમાં બે ટેસ્ટ મેચ જીતી
ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ચાર મેચની શ્રેણીમાં બે ટેસ્ટ મેચ જીતી છે. અગાઉ 1977-78માં ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે ટેસ્ટ મેચ જીતી હતી. જોકે, તે સમયે ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.
Share

