ક્વિન્સલેન્ડે 10મી જુલાઇ, શુક્રવારે સવારના 12 વાગ્યાથી વિક્ટોરીયા સિવાયના અન્ય તમામ રાજ્યોના મુસાફરો માટે રાજ્યની સરહદો ખોલી છે.
જોકે, અન્ય રાજ્યોમાંથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશનારા મુસાફરોએ બોર્ડર ડીક્લેરેશન પાસ દર્શાવવો જરૂરી છે. ક્વિન્સલેન્ડ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 314,000 લોકોએ બોર્ડર પાસ ડાઉનલોડ કરી લીધો છે.
ચેકપોઇન્ટ પર લાંબો સમય રાહ જોવી પડી શકે
ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાસઝૂસ્કે જણાવ્યું હતું કે, રાજ્યની સરહદ પાસેના ચેકપોઇન્ટ પર લાંબો સમય રાહ જોવી પડે તેવી શક્યતા છે, તેથી જ મુસાફરોએ થોડી ધીરજ રાખવી પડશે.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આગામી 72 કલાકમાં ક્વિન્સલેન્ડમાં પ્રવેશ કરતા લોકોએ સરહદ પાસેના ચેકપોઇન્ટ પર લાંબો સમય રાહ જોવી પડી શકે છે. 20 કિલોમીટર લાંબી લાઇનનું અનુમાન હોવાના કારણે ચેકપોઇન્ટ પર લગભગ 2 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે.
આ ઉપરાંત, મુસાફરોને જો જરૂરી ન હોય તો શુક્રવારે ક્વિન્સલેન્ડ રાજ્યની સરહદ પાર નહીં કરીને તેમનો પ્રવાસ બે દિવસ પાછળ ઠેલવાની વિનંતી કરવામાં આવી હતી.
અને, જો સરહદ પાર કરવી જરૂરી હોય તો તે માટે અગાઉથી જ આયોજન કરવું જરૂરી છે, મુસાફરોને નાસ્તા, પાણી પણ સાથે રાખવાનું એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓ હવે ક્વિન્સલેન્ડમાં પ્રવેશ કરી શકશે ત્યારે પોલીસના અનુમાન પ્રમાણે, રાજ્યના દરિયાકિનારાના સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી શકે છે.
ટ્વીડ – બાર્યન પોલીસે બાર્યન બે, બંગલો, બાલિના તથા સફોલ્ક પાર્કની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને અનુસરવાની અપીલ કરી હતી.
એરપોર્ટ પર મુસાફરોનો ધસારો
ક્વિન્સલેન્ડના એરપોર્ટ પણ મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે સજ્જ થઇ ગયા છે. એરપોર્ટ પર ઊતરાણ કરનારા તમામ મુસાફરોએ બોર્ડર પાસ દર્શાવવો જરૂરી છે.
વિક્ટોરીયાના જે રહેવાસીઓએ 14થી વધુ દિવસ અગાઉ રાજ્ય છોડ્યું હશે તેમને જ બહાર જવા દેવામાં આવશે. તે માટે તેમણે તારીખ સાથેનો કોઇ પૂરાવો દર્શાવવો પડશે.
એરલાઇન કંપનીઓએ પણ મુસાફરો માટે ખાસ સ્કીમ અમલમાં મૂકી છે, વર્જીન ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ માટેની ટિકીટ 85 ડોલરમાં તથા ક્વોન્ટાસની ટિકીટ 100 ડોલરથી વધુમાં મળી રહી છે.