સોમવારે કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા ગ્રેટર બ્રિસબેનમાં 3 દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
નવા નોંધાયેલા અન્ય ચાર કેસ અગાઉના 3 કેસ સાથે સંપર્કમાં આવ્યા હતા. જોકે નવા સંક્રમિત દર્દીઓને કેસનું નિદાન થયું તે અગાઉ તેઓ સમુદાયમાં અન્ય લોકોને મળ્યા હતા.
તેથી વાઇરસનું સંક્રમણ હજી પણ વધે તેનું જોખમ વર્તાઇ રહ્યું છે.
ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે જણાવ્યું હતું કે, બ્રિસબેન, લોગન, મોરેટોન બે, ઇપ્સવિચ તથા રેડલેન્ડ્સ વિસ્તારો સોમવાર સાંજે 5 વાગ્યાથી આગામી 3 દિવસ સુધી કડક લોકડાઉન હેઠળ રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં પણ આપણે વાઇરસને હરાવવામાં સફળતા મેળવી હતી. તેથી જ આ વખતે પણ યોગ્ય તકેદારી રાખવામાં આવશે તો વાઇરસને હરાવી શકીશું.
3 દિવસના લોકડાઉન બાદ ઇસ્ટરની રજાઓ અગાઉ ગુરુવારે પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવશે.
આગામી 3 દિવસ કેવા પ્રતિબંધો અમલમાં રહેશે
- ફક્ત કાર્ય, ખરીદી, સારસંભાળ કે કસરત કરવા જ ઘરની બહાર જઇ શકાશે.
- ગ્રેટર બ્રિસબેનની સ્કૂલ તથા અન્ય બિન-જીવન જરૂરિયાતની સેવા ધરાવતા ઉદ્યોગો સોમવાર બપોરથી બંધ થશે.
- સમગ્ર રાજ્યમાં ઘરની બહાર જતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવું પડશે.
- જે કોઇ વ્યક્તિ 20મી માર્ચ બાદ બ્રિસબેનમાં હશે તેણે લોકડાઉનના પ્રતિબંધોનું પાલન કરવું પડશે.
અગાઉ શાળાઓ ઇસ્ટરની રજાઓ પહેલા ગુરુવારે તેમનું પ્રથમ સત્ર પૂરું કરવાની હતી પરંતુ હવે લોકડાઉનના કારણે તે મંગળવારથી બંધ થશે.
જોકે, જીવન જરૂરિયાતની સેવા સાથે સંકળાયેલા કર્મચારીના બાળકો તથા વધુ જરૂરિયાત ધરાવતા બાળકો માટે શાળા ચાલૂ જ રહેશે.
આ ઉપરાંત, જે બાળકોના માતા-પિતા તેમની ઘરે સાર-સંભાળ ન રાખી શકે તેઓ માટે ચાઇલ્ડ કેર પણ કાર્યરત રહેશે.
કોરોનાવાઇરસનું નિદાન થયેલી એક વ્યક્તિ 25થી 28મી માર્ચ દરમિયાન ગ્લેડસ્ટન તથા અન્ય બે કેસ વાઇરસના લક્ષણો સાથે જ ન્યૂ સાઉથ વેલ્સના બાઇરન બેની મુલાકાતે ગયા હતા.
રાજ્યના પ્રીમિયરે ગ્રેટર બ્રિસબેનને હોટસ્પોટ જાહેર કરી અન્ય રાજ્યો અને ટેરીટરીને પણ તેમ કરવા જણાવ્યું હતું.

