એક યુવા પ્રતિભાશાળી ખેલાડી ફેનિલ શાહ પાસે ચેસમાં સફળતા મેળવવાની ઉજળી તક હતી પરંતુ તેણે અભ્યાસ પર ધ્યાન આપવા માટે ચેસ છોડ્યું. હવે, સાત વર્ષના લાંબા અંતરાળ બાદ તે ફરીથી
રમતમાં પરત આવ્યો છે અને ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે.
તેણે આ સિદ્ધી ચેસની રમત ફરીથી સ્વીકાર્યા બાદ ફક્ત 10 મહિનાના અંતરમાં જ મેળવી લીધી છે. એપ્રિલ 2018માં સર્બિયાના નોવી સાદ ખાતે રમાયેલી ટૂર્નામેન્ટમાં ફેનિલે 2400 રેટિંગ પોઇન્ટ્સ પાર કરી સફળતા હાંસલ કરી હતી.
SBS Gujarati સાથે વાત કરતા ફેનિલ શાહે જણાવ્યું હતું કે, "રમતની અંદર અને બહાર મેં અદ્દભુત સમય પસાર કર્યો છે. મેં ચેસ પ્રત્યે મારો જુસ્સો ક્યારેય છોડ્યો નહોતો અને હું આટલા લાંબા અંતરાય બાદ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છું. "

Fenil Shah was honored by Gujarat State Chess Association for his achievement in the game. Source: Gujarat State Chess Association.
'અભ્સાસ માટે ચેસ છોડ્યું'
23 વર્ષીય ફેનિલે જણાવ્યું હતું કે,"15 વર્ષની ઉંમરે મેં ચેન્નાઇમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઇન્ટરનેશલન માસ્ટર્સ નોર્મ મેળવ્યું હતું પરંતુ મારે અભ્યાસ અને રમત બંનેમાંથી કોઇ એકની પસંદગી કરવાની હતી. તે મારા માટે મુશ્કેલ સમય હતો."
"મેં ચેસબોર્ડ કરતાં અભ્યાસ પર પોતાની પસંદગી ઊતારી અને અમદાવાદની પ્રસિદ્ધ એન્જિનીયરીંગ કોલેજમાં એડમિશન લીધું. મારો અભ્યાસ પૂરો કર્યો અને 2017માં મેં ચેસની રમતમાં પુન:પ્રવેશ કર્યો. ફક્ત દસ મહિનાના સમયમાં જ મેં ઇન્ટરનેશનલ માસ્ટર્સ ટાઇટલ મેળવી લીધું."
ઇન્ટરનેશનલ માસ્ટર્સ બનવાનો નિયમ
વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE)ના નિયમ પ્રમાણે કોઇ પણ ખેલાડીએ ઇન્ટરનેશનલ માસ્ટર બનવા માટે ઓછામાં ઓછા 2400 રેટિંગ પોઇન્ટ્સની જરૂર હોય છે. ફેનિલે જ્યારે 2010માં રમત છોડી ત્યારે તેની પાસે 2250 રેટિંગ પોઇન્ટ્સ હતા. અત્યારે તેણે 2411 રેટિંગ પોઇન્ટ્સ પોતાના ખાતામાં નોંધાવી લીધા છે.
ફેનિલ ઇન્ટરનેશનલ માસ્ટર બનનારો ગુજરાતનો ચોથો ખેલાડી બન્યો છે. આ અગાઉ તેજસ બાકરે, અંકિત રાજપરા અને વલય પરીખ આ સિદ્ધી મેળવી ચૂક્યા છે.
ફેનિલે છ વર્ષની વયે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને તેણે અંડર-7 સ્ટેટ ટાઇટલ જીતીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. ત્યાર બાદથી અત્યાર સુધીમાં તે એક પણ વખત સ્ટેટ ચેમ્પિયનશિપમાં પરાજિત થયો નથી. તેણે વર્ષ 2002માં લખનઉ ખાતે પોતાનો પ્રથમ નેશનલ મેડલ જીત્યો હતો.

Fenil Shah with his trophies. Source: Fenil Shah
તેણે અત્યાર સુધીમાં ત્રણ વખત ઇન્ટરનેશનલ માસ્ટર્સ નોર્મ મેળવ્યા છે, અગાઉ 2010માં ચેન્નાઇ ઓપન ખાતે, 2018માં પ્રતિષ્ઠિત અને મુશ્કેલ એવા સ્વીડનમાં યોજાયેલા રીલ્ટોન કપ તથા મોસ્કો ખાતેની એરોફ્લોટ ઓપનમાં તેણે ગ્રાન્ડમાસ્ટર્સ અને ઇન્ટરનેશનલ માસ્ટર્સ સાથે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઇન્ટરનેશનલ માસ્ટર નોર્મ મેળવવાની સિદ્ધી મેળવી હતી.