કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં સેંકડોની સંખ્યામાં નિર્ધારીત ફ્લાઇટ્સ રદ થઇ છે.
અને, ઓસ્ટ્રેલિયન્સ સહિત વિશ્વના ઘણા દેશોમાં ફસાઇ ગયેલા મુસાફરોને તેમની રદ થયેલી ફ્લાઇટ્સનું હજી સુધી રીફંડ મળ્યું નથી.
હાઇલાઇટ્સ
- માર્ચ 2020થી અત્યાર સુધીમાં 10 બિલિયન ડોલર જેટલી કિંમતની ટિકીટો રદ થઇ
- 10 મહિના બાદ પણ હજારો મુસાફરો રીફંડ મેળવવાથી વંચિત
- ઓસ્ટ્રેલિયા પરત ફરવા માટે ફ્લાઇટની ટિકીટમાં જંગી ભાવ વધારો તથા મુસાફરો મુશ્કેલીમાં
ઓસ્ટ્રેલિયન ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સના આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઇ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 10 બિલિયન ડોલર જેટલી કિંમતની ટિકીટો રદ થઇ છે.
આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થયાના 10 મહિના બાદ પણ માત્ર છ બિલિયન ડોલરનું જ રીફંડ આપવામાં આવ્યું છે. અને હજી પણ ચાર બિલિયન ડોલરની ચૂકવણી કરવાની બાકી છે.
વિઝીટર વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવેલા મુસાફરોને માર્ચ 2020માં ફ્લાઇટ રદ થયા બાદ હજી સુધી રીફંડ મળ્યું નથી.
મેલ્બર્ન સ્થિત વિરલ પટેલે આ અંગે SBS Gujarati ને જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા વિઝીટર વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. અને, તેઓ 31મી માર્ચે થાઇ એરવેઝ દ્વારા ભારત પરત ફરવાના હતા પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થતા તેમની નિર્ધારીત ફ્લાઇટ રદ થઇ હતી.
અને, લગભગ 10 મહિના પછી પણ હજી સુધી ટિકીટનું રીફંડ મળ્યું નથી.
એરલાઇન કંપનીમાં વારંવાર રીફંડ અંગે તપાસ કરતા વિરલને કંપનીએ રીફંડ માટેની કોઇ ચોક્કસ સમય મર્યાદા નહીં હોવાનું જણાવ્યું હતું.
બેંગકોક ખાતેની હેડઓફિસ દ્વારા રીફંડની પ્રક્રિયા કરવામાં આવશે અને બુક કરવામાં આવેલી ટિકીટનું ક્યારે રીફંડ મળશે તે અંગે હાલના તબક્કે કોઇ ચોક્કસ સમય નક્કી નથી, તેમ કંપનીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.
થાઇ એરવેઝની વેબસાઇટના જણાવ્યા અનુસાર, આગામી સૂચના ન મળે ત્યાં સુધી થાઇ એરવેઝે ટિકીટના રીફંડની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે.
બીજી તરફ, ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક સુમિત મોહનના પત્ની અને બાળકો ભારતમાં ફસાઇ ગયા છે.
SBS News સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમની પત્ની અને બાળકોને તાત્કાલિકપણે ઓસ્ટ્રેલિયા પરત લાવવા માંગે છે પરંતુ હાલના તબક્કે ટિકટીના ભાવ 25,000 ડોલર જેટલા થઇ ગયા છે અને, મોટાભાગની ફ્લાઇટ્સ રદ થઇ રહી હોવાથી તેઓ આ જોખમ લઇ શકતા નથી.

Representational image of a passenger Source: iStockphoto
ત્રણ વખત ફ્લાઇટ રદ થઇ, રીફંડ બાકી
યુનાઇટેડ કિંગડમમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન નાગરિક લુસી જીનીએ ઓસ્ટ્રેલિયા પરત ફરવા માટે બુક કરવામાં આવેલી ફ્લાઇટ 3 વખત રદ થઇ છે. પરંતુ, તેનું રીફંડ હજી સુધી મળ્યું નથી.
તેમણે જણાવ્યું હતું કે, હાલમાં એક ટિકિટની કિંમત 8000 પાઉન્ડ્સ જેટલી છે. તેમણે બુક કરાવેલી ફ્લાઇટ્સ રદ થતા તે ટિકિટનું રીફંડ ન મળતા તેઓ અન્ય ટિકીટ ખરીદી શકે તેવી પરિસ્થિતીમાં નથી.
ગ્રાહકોની બાબતો સાથે સંકળાયેલી સંસ્થા CHOICE ના ટ્રાવેલ નિષ્ણાત જોડી બર્ડે જણાવ્યું હતું કે એરલાઇન કંપની તેમના ગ્રાહકોને પડી રહેલી મુશ્કેલીને પ્રાથમિકતા આપશે તેમ ન માનવું જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે, જો તમારે એરલાઇન કંપની પાસેથી રીફંડ કે ક્રેડીટ લેવાનું હોય તો તેમને ફોન અથવા ઓનલાઇન બુકિંગ સિસ્ટમ પર સંપર્ક કરો. તમે જો છેલ્લા ઘણા મહિનાથી રીફંડ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સંપર્ક કરી શકાય છે.





