ઇન્ડિયન સ્પેસ રીચર્સ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા ૨૨મી જુલાઇએ લોન્ચ કરવામાં આવેલું ચંદ્રયાન ૨ આજે મંગળવારે સવારે ૯.0૨ વાગ્યે (ભારતીય સમય મુજબ) ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. અને તે હવે ૭મી સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડીંગ કરશે.
ઉલ્લેખનીય છે કે ૨૩ દિવસ પૃથ્વીના ચક્કર લગાવ્યા બાદ તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવા માટે ૬ દિવસ જેટલો સમય લાગ્યો હતો. ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદ તે હવે આગામી ૧૩ દિવસો સુધી ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને ત્યાર બાદ ચંદ્રની ધરતી પર ઊતરાણ કરશે.
૭મી સપ્ટેમ્બરે ઊતરાણની સંભાવના
૧૩ દિવસ સુધી ચંદ્રના ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન ૨૭મી સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર નિર્ધારિત કરેલી જગ્યાએ સોફ્ટ લેન્ડીંગ કરે તેવી યોજના છે.
ચંદ્રયાન ૨ ચંદ્રની ધરતી પર ઊતરાણ કરશે તે સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇસરોના મુખ્યમથક ખાતે ઉપસ્થિત રહેશે.
ચંદ્રની ધરતી પર ઊતરાણનો પડકાર
ચંદ્રયાન ૨ ને ચંદ્રની ધરતી પર ઊતરાણ વખતે વિવિધ પ્રકારના પડકારનો સામનો કરવો પડી શકે છે. ચંદ્ર પર પૃથ્વી જેવું વાતવરણ ન હોવાથી ગુરુત્વાકર્ષણનું દબાણ એક સરખું રહેતું નથી. ચંદ્રની ધરતી પર અલગ અલગ સ્થાનો પર જુદુ જુદું ગુરુત્વાકર્ષણ હોય છે. તેથી જ ચંદ્રયાને ગુરુત્વાકર્ષણ અને વાતાવરણની યોગ્ય ગણકરી કરીને જ ઊતરાણ કરવું પડશે.
આ ઉપરાંત, ચંદ્રયાન ઊતરાણ કરવામાં સફળતા મેળવશે તો ભારત ચંદ્રના દક્ષિણ ભાગમાં ઊતરાણ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. અને, ભારતીય વૈજ્ઞાનિકોને ચંદ્રની ધરતી પર પાણીનું અસ્તિત્વ છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક પણ દેશ ચંદ્ર પણ પાણીના અસ્તિત્વને શોધી શક્યો નથી.
ભારત વિશ્વનો ચોથો દેશ બનશે
ચંદ્રયાન ૨ જો ૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ચંદ્રની ધરતી પર સફળ ઊતરાણ કરશે તો ભારત ચંદ્ર પર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા અને ચીને પોતાના વિવિધ સ્પેશ મિશનો દ્વારા ચંદ્રની ધરતી પર ઊતરાણ કર્યું છે.
Share


