ઓસ્ટ્રેલિયામાં સત્તાવાર રીતે ઉનાળાનો પ્રારંભ થવામાં હજી કેટલાક દિવસો બાકી છે પરંતુ આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગમાં ભીષણ ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દેશના ઉત્તર - પશ્ચિમથી દક્ષિણ - પૂર્વ ભાગમાં હિટવેવનો અનુભવ થશે તેમ બ્યૂરો ઓફ મીટિઓરોલોજી દ્વારા જણાવવામાં આવ્યું છે.
બ્યૂરો ઓફ મીટિઓરોલોજીની વ્યાખ્યા પ્રમાણે, જો ત્રણ કે તેથી વધુ દિવસ માટે જે - તે વિસ્તારનું તાપમાન સામાન્ય તાપમાનથી ઘણું ઉંચુ રહે તો તેને હિટવેવ જાહેર કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં આગામી દિવસોમાં હિટવેવનો અનુભવ થશે તેમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
દેશના કયા રાજ્યોમાં હિટવેવ અનુભવાશે
છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં ગરમીનું નિર્માણ થઇ રહ્યું છે અને હવામાન વિભાગના સિનિયર ફોરકાસ્ટર જોનાથન હાઉના જણાવ્યા પ્રમાણે હવે તે દક્ષિણ - પૂર્વ વિસ્તાર તરફ આગળ વધી રહી છે.
- બુધવારે, સાઉથ ઓસ્ટ્રેલિયા તથા વિક્ટોરીયાના પશ્ચિમ વિભાગમાં તાપમાનનો પારો 30 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
- ગુરુવારે ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય તથા પશ્ચિમ વિસ્તારમાં ગરમીનો અનુભવ થશે.
- શુક્રવારે સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરીયાના પશ્ચિમ ભાગમાં તાપમાનનો પારો 10 ડિગ્રી જેટલો ઉંચો રહી 35થી 40ની વચ્ચે રહે તેવું અનુમાન છે.
- શનિવારે તાપમાનનો પારો ત્રણ ડિગ્રી જેટલો ઉંચો રહેશે અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ - પૂર્વ વિસ્તારમાં વધુ ગરમીનો અનુભવ થશે.
- મેલ્બર્નમાં દરિયાઇ પવનના કારણે ઠંડકનો અનુભવ થઇ શકે છે પરંતુ એડિલેડમાં શુક્રવાર તથા શનિવારે તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
- રવિવારે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેરમાં હિટવેવનો અનુભવ થશે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહે તેવું અનુમાન છે.
- સોમવારે તાપમાન ઘટે તેમ લાગી રહ્યું છે પરંતુ ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર તથા ક્વિન્સલેન્ડના દક્ષિણ - પૂર્વ ભાગમાં ગરમી વધે તેવી શક્યતા છે.

Heatwave map to hit Australia Source: Bureau of Meteorology (BOM)
રાત્રિ દરમિયાન પણ ગરમી અનુભવાશે
હિટવેવની અસર ફક્ત દિવસ દરમિયાન જ રહેશે તેમ નથી, રાત્રિના સમયે પણ ગરમીનો અનુભવ થશે અને તેની અસર આરોગ્ય પર પણ પડી શકે છે, તેમ હોઉએ જણાવ્યું હતું.
ઇમરજન્સી સર્વિસ રેડ ક્રોસના સ્ટેટ મેનેજર નિક બેન્ક્સે જણાવ્યું હતું કે ગરમીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. હિટવેટ, હિટ સ્ટ્રોકના લક્ષણો સમજીને તેની યોગ્ય કાળજી લેવી જોઇએ.
હિટ સ્ટ્રોક અને હિટવેવના લક્ષણો
- માથું દુખવું
- સ્નાયું ખેંચાવા
- શરીરમાં નબળાઇનો અનુભવ
- ચક્કર આવવા
ઓસ્ટ્રેલિયાના ઉત્તર - મધ્ય ભાગમાંથી શરૂ થયેલું ગરમીનું મોજું આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના અન્ય ભાગોમાં ફરી વળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Share

