ગ્રૂપ - ઇમાં બ્રાઝિલ મજબૂત ટીમ માનવામાં આવે છે પરંતુ સ્વિટ્ઝર્લેન્ડ, સર્બિયા અને કોસ્ટા રિકા પણ મજબૂત ટીમોને પરાજય આપવાની ક્ષમતા ધરાવે છે ત્યારે SBS Gujarati દ્વારા ગ્રૂપમાં રહેલી ટીમની વર્તમાન પરિસ્થિતિ તથા તેમના સ્ટાર ખેલાડીઓનું વિશ્લેષણ.
ગ્રૂપ: ઇ
દેશ: બ્રાઝિલ, સ્વિટ્ઝર્લેન્ડ, સર્બિયા અને કોસ્ટારિકા
ગ્રૂપ ઇની મેચનો કાર્યક્રમ
17મી જૂન કોસ્ટા રિકા વિ. સર્બિયા
18મી જૂન બ્રાઝિલ વિ. સ્વિટ્ઝર્લેન્ડ
22મી જૂન બ્રાઝિલ વિ. કોસ્ટા રિકા
23મી જૂન સર્બિયા વિ. સ્વિટ્ઝર્લેન્ડ
28મી જૂન સ્વિટ્ઝર્લેન્ડ વિ. કોસ્ટા રિકા
28મી જૂન સર્બિયા વિ. બ્રાઝિલ
જર્મની સામે 2014ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં બ્રાઝિલનો તેના જ દેશમાં પરાજય થયો અને તે પણ 7-1ના મોટા અંતરથી. દેશ આ પરાજય ભૂલી શક્યો નથી અને તે 2018માં વર્લ્ડ કપ જીતવા માટે કમર કસી ચૂક્યું છે.

Brazil's Gabriel Jesus (R) in action with Croatias Luca Modric (L) during the international soccer friendly match between Brazil and Croatia. Source: AAP - EPA - PETER POWELL
"મને આ ક્ષણ બરાબર યાદ છે. અમે ત્યાં જ હતા જ્યારે બ્રાઝિલ પરાજય તરફ આગળ વધી રહ્યું હતું. મેં મારી કારકિર્દીમાં ટેલિવિઝન સ્ટુડિયોને આટલો શાંત ક્યારેય જોયો નહોતો. તે બ્રાઝિલ સિવાયના લોકો માટે પણ માનવામાં ન આવે તેવી ક્ષણ હતી."
ચાર વર્ષ વિતી ગયા છે અને હવે બ્રાઝિલ રશિયામાં પોતાની પ્રતિભા દર્શાવવા તૈયાર છે. રશિયા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થનારી બ્રાઝિલ પ્રથમ ટીમ બની હતી.
નેમાર, થિયાગો સિલ્વા ફિલીપ લુઇસ અને માર્સેલો જેવા ખેલાડીઓ બ્રાઝિલને વર્લ્ડ કપ જીતાડવા માટે સક્ષમ છે. બ્રાઝિલના કોચ બાચ્ચીની આગેવાની હેઠળની ટીમે 17 મેચમાં કુલ 13 વિજય, ત્રણ ડ્રો અને એક મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
બ્રાઝિલ ગ્રૂપમાં પ્રથમ સ્થાને રહેવાનું પ્રબળ દાવેદાર મનાય છે ત્યારે સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા તથા સર્બિયા વચ્ચે બીજા સ્થાન માટે સ્પર્ધા જામશે.
સ્વિટ્ઝર્લેન્ડની ટીમ યુવા ખેલાડીઓથી ભરપૂર
ગ્રૂપમાં રહેલી સ્વીટ્ઝર્લેન્ડની ટીમના મોટાભાગના ખેલાડીઓ 20થી 30 વર્ષની વય ધરાવે છે. તે ટીમ યુવા છે. જેનો લાભ તેમને વર્લ્ડ કપમાં મળી શકે તેમ છે.
રિકાર્ડો રીડ્રીગુઝ, ફેબિયન સ્કેહર, ઝેરદાન શાકીરી અને ગ્રાનીટ ઝાકા યુરોપીયન ક્લબ્સમાં રમી રહ્યા છે.
સર્બિયાનો વર્તમાન લક્ષ્યાંક રાઉન્ડ ઓફ 16માં પ્રવેશવાનો
સર્બિયન ફૂટબોલ ટીમને ગ્રૂપમાં બ્રાઝિલ તથા સ્વિટ્ઝર્લેન્ડ જેવી ટીમોનો સામનો કરવો પડશે. તેથી તેમનો વર્તમાન લક્ષ્યાંક રાઉન્ડ ઓફ 16માં પ્રવેશવાનો રહેશે.
તેમની પાસે ઇંગ્લિશ પ્રીમિયર લીગની ક્લબ ફૂલહામનો સ્ટાર ખેલાડી એલેકઝાન્ડર મિત્રોવિક છે જેણે હાલમાં જ પોતાની ક્લબને પ્રીમિયર લીગના મુખ્ય રાઉન્ડ સુધી પ્રવેશ અપાવ્યો હતો.
મિત્રોવિક ઇંગ્લિશ પ્રીમિયર લીગ જેવું જ ફોર્મ વર્લ્ડ કપમાં દર્શાવવાનો વિશ્વાસ ધરાવતા જણાવે છે કે,
"મેં છેલ્લા કેટલાક સમયમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. જેના કારણે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. મને આશા છે કે હું આ પ્રકારનું પ્રદર્શન વર્લ્ડ કપમાં પણ જાળવી રાખીશ. "
મિત્રોવિકના મતે તે છેલ્લા એક વર્ષમાં શારીરિક તથા માનસિક રીતે ફીટ થયો છે.
કોસ્ટા રિકાથી સાવધ રહેવાની જરૂર
મધ્ય અમેરિકાની ટીમ કોસ્ટા રિકાએ 2014 વર્લ્ડ કપમાં તમામ ટીમોને ચોંકાવીને ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી. તેણે ગ્રૂપમાં રહેલી ઇટાલી, ઇંગ્લેન્ડ તથા ઉરુગ્વેની મજબૂત ટીમો સામે પણ મેચ ગુમાવી નહોતી.

Costa Rica's players attend a training session in San Jose, Costa Rica. Source: AAP-EPA-Jeffrey Arguedas
ટીમનો મુખ્ય આધાર ગોલકીપર કેયલોર નવાસ પર રહેશે. તેણે 2014માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. જોકે કોસ્ટા રિકાનું વર્તમાન ફોર્મ એટલુ પ્રશંસનીય રહ્યું નથી.
મેદાન બહારના કેટલાક વિવાદોના કારણે ટીમના મનોબળને હાનિ પહોંચી છે. કોચ પાઓલો વાન્ચોપને મેદાન બહારના વિવાદોના કારણે ટીમમાંથી બહાર કરી દેવાાં આવ્યા છે. ટીમે તમામ વિવાદોને ભૂલીને ફરીથી એકજૂટ થઇને વર્લ્ડ કપમાં ભાગ લેવા ઊતરવું પડશે.