વિજળી વપરાશના બિલ પર લેવામાં આવતી લેટ ફી હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. મોરિસન સરકારની વિનંતીને જો વિજળી કંપનીઓ માન્ય રાખશે તો ગ્રાહકોને તેમના બિલ પર લેટ ફીના નામે વધુ નાણા ચૂકવવા નહીં પડે.
કેન્દ્રીય ઉર્જામંત્રી એન્ગ્યુસ ટેલરે ઓસ્ટ્રેલિયન એનર્જી માર્કેટ કમિશનને વિજળી કંપનીઓ દ્વારા લેવામાં આવતી જંગી લેટ ફી બંધ કરવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે ગ્રાહક નિર્ધારિત તારીખ સુધીમાં પણ વિજળીનું બિલ ન ભરી શકે તો તેણે લેટ ફી ભરવી પડે છે.
ઓસ્ટ્રેલિયામાં દર ચારમાંથી એક ગ્રાહક લેટ ફીનો શિકાર
ઓસ્ટ્રેલિયામાં દર ચાર ગ્રાહકમાંથી એક ગ્રાહક નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં બિલ ભરવાનું ચૂકી જાય છે અને તેમણે સામાન્ય બિલની સાથે લેટ ફી પણ ચૂકવવી પડે છે.
1000 ડોલર સુધીની બચત થઇ શકશે
ઓસ્ટ્રેલિયામાં વિજળીના બિલની ચૂકવણી માટે કંપનીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપતી હોય છે પરંતુ જે ગ્રાહક બિલ ભરવાની સમય મર્યાદા ચૂકી જાય છે તે એક વર્ષમાં લેટ ફી અંતર્ગત લગભગ 500થી 1000 ડોલર વધુ ચૂકવે છે. જો લેટ ફી લેવાનો નિયમ બંધ થાય તો ગ્રાહકો વાર્ષિક 1000 ડોલર સુધીની રકમ બચાવી શકે છે.
ક્યા રાજ્યોના ગ્રાહકો કેટલી લેટ ફી ચૂકવે છે
ન્યૂ સાઉથ વેલ્સના ગ્રાહકો વર્ષે 100 ડોલર જેટલી રકમ વધુ ચૂકવે છે. સાઉથ ઓસ્ટ્રેલિયા તથા ક્વિન્સલેન્ડના ગ્રાહકો અનુક્રમે 600 અને 500 ડોલર વધુ ભરે છે. જો હવે લેટ ફી બંધ થશે તો તેમણે માત્ર બિલની જ રકમ ભરવાની રહેશે.
Share


