SKIP TO MAIN CONTENT

ભારતીય જનતા પક્ષના નવા નેતા એટલે કે ગુજરાતના નવા મુખ્ય મંત્રી કોણ?

વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીથી માંડી બુધવારના એસબીએસ બુલેટિનમાં આપણે જાણ્યું હતું એમ વજુભાઈ વાળા, મનસુખ માંડવિયા, કૌશિક પટેલ અને સ્મૃતિ ઈરાની સુધીનાં નામ અત્યારે ચર્ચામાં છે. ક્યાંક વળી પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં નામ પણ સાંભળવા મળે છે, પણ આશ્ચર્ય સર્જવા માટે જાણીતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ તરફથી એક નામ પાક્કું ન થાય ત્યાં સુધી આ તમામ નામ અટકળનો જ વિષય રહેશે

A girl holds cut out of Indian Prime Minister Narendra Modi during an election campaign rally in Ahmadabad, India, Friday, Dec. 8, 2017.
A girl holds cut out of Indian Prime Minister Narendra Modi during an election campaign rally in Ahmadabad, India, Friday, Dec. 8, 2017. Source: AAP-Ajit Solanki

3 min read

Published

By Hiren Mehta


Skip to article content

અત્યંત સાંકડી બહુમતીએ જીતેલા ભારતીય જનતા પક્ષના નવા નેતા એટલે કે ગુજરાતના નવા મુખ્ય મંત્રી કોણ? એ સવાલના જવાબ માટે લોકોએ હજી કદાચ એકાદ દિવસ રાહ જોવી પડે એમ લાગે છે.

વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીથી માંડી બુધવારના એસબીએસ બુલેટિનમાં આપણે જાણ્યું હતું એમ વજુભાઈ વાળા, મનસુખ માંડવિયા, કૌશિક પટેલ અને સ્મૃતિ ઈરાની સુધીનાં નામ અત્યારે ચર્ચામાં છે. ક્યાંક વળી પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં નામ પણ સાંભળવા મળે છે, પણ આશ્ચર્ય સર્જવા માટે જાણીતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ તરફથી એક નામ પાક્કું ન થાય ત્યાં સુધી આ તમામ નામ અટકળનો જ વિષય રહેશે.

આજકાલમાં ભાજપની નેતાગીરી મુખ્ય મંત્રી તરીકે એની પસંદગી જાહેર કરે તો શક્યતા એવી છે કે ૨૫ ડિસેમ્બર ને સોમવારે નવા પ્રધાનમંડળને શપથ ગ્રહણ કરાવવામાં આવે. ૫ચીસમી ડિસેમ્બરે ભાજપના વરિષ્ઠ નેતા અટલબિહારી વાજપેયીનો જન્મદિન છે એટલે શપથવિધિ માટે ભાજપ આ દિવસ પસંદ કરે એમ મનાય છે.

આ સાથે સાથે ભાજપ અને ખાસ તો પક્ષ પ્રમુખ અમિત શાહ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર પક્ષે માર કેમ ખાવો પડ્યો એનું પૃથ્થકરણ પણ શરુ કરી દેશે. ૧૯૯૫માં ભાજપ પહેલી વાર ગુજરાતમાં એકલે હાથે સત્તા પર આવ્યો એ પછી પહેલી વખત પક્ષને એકસોથી પણ ઓછી બેઠક મળી છે. આ કારણે વિધાનસભાની આ મુદ્દતમાં ભાજપે સમાધાન પણ બહુ કરવા પડશે.

ભાજપ ચૂંટણીમાં પોતાના દેખાવની સમીક્ષા કરવા માટે ચિંતન બેઠક ક્યારે બોલાવશે એ હજી જાણી શકાયું નથી, પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બુધવારથી જ આ કવાયત આદરી દીધી છે અને આજે આવી જ એક બેઠક માટે નવનિર્વાચિત પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે. કોંગ્રસની આ બેઠક મહેસાણામાં યોજાઈ છે. રાહુલ ગાંધી આવતી કાલે અમદાવાદમાં પણ પક્ષના કાર્યકરોને મળવાના છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ થઈ છે કે રાજ્યના ૩૩માંથી પંદર જિલ્લામાં એનો દેખાવ બહુ સારો રહ્યો છે.

આ ૧૫ જિલ્લામાં વિધાનસભાની ૪૭ બેઠક છે જેમાંથી કોંગ્રસે ૩૭ બેઠક જીતી છે. આમ કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં એની સ્થિતિ મજબૂત બનાવી છે. બીજી બાજુ ભાજપે ચાર મુખ્ય શહેરોમાં મોટા ભાગની બેઠક જીતી છે.

નવી વિધાનસભામાં ૧૮૨માંથી ૧૦૨ વિજેતા સાવ નવા છે એટલે કે પહેલી વાર એકસોથી વધુ ધારાસભ્યો ગૃહમાં નજર પડશે. ગુજરાતના નવનિર્વાચિત વિધાનસભ્યો માટે એ પણ જાણી લો કે એમાંના ૪૭ સભ્યો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે અને અમુક સામે તો ખૂન, બળાત્કાર તથા દંગલ મચાવવા સહિતના ગંભીર અપરાધ નોંધાયા છે.

 

આ ચૂંટણી પરિણામોની અસર રાજ્યના આગામી બજેટ પર પડશે એમ અત્યારથી કહી શકાય. કારણ કે નવી સરકાર ખાસ તો ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું ધ્યાન વધુ કેન્દ્રિત કરશે. સરકારમાં પણ ગ્રામીણ એરિયાના પ્રતિનિધિઓને પૂરતું મહત્વ ભાજપે આપવું પડશે.

... અને અત્યારે બધાની નજર એના પર જ છે કે કોણ પ્રધાન મંડળમાં સ્થાન પામે છે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now