કેન્દ્રીય સરકારે આગામી મહિનાથી યુનિવર્સિટી અને ટાફે (TAFE) કોલેજના ટૂંકા કોર્સની ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયનો ઉદ્દેશ્ય કોરોનાવાઇરસની મહામારી બાદ દેશમાં પ્રતિભાશાળી કામદારોની અછત ન સર્જાય અને અર્થતંત્રને વેગ મળે તેનો છે.
કેટલાક ઓનલાઇન કોર્સમાં આગામી છ મહિના સુધી 74 ટકા ફી કાંપ મૂકવામાં આવ્યો છે. જેમાં, નર્સિંગ, શિક્ષણ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, કાઉન્સિલિંગ અને વિજ્ઞાનને લગતા કોર્સનો સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી ડેન ટેહાને જણાવ્યું હતું કે કોરોનાવાઇરસના સમયમાં નોકરી ગુમાવનારા લોકો જો પોતાની કારકિર્દી બદલવા માંગતા હશે તેમને આ સ્કીમનો લાભ થશે.
શિક્ષણ ક્ષેત્રની ટોચની સંસ્થા યુનિવર્સિટીસ ઓસ્ટ્રેલિયાએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. સંસ્થાના સીઇઓ કેટ્રીઓના જેક્સને જણાવ્યું હતું કે, અર્થતંત્રને વેગ આપવા તથા સ્કીલની અછતને પૂરી કરવા માટેનો સરકારનો પ્રયાસ પ્રશંસનીય છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાથી શિક્ષણ ક્ષેત્રને પણ અસર પહોંચશે.
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે સરકાર યુનિવર્સિટી માટે પણ ફંડની જાહેરાત કરશે. ટેરીટરી અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાનો, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સહયોગ આપી શકે તે માટે વિવિધ રાહતો મેળવી શકશે. આ ઉપરાંત, FEE-HELP અને VET Student Loans અંતર્ગત ફીમાં રાહતનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

International students in Australia Source: Flickr
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ ન થવો નિરાશાજનક
નેશનલ ટેરીટરી એજ્યુકેશન યુનિયનના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનો વિવિધ પ્રકારના રાહત પેકેજમાં સમાવેશ ન કરવો શરમજનક છે.
ગ્રીન્સ પક્ષના સેનેટર મેહરીન ફારુકીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મહામારીના સમયમાં નાણાકિય સહાય મેળવવાથી વંચિત રહ્યા છે. તેમણે યુનિવર્સિટી પર આધાર રાખવો પડ્યો છે. હાલના સમયમાં સરકારનું વલણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક સાબિત થયું છે.
JobKeeper સ્કીમનો લાભ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નહીં
સરકારે તાજેતરમાં 130 બિલિયન ડોલરની JobKeeper સ્કીમની જાહેરાત કરી હતી. જોકે, તેનો લાભ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળશે નહીં.
પરંતુ, ટેમ્પરરી વિસાધારકો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના સુપરએન્યુએશન ફંડમાંથી ઉપાડ કરી શકશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પખવાડિયાના 40થી વધુ કલાક સુધી કાર્ય કરવાની સરકારે છૂટ આપી છે.
સરકાર લાંબાગાળાની અસરનો વિચાર કરે
ફારુકીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સહયોગ ન કરવા બદલ આ ક્ષેત્ર પર ભવિષ્યમાં પડનારી અસરો અંગે વિચારવા માટે સરકારને અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને જે પ્રકારનો સહયોગ પ્રાપ્ત થયો છે તે જોતા, ભવિષ્યમાં તેઓ ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવામાં સાવચેતી રાખે તો નવાઇ નથી.
કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમની નોકરી ગુમાવી છે અને હાલમાં જીવનનિર્વાહ કરવા માટે તેમની પાસે જરૂરી ફંડ પણ ઉપલબ્ધ નથી અને તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સરકારને પેકેજમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જોકે, ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે જણાવ્યું હતું કે JobKeeper પેકેજમાં સરકાર હવે કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.
Share



