ભારત તથા ઓસ્ટ્રેલિયા બ્રિસબેનમાં પ્રથમ ટી20 મેચ રમીને બે મહિના લાંબી ક્રિકેટ શ્રેણીનો પ્રારંભ કરશે. ભારત, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ ટી20 મેચ, ચાર ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડે મેચ રમશે.
ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચેનો ક્રિકેટ મુકાબલો હંમેશા રસપ્રદ બની રહે છે અને ભૂતકાળમાં બંને દેશો વચ્ચે રમાયેલી ઘણી શ્રેણીઓ રોમાંચક બની હતી. જોકે, ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો નથી તેથી આ વખતે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવવાની તક રહેલી છે.
વર્ષ 2018માં ભારત તથા ઓસ્ટ્રેલિયા બંનેએ 16-16 મેચ રમી છે જેમાં ભારતનો 13 મેચમાં વિજય થયો છે અને ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રદર્શનની વાત કરીએ તો તેમણે છેલ્લી પાંચમાંથી ચાર મેચ ગુમાવી છે જ્યારે ભારતે પાંચમાંથી ચાર મેચમાં વિજય મેળવ્યો છે.

Indian bowler Krunal Pandya is seen in action during an India cricket team training session ahead of the International matches between Australia Source: AAP Image/Dan Peled
ભારત પાસે ઓસ્ટ્રેલિયામાં વિજયની તક
ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી અને તેના મોટાભાગના ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી ભારતીય ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે હરાવવાની તક રહેલી છે.
ઓસ્ટ્રેલિયાને વોર્નર - સ્મિથની ખોટ પડશે
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના બે મુખ્ય ખેલાડી ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથ બોલ ટેમ્પરિંગ કાંડ બાદ એક વર્ષ માટે સસ્પેન્ડ થયા હોવાથી તેઓ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એક પણ મેચમાં રમી શકશે નહીં. જેની યજમાન ઓસ્ટ્રેલિયન ટીમને ખોટ પડશે.
Image
બોલ ટેમ્પરિંગ કાંડ બાદ ઓસ્ટ્રેલિયાનું ખરાબ પ્રદર્શન
સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગના કારણે પ્રતિબંધ મુકાયા બાદ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ માર્ચ 2018થી અત્યાર સુધીમાં 11 ટી20 મેચ રમી છે જેમાંથી તેનો 7 મેચમાં પરાજય થયો છે અને માત્ર ચાર મેચ જ જીતી શક્યું છે.
ભારતીય ટીમ વિદેશમાં છ મેચથી અજેય
ભારતીય ક્રિકેટ ટીમ બે મહિના બાદ વિદેશમાં કોઇ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. તે વિદેશમાં રમાયેલી છેલ્લી છ મેચથી અજેય છે. તેથી જ ભારતીય ટીમ એ રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે.
Image
ભારતે 2016માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
ભારતીય ટીમે 2016માં ઓસ્ટ્રેલિયામાં રમેલી ત્રણ ટી20 મેચની શ્રેણીની તમામ મેચો જીતીને ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશ કર્યો હતો. જોકે તે ટીમના મોટાભાગના ખેલાડીઓ વર્તમાન ટીમમાં નથી એટલે આ વખતે પણ ભારતીય ટીમ પાસે ભૂતકાળનું પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર રહેલો છે.
ભારત - ઓસ્ટ્રેલિયા ટીમ:
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શીખર ધવન, ખલીલ અહેમદ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, રીષભ પંત, કે.એલ. રાહુલ, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, એસ્ટન એગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરેય, ક્રિસ લિન, બેન મેક્ડેરમોટ, ગ્લેન મેક્સવેલ, ડી-આર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, નથાન કુલ્ટર નાઇલ, માર્કસ સ્ટોઇનીસ, એન્ડ્ર્યુ ટાઇ, એડમ ઝામ્પા.
Share

