26મી જાન્યુઆરી 2019ના રોજ ભારત પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઇ રહ્યું છે અને શનિવારે યોજાનારા પ્રજાસત્તાક દિનની તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે.
છેલ્લા બે દિવસથી દેશની રાજધાની નવી દિલ્હી ખાતેના રાજપથ પર પરેડનું રિહર્સલ પણ થઈ રહ્યું છે. સેનાની વિવિધ પાંખના જવાનો, બીએસએફ તથા વિવિધ આર્ટિસ્ટ ગ્રૂપ્સ પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશ સમક્ષ પોતાનું કરતબ રજૂ કરવા માટે સજ્જ થઇ ચૂક્યા છે.
સાઉથ આફ્રિકાના પ્રમુખ ચીફ ગેસ્ટ
ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે જે ભૂમિ પર મોહનદાસ ગાંધીનું મહાત્મા ગાંધીમાં પરિવર્તન થયું તે સાઉથ આફ્રિકાના પ્રમુખ રાજપથ પર યોજાનારી ઉજવણીમાં હાજરી આપશે.
આ ઉપરાંત, વારાણસીમાં 23 જાન્યુઆરી એ સંપન્ન થયેલ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી માટે આવેલ તમામ ડેલીગેટ્સને પરેડમાં હજાર રહેવા આમંત્રણ અપાયું છે.

Source: AAP Image/ AP Photo/Rajesh Kumar Singh
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ વર્ષની ટર્મની પ્રજાસત્તાક દિવસની આ છેલ્લી ઉજવણી હશે.
આ વખતે પરેડના મુખ્ય આકર્ષણ
પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત સવારે 10 વાગ્યે વિજય ચોકથી થશે અને રાજપથ થઇને લગભગ 1.30 કલાક બાદ તેનું સમાપન લાલ કિલ્લા પરથી થશે. તે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારામનની ઉપસ્થિતિમાં ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
પરેડ શરૂ થાય તે અગાઉ સેનાનું MI-17 હેલિકોપ્ટર રાજપથ અને સલામી મંચ પર પુષ્પ વર્ષા કરીને પસાર થશે. ત્યાર બાદ પરેડ કમાન્ડર રાષ્ટ્રપતિને સલામી આપશે.
Image
ગાંધીજીનો જીવન સંદેશ દર્શાવાશે
પરેડમાં મહાત્મા ગાંધીજીના જીવન, સંદેશ અને તેઓએ જે સ્થળોને તેમની હાજરીથી અમર અને પ્રેરણાદાયી બનાવ્યા તેના 17 જેટલા ટેબ્લો જુદા જુદા રાજ્યોમાંથી રજૂ થશે. ગુજરાતના ટેબ્લોમાં આશ્રમ અને દાંડીકૂચની ઝાંખી જોવા મળશે. આ ઉપરાંત, આ વખતે જુદા જુદા મંત્રાલયોની કામગીરી બતાવતા ટેબ્લો પણ રાખવામાં આવ્યા છે.
જુદી-જુદી સેનાની પાંખોનું શક્તિ પ્રદર્શન M 777 હોવીત્ઝર, K9 વજ્ર, સેલ્ફ પ્રોપેલ ગન, T90 ટેન્કસ, S U30, મિગ 29, જેગુઆરથી રોચક લાગશે. આકાશમાં ત્રિરંગા સાથે હવાઈ જહાજો V શેપ ફોર્મેશન પણ કરશે. સેનાની ડેર ડેવિલ મોટરસાઇકલ ટીમનું હેરતભર્યું સ્ટંટ પણ સામેલ હશે.
Image
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સૌ પ્રથમ વખત...
70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પરેડમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના સૈનિકો પ્રથમ વખત સામેલ થશે. આ ફોજના ચાર સૈનિકો પરેડમાં ભાગ લેશે આ તમામ સૈનિકોની ઉંમર 90 વર્ષથી વધુ છે.
આ ઉપરાંત, આ વખતે સૌ પ્રથમ વખત મહિલા ઓફિસર પુરુષ આર્મી સર્વિસીસ ટીમ્સનું નેતૃત્વ કરશે અને પ્રથમ વખત આસામ રાઈફલ્સનો તમામ મહિલા કાફલો પરેડમાં ભાગ લેશે.
Share

