કેન્દ્રીય વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે ગઠબંધન સરકારને સામુદાયિક કાનૂની સેવા કેન્દ્ર અર્થે આપવામાં આવતા અનુદાનમાં ત્રીસ ટકાની કપાત કરવાના નિર્ણયને બદલી, આ અનુદાન પુનઃ બહાલ કરવા માંગ કરી છે.
શેડો એટર્ની જનરલ માર્ક ડ્રેફ્સનું કહેવું છે કે સામુદાયિક કાનૂની કેન્દ્ર દ્વારા સમાજના સૌથી વંચિત લોકોની મદદ કરવામાં આવે છે. આ લોકોમાં મોટાભાગના લોકો ઘરેલુ હિંસાના પીડિત કે સર્વાઇવર હોય છે.
ટાસ્માનિયાના સેનેટર જૈકી લૈંબીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન સમાજના સૌથી વંચિત સમુદાયને કાનૂની સહાય ન આપી શકાય તે સૌથી અસ્વીકાર્ય બાબત છે.
ગ્રીન્સ સેનેટર નિક મેક્કીમનું કહેવું છે કે સામુદાયિક કાનૂની સેવા કેન્દ્રો એ લોકો માટે વરદાન સમાન છે જેઓને કોઈ કારણોસર ન્યાય મેળવવા અસમર્થ છે. તેઓ ઉમેરે છે કે જે લોકો પાસે પૈસા નથી તેમના માટે ઘણા સંજોગોમાં ન્યાય મેળવવો મુશ્કેલ છે. દા.ત. ઘરેલુ હિંસાના પીડિત લોકો.
આ કપાતની વિપરીત અસર થઇ શકે.
નેશનલ એસોશિયેશન ઓફ કમ્યુનિટી લીગલ સેન્ટર્સના સી ઈ ઓ નસીમ અર્રાગેનું કહેવું છે કે જો અનુદાનમાં કપાત થાય તો કેટલાક કેન્દ્રો બંધ કરવા પડી શકે તેમ છે અથવા ઘણી સેવાઓ બંધ કરવી પડે તેમ છે.
જ્યાં એક બાજુ આવતા ત્રણ વર્ષ દરમિયાન 30 મિલિયન ડોલરની કપાત જાહેર થઇ છે, તો બીજી બાજુ એબોરિજિનલ સમુદાય સાથેનું અંતર ઘટાડવા માટે વડાપ્રધાન પ્રયત્નશીલ છે. આ ફન્ડીંગ કટ 1 જુલાઈ થી લાગુ પાડવાની સંભાવના છે.
Share

