આગામી જૂન મહિનાની 14મી તારીખથી ફીફા વર્લ્ડ કપનો પ્રારંભ થઇ રહ્યો છે. જેનો પ્રથમ મુકાબલો યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાશે. ફૂટબોલની રમત પ્રત્યે અત્યંત ભારે ક્રેઝ ધરાવતા લોકોમાં તેની અત્યારથી ચર્ચા શરૂ થઇ ગઇ છે. એક્શન, રોમાંચ, રસાકરીથી ભરપૂર એવા ફિફા વર્લ્ડકપમાં પોતાની પસંદગીની ટીમને ચીયર કરવા માટે ફૂટબોલ પ્રેમીઓ આતુર છે. ભારત જેવા દેશમાં કે જ્યાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે, ક્રિકેટર્સ ભગવાનની જેમ પૂજાય છે અને ફૂટબોલની રમત ઓછી જાણિતી છે તેવા દેશમાં પણ હવે ફૂટોબલ પ્રત્યેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતમાં યુવાનો ફૂટબોલની રમતને અપનાતા જોવો મળી રહ્યા છે એવામાં ફૂટબોલના એક અનોખા ચાહક કોલકાતામાં રહેતા પન્નાલાલ ચેટરજી (84) અને તેમની પત્ની ચૈતાલી ચેટરજી (77) છે. કોલકાતા શહેરનું દંપતિ પોતાના ફૂટબોલ પ્રત્યેના પ્રેમ વિશે જાણીતું છે. આવો જાણીએ કોલકાતાના આ દંપતિનો ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ, સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ યાદો.
કોલકાતાના પન્નાલાલ ચેટરજીએ આ અંગે એસબીએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ 1970ની સાલથી ફૂટબોલની રમતમાં વિવિધ સ્તર સાથે સંકળાયેલા છે. તેમણે ફૂટબોલ એડમિનિસ્ટ્રેટર વોલન્ટિયર તરીકે પોતાની સેવાઓ આપી છે. ફીફા વર્લ્ડ કપ જે દેશમાં યોજાતો હોય તે દેશમાં જ જઇને જોવાની પોતાની સફર વિશે તેમણે જણાવ્યું હતું કે 1982માં સ્પેનમાં યોજાયેલા વર્લ્ડ કપની ટિકિટ તેમના એક મિત્રએ તેમને આપી હતી, તે વર્લ્ડ કપ આર્જેન્ટિનાના સ્ટાર મેરાડોનાનો પ્રથમ વર્લ્ડ કપ હતો. ત્યાર બાદ આ સિલસિલો યથાવત રહ્યો અને 1986માં મેક્સિકોમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પોતાના ફેવરિટ ખેલાડી મેરાડોનાના વર્લ્ડ કપ વિનિંગ ગોલના સાક્ષી બન્યા. ત્યાર બાદ ફૂટબોલ ચાહક આ દંપતિએ 1990માં ઇટાલી, 1994માં અમેરિકા, 1998માં ફ્રાન્સ, 2002માં કોરિયા - જાપાન, 2006માં જર્મની, 2010માં સાઉથ આફ્રિકા અને 2014માં બ્રાઝિલમાં જઇને વર્લ્ડ કપ જોવાનો આનંદ માણ્યો છે. 

Football fans Pannalal and Chaitalee Source: Partha Mukhopadhyay
વર્લ્ડ કપના ખર્ચ માટે એક અલગ ફંડ
દરેક ચાર વર્ષે જે તે દેશમાં જઇને વર્લ્ડ કપ જોવામાં ખર્ચ પણ ખાસ્સો થાય પરંતુ આ દંપતિ પોતાના વ્યક્તિગત ખર્ચ પર કાપ મૂકીને વર્લ્ડ કપ માટે એક અલગ ફંડ રાખે છે. પન્નાલાલા જણાવે છે તેઓ એક સમયે પોતાની ફેવરિટ ફિશ ખાવાનું છોડીને પણ નાણા બચાવે છે.શિપિંગ ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા પન્નાલાલ પોતાને મળતા પેન્શનનો થોડો ભાગ બચાવે છે જ્યારે પત્ની ચૈતાલી સાડીનો બિઝનેસ કરીને ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ માટે નાણા એકઠાં કરે છે.
પેલે-મેરાડોનાને મળ્યા તે યાદગાર ક્ષણ
પેલે તથા મેરાડોના અનુક્રમે પન્નાલાલ તથા તેમની પત્ની ચૈતાલીના પસંદગીના ખેલાડીઓ છે. ફૂટબોલના રમતને નજીકથી અનુસરનાર દંપતિએ રમતમાં પોતાની યાદગાર ક્ષણને યાદ કરતાં જણાવ્યું હતું કે પેલે સાથેની મુલાકાત તથા તેમની સાથેનો ફોટો એ અત્યાર સુધીની યાદગાર ક્ષણમાની એક છે.