ફ્રાન્સની પેરિસ કોર્ટે મગજમાં થયેલી ગંભીર ઇજાના કારણે કોમાની અવસ્થા સામે ઝઝૂમી રહેલા 42 વર્ષીય વિન્સેન્ટ લેમ્બેર્ટની લાઇફ સપોર્ટ સિસ્ટમ ફરીથી શરૂ કરવા માટે હોસ્પિટલને આદેશ આપ્યો છે.
વિન્સેન્ટની સારવાર બંધ કરીને તેને શાંતિથી મૃત્યુ આપવાની અરજી અંગે યુનાઇટેડ નેશન્સની કમિટી કોઇ રીપોર્ટ આપે તે અગાઉ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ડોક્ટર્સ તથા હોસ્પિટલ્સ વિન્સેન્ટની સારવાર યોગ્ય રીતે કરે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે વિન્સેન્ટ લેમ્બેર્ટની સારવાર ચાલૂ જ રાખવી કે તેમની સારવાર બંધ કરીને તેમને શાંતિથી મૃત્યુ આપવું તે અંગે તેમના પરિવારમાં વિવાદ ઉત્પન્ન થયો છે.
વિન્સેન્ટ લેમ્બેર્ટનો કેસ
42 વર્ષીય વિન્સેન્ટ લેમ્બેર્ટનો વર્ષ 2008માં મોટરસાઇકલ પર અકસ્માત થયો હતો અને તેમને મગજના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા લકવાગ્રસ્ત થઇ ગયા હતા. છેલ્લા 11 વર્ષથી વિન્સેન્ટ સામાન્ય રીતે શ્વાસ લેવા ઉપરાંત તેમની આંખો ફેરવી શકે છે અને ટ્યૂબની મદદથી ખોરાક - પાણી લઇ શકે છે.
પરંતુ, ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, તેમની સંપૂર્ણ સ્વસ્થ થવાની કોઇ શક્યતા દેખાતી નથી.
સારવાર અંગે પરિવારમાં મતભેદ
વિન્સેન્ટની સ્વસ્થ નહીં થઇ શકવાની સંભાવના બાદ તેમના પરિવારમાં સારવાર ચાલૂ રાખવી કે તેને અટકાવી દેવી, તે અંગે મતભેદ ઉભા થયા છે. તેમના પત્ની રાચેલની માંગ પ્રમાણે ડોક્ટર્સે વિન્સેન્ટની સારવાર બંધ કરી દેવી જોઇએ. રાચેલને તેમના પરિવારના સભ્યો અને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સનો પણ સાથ મળ્યો છે.
જોકે, બીજી તરફ, વિન્સેન્ટના પિતરાઇ બહેન હેલેનના માનવા પ્રમાણે, વિન્સેન્ટ આંખો ફેરવવા ઉપરાંત પોતાની પણ લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્યમાં ધીરે - ધીરે સુધારો થાય તેવી શક્યતા છે.
Image
માતા-પિતાની ફ્રાન્સના પ્રમુખને અપીલ
વિન્સેન્ટના માતા-પિતાએ તેની સારવાર ચાલૂ જ રાખવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેકરોનને અપીલ કરી છે. તેમના વકીલ જીન પાઇલટના જણાવ્યા પ્રમાણે, વિન્સેન્ટની સારવાર બંધ કરી તેમને શાંતિ મૃત્યુ આપવું તે તદ્દન અસ્વીકાર્ય છે.
વકીલ જીન પાઇલટે પોતાની અપીલમાં વિન્સેન્ટની સારવાર કરી રહેલા ડોક્ટરને હટાવવાની પણ માંગ કરી છે.
વિન્સેન્ટ લેમ્બેર્ટના કેસની પ્રથમ સુનવણી બાદ જ ડોક્ટર્સે તેમની લાઇફ સપોર્ચ સિસ્ટમ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી પરંતુ કોર્ટે આદેશ કર્યા બાદ તેમણે સારવાર ફરીથી શરૂ કરવા ફરજ પડી હતી.
ફ્રાન્સમાં ઇચ્છામૃત્યુ (Euthanasia)ની પરવાનગી
ફ્રાન્સમાં ઇચ્છામૃત્યુની પરવાનગી આપતો કાયદો 2016માં પાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં એવા જ દર્દીઓને ઇચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવે છે જેમની ફરીથી સ્વસ્થ થવાની કોઇ શક્યતા ન હોય.
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં સ્વૈચ્છિક મૃત્યુ અમલી બનશે
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં સ્વૈચ્છિક મૃત્યુનો (Voluntary assisted dying) કાયદો પાસ કરવામાં આવ્યો છે પરંતુ જેનો અમલ 19મી જૂનથી શરૂ થશે. જે અંતર્ગત જે દર્દીઓની ફરીથી સ્વસ્થ થવાની સંભાવના ન હોય તેવા દર્દીઓ સ્વૈચ્છિક મૃત્યુ માંગી શકે છે.
દર્દીએ સ્વૈચ્છિત મૃત્યુ માટે ત્રણ ડોક્ટર્સને ભલામણ કરવાની હોય છે. અને ઓછામાં ઓછા બે ડોક્ટર્સની મજૂંરી આપે તો જ દર્દીને સ્વૈચ્છિક મૃત્યુ મળી શકે છે.
SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.
Share


